Tue Jan 27 2026

Logo

White Logo

RJDમાં તેજસ્વી યાદવનો યુગ શરૂ, પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી

2 days ago
Author: MayurKumar Patel
Video

પટના: રાષ્ટ્રીય જનતા દળની રાષ્ટ્રીય કારોબારીની મહત્વની બેઠકમાં તેજસ્વી યાદવને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજસ્વીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ RJDના મહાસચિવ ભોલા યાદવે રજૂ કર્યો હતો, જેના પર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ સર્વસંમતિથી મહોર મારી હતી. લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત પાર્ટીના લગભગ તમામમોટા નેતાઓ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજર રહ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવની અસ્વસ્થતાને જોતા પાર્ટીએ પ્રથમ વખત કાર્યકારી અધ્યક્ષની પસંદગી કરી છે. તેજસ્વી યાદવને અધ્યક્ષની તમામ સત્તા આપવામાં આવી છે. 

આરજેડીના નેતાએ કહ્યું, તેજસ્વી યાદવને જવાબદારી સોંપવાની તમામ નેતાઓ માંગ કરી રહ્યા હતા. પાર્ટી નેતાઓનું કહેવું છે કે તેજસ્વી યાદવ જ હવે બિહાર તથા આરજેડીનું ભવિષ્ય છે. જે બાદ તેજસ્વી યાદને સર્વસંમતિથી પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવે તેનું સર્ટિફિકેટ તેજસ્વી યાદવને સોંપ્યું છે.

 

તેજસ્વી યાદવની નવી ભૂમિકા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે. રાજકીયા જાણકારો મુજબ, આગામી ચૂંટણીને જોતા આ નિર્ણય આરજેડીની રણનીતિ તથા નેતૃત્વ સંરચનાને નવી ઊર્જા આપનારું સાબિત થઈ શકે છે.

ગત વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આરજેડીએ રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં નેતૃત્વ સંબંધી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જે બાદ હવે તેજસ્વી યાદવને પાર્ટીના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. 1997માં જનતા દળથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા દળની સ્થાપના કરનારા લાલુ પ્રસાદ યાદવ જ પાર્ટીની સ્થાપના બાદ સર્વેસર્વા હતા.