અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 12 કરોડની કિંમતના ગાંજા સાથે ચાર પેડલરની ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એરપોર્ટ પરની કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓને આ અંગે બાતમી મળી હતી, જેના આધારે અધિકારીઓએ ચાર જણને ઝડપી લીધા હતા અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મલેશિયાથી આવેલી ફ્લાઈટમાં અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રીત નામના ચાર શખ્સ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા એજન્સીએ તેમને અટકાવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ તેમને તેમ જ સામાનને ચકાસતા તેમાથી લગભગ 12 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો વિદેશી માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત ધરાવે છે અને તે લગભગ રૂ. 12 કરોડની કિંમતનો હોવાનું માનવામાં આવે છે.
સુરક્ષા એજન્સીઓએ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા ચાર પેડલર્સમાંથી એક વડોદરાનો અને બાકીના પંજાબના જલંધરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાંજો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આપવાનો હતો. જોકે તેમનો માસ્ટરમાઈન્ડ કોણ છે, તે અંગે સુરક્ષા એજન્સી હવે વધુ તપાસ હાથ ધરશે.