અમદાવાદઃ શહેરમાં પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેન ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં માલિકો ઉદાસીન જોવા મળ્યા હતા. શહેરમાં અત્યાર સુધીમાં માત્ર 55 ટકા જ પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે હજુ માત્ર 19,000થી વધુ પાલતું કૂતરાનું રજિસ્ટ્રેશન થયું છે. 1 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરવામાં આવેલા રજિસ્ટ્રેશન કેમ્પેનની ડેડલાઈન વધારીને 31 માર્ચ, 2026 અને રજિસ્ટ્રેશન ફી રૂપિયા 200થી વધારીને રૂપિયા 2000 કરવામાં આવી હોવા છતાં કૂતરાના માલિકો ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 22 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરમાં 16726 માલિકો સામે 19029 પાલતુ કૂતરાની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત AMCએ એવી પણ જાહેરાત કરી હતી કે પાલતુ પ્રાણીઓના સ્મશાનગૃહની સુવિધા માત્ર જેમણે તેમના શ્વાનની નોંધણી કરાવી હોય તેમને જ આપવામાં આવશે.
આંકડા મુજબ 31 મે, 2025 સુધી 200 રૂપિયા નોંધણી ફી લેવામાં આવતી હતી, જે સમયગાળા દરમિયાન સૌથી વધુ 16580 પાલતુ કૂતરાની નોંધણી થઈ હતી. ત્યારબાદ 1 જૂનથી 31 જુલાઈ સુધી આ ફી વધારીને 500 રૂપિયા અને પછી 30 સપ્ટેમ્બર સુધી 1000 રૂપિયા કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર, 2025થી આ ફી 2000 રૂપિયા રાખવામાં આવી હતી. આ ગાળામાં 22 જાન્યુઆરી, 2026 સુધીમાં આશરે 400 જેટલા પાલતુ કૂતરાની જ નોંધણી થઈ છે.
શહેરમાં કઈ બ્રીડના સૌથી વધુ કૂતરા
શહેરમાં લેબ્રાડોર બ્રીડના સૌથી વધુ કૂતરાનું રજિસ્ટ્રેશન થયું છે. 3563 લેબ્રાડોર નોંધાયા છે, ત્યારબાદ 1359 જર્મન શેફર્ડ, શિહ ત્ઝુ 1287 અને ગોલ્ડન રીટ્રીવર 1230નું રજિસ્ટ્રેશન થયું છે.
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પાલતુ કૂતરા
અમદાવાદ શહેરના 19000થી વધુ પાલતુ કૂતરામાંથી માત્ર પશ્ચિમ ઝોનમાં 4213 માલિકોના નામે 4808 કૂતરા નોંધાયેલા છે. ઉત્તર-પશ્ચિમ ઝોન 3404 માલિકો 3905 કૂતરા સાથે બીજા ક્રમે છે. સૌથી ઓછી સંખ્યા મધ્ય ઝોનમાં છે, જ્યાં 683 માલિકો દ્વારા માત્ર 761 પાલતુ કૂતરાની નોંધણી કરાવવામાં આવી છે.