જયવંત પંડ્યા
નોકરિયાત મિત્રો, શું તમને નથી લાગતું કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં છેલ્લાં દસ-પંદર વર્ષમાં કેવું-કેવું પરિવર્તન આવી ગયું છે?
કામકાજના કલાકો છ-આઠના બદલે દસ-બાર કલાક થઈ ગયા છે. રજિસ્ટરમાં સહી કરીને હાજરી પૂરવાના બદલે પહેલાં અંગૂઠાથી અને પછી આંખની રેટિનાથી હાજરી પુરાવી પડે છે. ઑફિસમાં આઈકાર્ડ ગળામાં લટકાવીને કામ કરવું ફરજિયાત થઈ ગયું છે.
કેટલીક કંપનીમાં તો યુનિફોર્મ પહેરવો પડે અને જો યુનિફોર્મ ન હોય તો પુરુષ માટે શર્ટ, પેન્ટ, ટાઇ, કોટ અવશ્ય પહેરવાનો. સ્ત્રીએ ચુડીદાર-કુર્તા અથવા તેમણે ટાઇટ શર્ટ, ટાઇટ સ્કર્ટ, ટાઇ અને કોટ પહેરવાનો. ઑફિસમાં મશીનવાળી ભંગાર ચા અને કોફી મળે તે પીવાની. બહાર જવું હોય તો આઈકાર્ડ ઘસીને જવાનું.
એટલું જ નહીં પ્રતિ દિન વીડિયો કોલથી મીટિંગ કરવાની. મીટિંગમાં બોસનો ઠપકો કે ગાળાગાળી ખાવાની. સાંજે નિર્ધારિત સમયે નીકળી જવાનું તેવું ન પણ બને. કામ હોય તો રોકાવું પડે. આમાં બોસના માનીતા લોકોનું કામ પણ પોતાના માથે આવે. તેમને રજા સરળતાથી મળી જાય.
આપણે રજા લેવાની હોય તો બોસ આપે નહીં. આપે તો ઉપકાર કરતા હોય તેમ આપે. ધાર્યા કરતાં ઓછી આપે. આપ્યા પછી ઍડવાન્સ કામ કરાવી લે. આમ, કામકાજની ગુણવત્તા કરતાં દેખાવ, હાજરી, કેટલા કલાક કામ કર્યું તે વધુ મહત્ત્વનું બની ગયું છે. બોસનો માનીતો કર્મચારી ઓછું કામ કરે અને તોય તેને પ્રમોશન તેમ જ પગારવધારો મળ્યા રાખે. જ્યારે કામ નિષ્ઠા, ખંત અને ચોકસાઈથી કરનારાને પગારવધારા અને પ્રમોશનના નામે ડિંગો.
બીજી તરફ, બોસને રોજ સવારે ‘ગુડ મોર્નિંગ’ના મેસેજ મોકલતા, સોશ્યલ મીડિયા પર બોસને ટેગ કરીને તેમની ચમચાગીરી કરતા લોકો વધારાનો લાભ લઈ જાય.
ક્યારેક બોસ રાતોરાત કામ સોંપી દે. વળી, ડેડલાઇન એકદમ કટોકટ હોય. કામ પૂરું કરીને જો આપીએ તો પાછા બોસના વિચારો બદલાઈ જાય: ‘આમ નહીં, આમ કરવાનું કહ્યું હતું’. બોસ સાથે જીભાજોડી તો થાય નહીં. એટલે બોસ કહે એ માની લેવાનું. તેમાંય ઘણી વાર આપણા જુનિયર આપણી પર બોસ તરીકે થોપવામાં આવે. તેને કંઈ અનુભવ ન હોય, કંઈ ગતાગમ ન પડતી હોય, ખોટા નિર્ણય લેતો હોય અને આપણે ધ્યાન દોરવા જઈએ તો એમ કહેવામાં આવે કે તમને ઈર્ષા થાય છે એટલે તમે વાંક કાઢો છો..
આનાથી અગાઉનો સિનારિયો સાવ જુદો હતો. કંપનીઓ અને પેઢીઓમાં નિશ્ર્ચિત પ્રણાલિ હતી. કોઈ પણ કર્મચારી જુનિયર તરીકે દાખલ થાય, ત્યારે તેને ઉપરના કર્મચારી દ્વારા બરાબર ઘડવામાં આવતો. ટપારવામાં આવે. આજકાલ જુનિયર કર્મચારીને શીખવું નથી. તેને બોસની ચમચાગીરી કરીને રાતોરાત પ્રમોશન મેળવી પગારવધારો કરાવી લેવો છે.
બોસને પણ હા જી, હા જી કરે તેવા જુનિયરો વધુ પસંદ હોય છે. ઘણી વાર જુનિયર ી હોય તો બોસ લફરું ન કરી શકે તોય ફ્લર્ટ કરીને પણ સંતોષ મેળવી લેતો હોય છે. પોતાની કેબિનમાં બેસાડી રાખે. ઘરની વાતો કર્યા રાખે. ઑફિસ રાજકારણના સમાચાર મેળવી લે કે કોણ શું કરે છે.
પહેલાં આવું નહોતું. બોસ વચ્ચેના એટલે કે મિડલ મેનેજમેન્ટના કર્મચારી સિવાય કોઈને મળતા પણ નહોતા. એટલે મિડલ મેનેજમેન્ટના કર્મચારીને જુનિયર કર્મચારીને તૈયાર કરવાનો પૂરતો અવસર મળતો. પૂરતો સમય આપ્યા પછી પણ જુનિયર કર્મચારી જો ન ઘડાય તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની સત્તા પણ મિડલ મેનેજમેન્ટ પાસે રહેતી.
જુનિયર કર્મચારી પાંચેક વર્ષ ટીચાઈને તૈયાર થાય પછી જ પ્રમોશન મેળવવાની આશા રાખી શકતો. આના કારણે ઑફિસનાં કામ બરાબર થતાં. હવે લગભગ બધાં જ ક્ષેત્રોના ત્રીસ-ચાલીસે પહોંચેલા કર્મચારીઓ એમ જ કહે છે કે આ જુનિયર કર્મચારીઓ પાસેથી કામ કઢાવવું બહુ અઘરું છે. આથી મિડલ મેનેજમેન્ટમાં પહોંચેલા આ કર્મચારીઓને હવે નોકરી ત્રાસદાયક લાગવા લાગે છે. કાં તો તે પોતાનું ફિલ્ડ બદલી નાખે છે, કાં તો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરે છે. પરિણામે કંપનીઓને અનુભવીઓની બહુ મોટી ખોટ પડવા લાગી છે.
જોકે આજે મોટા ભાગની કંપનીઓને એ સમજાતું નથી. એ તો પ્રસન્ન થાય છે કે વધુ પગાર આપવો મટ્યો. જ્યારે ચેરમેન અને સીએમડી તેમને ભરમાવતા મેનેજરો, એચ. આર. મેનેજરો અને સીએફઓની ચુંગાલમાંથી મુક્ત થશે ત્યારે તેમને આ વાત સમજાશે ત્યારે કદાચ કંપનીનાં વળતા પાણી શરૂ થઈ ગયા હશે... યુ નેવર નો!