Sat Mar 14 2026

Logo

પ્રાસંગિકઃ ટૅરિફ-ટ્રબલ... ટ્રમ્પના દિવસો હવે ગણાઈ રહ્યા છે?

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


અમૂલ દવે

અમેરિકાના રાજકીય ફલક પર ડોનલ્ડ ટ્રમ્પનું પુનરાગમન જેટલું ધમાકેદાર રહ્યું હતું, તેમનો બીજો કાર્યકાળ તેટલો જ વિવાદો અને પડકારોના વંટોળમાં ફસાયેલો છે. વર્તમાન સ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે ‘ટ્રમ્પ સામ્રાજ્ય’ના પતન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 

સત્તાનાં સૂત્રો સંભાળ્યાના ટૂંકા ગાળામાં જ ટ્રમ્પ વહીવટી તંત્રને જે સૌથી મોટો આંચકો અમેરિકાની સુપ્રીમ કોર્ટ તરફથી આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતી સાથે ટ્રમ્પની મહત્ત્વકાંક્ષી ‘ટૅરિફ નીતિ’ને માત્ર અયોગ્ય જ નહીં, પરંતુ સંપૂર્ણપણે ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરી છે. આ નિર્ણય માત્ર એક કાયદાકીય ચુકાદો નથી, પરંતુ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિના પાયા હચમચાવી નાખનાર પ્રહાર છે. 

‘ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર એક્ટ (આઈઈઈપીએ)’ હેઠળ જે રીતે વ્યાપક અને આડેધડ ટૅરિફ લાદવામાં આવ્યા હતા તેને કોર્ટે પ્રમુખના અધિકાર ક્ષેત્રની બહારના ગણાવ્યા છે. આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ, ભલે તે પ્રમુખ હોય, તે સંસદના અધિકારો છીનવી શકે નહીં.

આ કાયદાકીય પછડાટની સીધી અસર ટ્રમ્પની લોકપ્રિયતા પર પડી છે. ‘સીએનબીસી’ ટીવી ચેનલના તાજેતરના સર્વે ચોંકાવનારા આંકડા રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પની અપ્રુવલ રેટિંગ ઘટીને 35 ટકાના તળિયે પહોંચી ગઈ છે. આ આંકડો તેમના પ્રથમ કાર્યકાળના અંતિમ દિવસોની યાદ અપાવે છે, જ્યારે કોવિડ-19 મહામારી અને આર્થિક મંદીને કારણે જનતામાં ભારે રોષ હતો. આજે ફરીથી ઇતિહાસ પોતે જ એ દિશામાં પુનરાવર્તિત થઈ રહ્યો છે. જનતાના આક્રોશનું મુખ્ય કારણ વધતી જતી મોંઘવારી છે. 

ટ્રમ્પે લાદેલા ટૅરિફને કારણે આયાતી વસ્તુઓ મોંઘી થઈ છે, જેનો સીધો બોજો સામાન્ય અમેરિકન નાગરિકના ખિસ્સા પર પડ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જનતામાં એવો સંદેશ ગયો છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓ માત્ર આક્રમક જ નહીં, પણ ખામીયુક્ત પણ છે. જ્યારે અદાલતો પ્રમુખની નીતિઓને નકારી કાઢે, ત્યારે જનતાનો વિશ્વાસ ડગમગવો સ્વાભાવિક છે.

ડોનલ્ડ ટ્રમ્પ લોજિક કે વ્યવહારના માણસ નથી. એ પોતાની જીદ માટે કુખ્યાત  છે. સુપ્રીમ કોર્ટના આકરા વલણ છતાં, તેમણે નમતું જોખવાને બદલે એક નવો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ટ્રેડ એક્ટ-1974 ની 122મી કલમનો ઉપયોગ કરીને વચગાળાની 10 ટકા અને ત્યારબાદ 15 ટકા ટૅરિફ લાદ્યો છે. જોકે આ જોગવાઈ માત્ર 150 દિવસ માટે જ મર્યાદિત રક્ષણ આપે છે, પરંતુ તેનાથી વૈશ્વિક બજારમાં અરાજકતા વ્યાપી ગઈ છે. 

યુરોપિયન યુનિયન (ઈયુ) એ આ નીતિ સામે યુદ્ધના મંડાણ કર્યા છે. ‘ઈયુ’એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ આ અન્યાયી ટૅરિફ સહન કરશે નહીં અને વળતા પ્રહાર તરીકે અમેરિકન ઉત્પાદનો પર પણ ટેક્સ લાદશે. આ એક એવા વૈશ્વિક વેપાર યુદ્ધની શરૂઆત છે, જેમાં કોઈનો વિજય નિશ્ચિત નથી, પણ વિનાશ ચોક્કસ છે. 

ભારત જેવા મૈત્રીપૂર્ણ દેશો સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી છે. બહુ ગજાવવામાં આવેલો ભારત અને અમેરિકા વચ્ચેનો વચગાળાનો વેપાર કરાર અત્યારે અભરાઈએ ચઢી ગયો છે. ભારતીય આઈટી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર આ અનિશ્ર્ચિતતાને કારણે ભારે દબાણમાં છે. ટ્રમ્પની આ નીતિએ મિત્ર દેશોને પણ શંકાની નજરે જોતા કરી દીધા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર વેપાર જ નહીં, પરંતુ સૈન્ય મોરચે પણ ટ્રમ્પ નબળા પડતા દેખાય છે. ઈરાન આજે મધ્ય પૂર્વમાં એક મહાશક્તિ તરીકે ઊભરી આવ્યું છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના પ્રતિબંધોએ ઈરાનને નબળું પાડવાને બદલે તેને વધુ આત્મનિર્ભર અને આક્રમક બનાવ્યું હોય તેમ લાગે છે. ઈરાનની પરમાણુ ક્ષમતાઓ અને તેની વધતી જતી મિસાઈલ ટેકનોલોજી ટ્રમ્પ માટે માથાનો દુખાવો બની ગઈ છે. 

