કિશોર વ્યાસ
‘કચ્છી ચોવકો’નું રૂપ નિશ્ર્ચિત હોય છે અને તેમાં વપરાતા શબ્દો પણ નિશ્ચિત હોય છે. એક કહેવત ઉદાહરણ રૂપે જોઈએ: ‘અંધી ડરે ને કુત્તો ખાય’ અર્થ એ થાય છે કે, ‘આંધળી દળણું દળે ને કૂતરાં લોટ ખાઈ જાય.’ આ રૂપમાં ફેરફાર શકય નથી. આપણે એમ પણ ફેરફાર ન કરી શકીએ કે ‘અંધી ડરેતી ને કુતો ખાય તો.’ આ રીતે કહેવતની ચૂસ્તતા તેના શબ્દોમાં છે.
હવે કચ્છી ભાષાનાં બીજાં ઘરેણાં રૂઢિપ્રયોગને કહેવત સાથે સરખાવીએ તો રૂઢિપ્રયોગ પૂર્ણ નથી હોતા કહેવત પૂર્ણ હોય છે તેમાં ઉદ્દેશ અને વિધેય બંને પદોનું પૂર્ણ વિધાન હોય છે એટલે તેને અન્ય કોઈ માધ્યમની જરૂર જ રહેતી નથી. આ એનું જીવંત ઉદાહરણ: ‘ટાંકા ટુટી વ્યા’ આપણે ગુજરાતીમાં ઘણીવાર એવો એક પ્રયોગ કરીએ છીએ ગાભા કાઢી નાખ્યા બસ એ જ અર્થમાં!
ગયે અઠવાડિયે ચબેલા ડેનેલી એરચીની હાણે છોતરા પણ નહીં ર્યા વેં... અભિપ્રેત અર્થ જોઈ લઈએ.
‘ઢીંગલે ઢૂંઢેલા વિઈ, ને ઉઠ કંઢાણી કોરીપિઈ’ આ કહેવત કરતાં તેનો અર્થ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે: થોડું કરવા જતાં મોટું નુકસાન થવું થોડું વિગતે ‘વાડામાં ઘૂસી આવેલો ઊંટ કઢાવવાનું મહેનતાણું ઢીંગલો ઠરાવ્યું. પણ ઊંટે જે નુકસાન કર્યું એ કોરી પર પહોંચ્યું.’ ઢીંગલા કરતાં કોરીનું ચલણ મૂલ્યવાન હતું
બીજી કહેવત એવી છે કે ગરીબ કે તવંગર કોઈને પણ લાગુ પડે છે. ‘ડોકડે જો ડુકાર, સજણે જો સુગાર’ રૂપિયે પૈસે ઘર નબળું હોય પણ સજજનતાની સુવાસ તેમને શ્રીમંતોની હરોળમાં મૂકી દે છે. આવી સજજનતાની વાત આવી છે તો આ કચ્છી કહેવતને કેમ ભુલાય?
‘જગ બત્રીસી મથે ચડ્યો સે વ્યો’
વાત અતિરેકની પણ અહીં સમાવિષ્ઠ છે જગ બત્રીસી એટલે બહુ નામના, અને એવી નામના કે વ્યક્તિ સંપૂર્ણપણે તેને લાયક ન હોય, ત્યારે આવી ઊંચાઈ પર ચઢનાર ગમે ત્યારે ‘ભફ’ થઈ જાય છે! આ કહેવતનો સીધો અર્થ થાય છે: ‘દુનિયામાં ટીકા થવી.’ આ કહેવત હતી. આ વિષયને સ્પર્શતો જ એક રૂઢિપ્રયોગ કચ્છીમાં વપરાય છે: કારી ટીલી લગણી એટલે કે કલંક લાગવો, આબરૂને દાગ લાગવો.
ગુજરાતીમાં આપણે કહીએ કે પહેલા પ્રયાસે જ સફળતા તેને કચ્છીમાં કહેવું હોયતો ‘ધકસા બિમણા’ ધકસા એટલે એક જ વારમાં, પ્રથમવારમાં બિમણા એટલે બમણા. ટૂંકમાં તરત જ ફાયદો થવો. અહીં આર્થિક ફાયદાનો અર્થ અભિપ્રેત છે.
બાકી તો, જેની નિયત ખરાબ હોય છે, એ લોકો ભાગ્યે જ રોટલો ભેગા થતા હશે. કચ્છીમાં આ રીતનો પ્રયોગ છે, તેમના માટે ‘નીથ ભધ ત યા ની અધ’ ‘નીથ એટલે નિયત ‘ભધ’ એટલે ‘ખરાબ’ માની એટલે ‘રોટલો’ અને ‘અધ’ એટલે ‘અડધો.’ ખરાબ નિયતવાળા અડધા રોટલા ભેગા પણ ન થાય! આવા સંજોગોમાં એક કચ્છી કહેવત માર્ગદર્શન આપતાં કહે છે: ‘થીયોં સઈં ડિસ કે સામા’ સાચી દિસા પકડો, કે સાચી દિશામાં પ્રયાણ કરો. ‘સઈં’ એટલે ‘સાચી’ અને ડિસ એટલે ‘દિશા.’
એમ કરતાં પણ જેટલું ભાગ્યમાં લખ્યું હશે, તેટલું જ મળશે, જેવાં કામ કરીએ તેવું ફળ મેળવીએ. ચોવક શું કહે છે?
‘ધરમી ધરમ કરે, નેં પાપી પેટ કૂટે’ જેવા કર્મ તેવાં ફળ. જો કામ જ બરાબર ન કર્યું હોય તો વળતરની આશા કેમ રાખી શકાય? આ કચ્છી ચોવક સાવચેતી આપતાં સ્પષ્ટ કહે છે. ‘તો ડે ત્રિમણા, બોડે બિમણા’ આવા સંજોગોમાં વળતરની આશા રખાય જ નહીં કામ કોઈ દહાડે સરખું ન કરે અને દરેક કામમાં એકનું બીજું જ કરી આવનાર વ્યક્તિ માટે કહેવાય કે ‘નોંય નોંય જા બ’ કામ કંઈક કરવાનું હોય અને કરી આવે કંઈ જુદું જ!