નવી દિલ્હી: દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવને નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ‘પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026’ જાહેર કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીથી અમલી બનેલા આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય SC, ST અને OBC વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવાનો અને તેમની સાથે થતા અન્યાયને અટકાવવાનો છે. જોકે, આ જાહેરાત થતાની સાથે જ શૈક્ષણિક જગતથી લઈને રાજકારણના ગલિયારાઓ સુધી વિવાદની જ્વાળાઓ ફાટી નીકળી છે. એક વર્ગ તેને સામાજિક ક્રાંતિ ગણાવે છે, તો બીજો મોટો વર્ગ તેને પૂર્વગ્રહયુક્ત ગણાવી તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે.
આ નવા નિયમોને કારણે સૌથી વધુ અજંપો શાસક પક્ષ ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યો છે. બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વિવાદે જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક ભાજપ ધારાસભ્યો અને સાંસદોએ આડકતરી રીતે આ નિયમો સામે નારાજગી વ્યક્ત કરી છે. નેતાઓનું માનવું છે કે, ઇતિહાસના નામે વર્તમાન પેઢીને 'ઐતિહાસિક ગુનેગાર' ગણાવવી અયોગ્ય છે. સવર્ણ મતદારો ભાજપની મજબૂત વોટબેંક હોવાથી પક્ષના નેતાઓ મુંઝવણમાં છે કે જો તેઓ આ મુદ્દે મૌન રહેશે તો આગામી ચૂંટણીમાં તેની ગંભીર અસર પડી શકે છે. બીજી તરફ, કેશવ પ્રસાદ મૌર્ય જેવા નેતાઓ ડેમેજ કંટ્રોલ કરતા જણાવી રહ્યા છે કે કોઈ પણ જ્ઞાતિ સાથે અન્યાય કરવામાં આવશે નહીં.
શું છે યુજીસીનો વિવાદાસ્પદ નવો નિયમ?
યુજીસીના આ નવા માળખા મુજબ, હવે દરેક યુનિવર્સિટી અને કોલેજમાં 'ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર' (EOC) ની સ્થાપના કરવી પડશે. આ કેન્દ્ર હેઠળ બનનારી 'ઇક્વિટી કમિટી' જાતિગત ભેદભાવની ફરિયાદો પર માત્ર 24 કલાકમાં કાર્યવાહી શરૂ કરશે અને 15 દિવસમાં તેનો રિપોર્ટ સોંપશે. જો કોઈ સંસ્થા આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની માન્યતા રદ કરવાની સખત જોગવાઈ પણ રાખવામાં આવી છે. સવર્ણ સંગઠનોનો આક્ષેપ છે કે આ નિયમમાં પુરાવા વગર પણ કાર્યવાહીની શક્યતા હોવાથી તેનો દુરુપયોગ થઈ શકે છે અને તેનાથી શિક્ષણ ક્ષેત્રે 'મેરિટ' પાછળ ધકેલાઈ જશે. આ નિયમ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકો અને સ્ટાફ પર પણ સમાન રીતે લાગુ પડશે.
રસપ્રદ વાત એ છે કે, જે મુદ્દે ભાજપના નેતાઓ બેચેન છે, તે જ મુદ્દે વિપક્ષી દળોએ સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું છે. કોંગ્રેસ, સપા અને આરજેડી જેવા પક્ષો હાલમાં 'વેઇટ એન્ડ વોચ' ની નીતિ અપનાવી રહ્યા છે. વિપક્ષી નેતાઓની રાજનીતિ અત્યારે દલિત અને ઓબીસી વોટબેંક પર કેન્દ્રિત હોવાથી તેઓ આ નિયમોનો વિરોધ કરીને પછાત વર્ગોને નારાજ કરવા માંગતા નથી, પરંતુ સાથે જ તેઓ આ નિયમોનું ખુલ્લેઆમ સમર્થન કરીને સવર્ણોનો રોષ પણ વહોરવા માંગતા નથી. આ પરિસ્થિતિમાં ભાજપ માટે પોતાના પરંપરાગત મતદારોને સાચવવા એ એક મોટો પડકાર બની ગયો છે.