ટ્રમ્પ ઈચ્છવા છતાં પણ ઈરાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી શકતા નથી, કારણ કે અમેરિકા અત્યારે આર્થિક રીતે બીજા મોટા યુદ્ધનો બોજ ઉઠાવવા સક્ષમ નથી. વળી, યુરોપના સાથી દેશો પણ ઈરાન મુદ્દે અમેરિકાને સાથ આપવા તૈયાર નથી. રશિયા અને ચીન સાથે ઈરાનની નિકટતાએ ટ્રમ્પની વિદેશ નીતિને રક્ષણાત્મક મોડમાં લાવી દીધી છે. આ વૈશ્વિક પટલ પર અમેરિકાનું એકલતા તરફ વધતું ડગલું ટ્રમ્પના નેતૃત્વની નિષ્ફળતાનું પ્રતીક છે.

આવા તમામ બાહ્ય પડકારોની વચ્ચે ટ્રમ્પના અંગત સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. 80 વર્ષની વયે પહોંચેલા ટ્રમ્પ જાહેર કાર્યક્રમોમાં અવારનવાર થાકેલા અને માનસિક રીતે અસ્થિર જણાતા હોય તેવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસ ભલે આ વાતોને અફવા ગણાવીને ફગાવી દેતું હોય, પરંતુ અમેરિકન મીડિયા અને વિરોધ પક્ષો તેમની શારીરિક અને માનસિક સક્ષમતા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. 

વિશ્વના સૌથી શક્તિશાળી દેશનું સુકાન જ્યારે એક એવી વ્યક્તિના હાથમાં હોય જેની તબિયત પર રહસ્યનાં વાદળો છવાયેલાં હોય ત્યારે રોકાણકારો અને જનતા બંનેમાં અસલામતીની ભાવના જન્મે છે. કોર્ટના આંચકા અને રાજકીય નિષ્ફળતાઓ વચ્ચે તેમનું કથળતું સ્વાસ્થ્ય તેમના કાર્યકાળને વધુ અસ્થિર બનાવી રહ્યું છે.

આગામી 2026ની મિડટર્મ ચૂંટણી ટ્રમ્પના ભાવિનો અંતિમ ફેંસલો કરશે. ડેમોક્રેટિક પાર્ટી અત્યારથી જ રણનીતિ બનાવી રહી છે કે જો તેઓ કૉંગ્રેસમાં બહુમતી મેળવશે, તો ટ્રમ્પ વિરુદ્ધ ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની પ્રક્રિયા ત્રીજી વખત શરૂ કરવામાં આવશે. આ વખતે આરોપો વધુ ગંભીર હશે, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને બંધારણીય કટોકટી સર્જવા જેવા મુદ્દાઓ સામેલ હશે. ટ્રમ્પ ભૂતકાળમાં બે વાર ઉગરી ગયા હશે, પરંતુ આ વખતે તેમની પાસે જનસમર્થનનું કવચ પણ નબળું પડી રહ્યું છે. અમેરિકાનું અર્થતંત્ર ધીમે ધીમે મંદી તરફ ધકેલાઈ રહ્યું છે, બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે અને ફુગાવો બેકાબૂ બની રહ્યો છે.

નિષ્કર્ષમાં કહી શકાય કે ડોનલ્ડ ટ્રમ્પ અત્યારે એક એવા ચક્રવ્યૂહમાં ફસાયા છે, જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય જણાય છે. સુપ્રીમ કોર્ટનો 6-3 નો ચુકાદો એ માત્ર કાયદાકીય અંત નથી, પરંતુ તેમની રાજકીય કારકિર્દીના અંતની શરૂઆત હોઈ શકે છે. ‘અમેરિકા ફર્સ્ટ’ના નારા હેઠળ લેવાયેલા નિર્ણયો આજે અમેરિકાને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. 

જો ટ્રમ્પ પોતાની રણનીતિમાં ધરમૂળથી ફેરફાર નહીં કરે અને વિદેશી ભાગીદારો તેમજ સ્થાનિક સંસ્થાઓ સાથે સુમેળ નહીં સાધે તો ઇતિહાસ તેમને એક એવા પ્રમુખ તરીકે યાદ રાખશે જેમણે પોતાના અહંકારમાં દેશને અસ્થિરતાની ખાઈમાં ધકેલી દીધો હતો. વિશ્વ અત્યારે શ્વાસ રોકીને જોઈ રહ્યું છે કે આગામી દિવસોમાં આ ‘ટ્રમ્પ કાર્ડ’ નકામું સાબિત થાય છે કે પછી તેઓ ફરી કોઈ નવો દાવ રમે છે. જોકે, હાલની સ્થિતિ જોતા તો એમ જ લાગે છે કે રેતીની ઘડિયાળમાં સમય ઝડપથી સરકી રહ્યો છે.