મોજની ખોજઃ
સુભાષ ઠાકર
જો ભાઈ, ઈશ્વર પાર્ટટાઈમમાં બીજું કામ કરે છે કે નઈ એ ખબર નથી પણ એનો મૂળ ધંધો પૃથ્વી વાયુ- જળ- તેજ અને આકાશ જેવા પાંચ તત્ત્વનું મિશ્રણ કરી પીંડ બનાવી રંગરોગાન કરી એમાં જીવ મૂકી આયુષ્યની ચાવી આપી નીચે મોકલી દેવાનો.
3.12.54ના દિવસે પૃથ્વીના રંગમંચનો પડદો ખુલ્યો. શરૂ થયું જનમ-બચપણ-જુવાની-બુઢાપો ને મોતની વાત સમજાવતું પંચેન્દ્રિયનું પંચઅંકી અદ્ભુત નાટક ‘ગળથૂથીથી ગંગાજળ’ લેખક: વિધાતા, કલાકાર: માણસ, પ્રકાશ: સૂરજ અને ચંદ્ર, સંગીત: પંખીનો કલરવ, ને માણસના નસકોરા નેપથ્યે: પરિવાર-મિત્રો ને દિગ્દર્શક: ઈશ્વરદાસ સ્વર્ગવાળા.... તો રજૂ કરીએ છીએ ન સમજાય છતાં સમજવુ જ પડે એવી આંટાઘુટીવાળું જિંદગીની ખટમધુરી વાનગી જેવું નાટક ‘ગળથૂથીથી ગંગાજળ’ અંક પહેલો...
એ હતો મારો જાતે શ્વાસ લેવાનો પહેલો અનુભવ. જન્મતાની સાથે પરિવારમાં હાથી- ઘોડા- પાલખી... જય કનૈયાલાલ કી જેવો આનંદ છવાયો. હું કોઈનો પુત્ર, કોઈનો ભાઈ, હું જલદી ઓળખાઉ એટલે નામનો વાઘો તો પહેરવો જ પડે. ગુજરાતી હિન્દુમાં જન્મ્યો એટલે પરિવારે નામ પાડ્યું સુભાષ,. મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હોત તો સુલેમાન ને ખ્રિસ્તી પરિવારમાં જન્મ્યો હોત તો પીટર પણ હું જ હોત. ભાષા જુદી હોઈ શકે પણ અંદરનું સત્ય એ જ હોત જે હું છું.
ધીરે ધીરે શરીર મોટું થતું ગયું ને થોડું મન પણ સમજણું થયું ને નાટકનો શરૂ થયો અંક બીજો. મને નિશાળમાં મુક્યો ને વિશ્વમાતૃભાષા દિવસે પ્યોર ગુજરાતી ભાષાના શીક્ષકે પૂછ્યું ‘હે શિષ્યો, આજે માતૃભાષા વિશ્વદિન છે ને આજે જ બહાર મારા દ્વિચક્રી વાહનના પ્રથમ અને અગ્ર વાયુચક્રમાંથી હવા મુક્ત કરવાનું દુષ્કૃત્ય કોના શુભહસ્તે કરવામાં આવ્યું? આજે ક્રોધિત મુદ્રામાં મારા મુખમાંથી અપશબ્દ નીકળે એ પૂર્વે જણાવો.’
હું બાઘો બની આજુબાજુ જોવા લાગ્યો અચાનક સરને શું થઇ ગયું? બાજુમાં બેઠેલા સુલેમાનને પૂછ્યું ‘અલ્યા સુલિયા, આ સાહેબ શું બોલ્યા?’
‘અરે, પૂછે છે કે મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી ગયુ?’ પછી
તો સુલેમાને શિક્ષકને પૂછ્યું ‘સાહેબ ‘અપશબ્દ’ એટલે શું? એની પરિભાષા સમજાવાની કૃપા કરો.’
‘હે અજ્ઞાની જીવ, અપશબ્દનું બીજુ નામ છે ગાળ. અને ગાળ એટલે અત્યંત ક્રોધ આવવા છતાં શારીરિક રૂપથી હિંસા કર્યા વગર મન પર સંપૂર્ણ કાબૂ રાખી માત્ર મૌખિક રૂપથી કરાયેલી હિંસાત્મક કાર્યવાહી માટે શાસ્ત્રમાં પસંદ કરાયેલા શબ્દોનો સમૂહ, જેના ઉચ્ચારણ માત્રથી પોતાના મનને શાંતિ મળે છે, ને સામેનો પક્ષ ઉગ્ર બને છે એને ગાળ કહેવામાં આવે છે. સમજાયું કે ફરી એક વાર.?’
‘સમજાઈ ગયું’ હું ગુરુજીના ચરણ શોધવા લાગ્યો ‘હે ગુરુદેવ આપ એકમાત્ર સાચા અર્થમાં માતૃભાષા ઉજવી રહ્યા છો...’
ત્યાં તો શિક્ષકે ચંપાને માતૃભાષાના જ્ઞાન વિષે પૂછ્યું ને ચંપા ચાલુ થઇ ગઈ ‘વેલ યુ સી આપણને પેલ્લેથી જ આપણી માટરુભાષા ગુજ્રાતી માટે ટુ મચ રીસ્પેક્ટ એન્ડ યુ નો, અમાંય આજે તો મધરટંગ ડે! યસ...આજે તો મોર્નિંગથી જ ડિસાઇડ કરેલું કે આઈ હેવ ટુ ડુ સમથીંગ ફોર મધરટંગ એન્ડ યુ નો માય નેચર વેરી વેલ...વન્સ મેં નક્કી કર્યું કે ડુ ઓર ડાઈ એન્ડ એવરી ગુજ્રાતી નીડ ધીસ ટાઇપ સ્પીરીટ...બીકોઝ, એઝ યુ નો આપણી મધરટંગ અબાઉટ ટુ ડાઈ! ને આમેય અમારા ફેમિલીમાં બધાને સ્ટાર્ટિંગથી જ મધરટંગ માટે બહુ જ રીસ્પેકટ.
મી, માય ફાધર, મધર, માય હસબંડ, માય સન...ઓલ્સો માય ફૂવા મામા... બધા જ લવ ગુજરાતી. ને હોવું પણ જોઈએ ને? ઇફ આપણે જ જો આપણી મધરટંગનું રીસ્પેક્ટ નહિ કરીએ ધેન અધર પીપલ પાસેથી હાઉ કેન વી એક્સપેક્ટ? આઈ હેટ ઈંગ્લીશ. એમ આઈ રાઈટ?’ ને ચંપા બેસી ગઈ.
ચંપાના બયાનથી આખા ક્લાસમાં સોપો પડી ગયો. શિક્ષકનો ચહેરો બારણામાં આંગળી આવી ગઈ હોય એવો થઇ ગયો.
‘ચંપા, તારું મગજ બહુ જ ખર્ચો માગે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં વિદ્યાની જ અર્થી નીકળી રહી હોય ત્યાં કોને સમજાવું? જુઓ, અંગ્રેજીથી આપણો અહમ પોષાય પણ ગુજરાતી આપણી લાગણીઓને પોષે છે અને પાંખે છે દરેકને પોતાની માતા અને માતૃભાષા માટે ગૌરવ હોય છે પણ હૃદયની ને દિલની ભાષા જેવી કોઈ મીઠી ભાષા નથી જે ન બોલે તો પણ સમજાય.’
બીજા દિવસે મેં મારી બાને પૂછ્યું ‘મા, નિશાળમાં મારી બાજુમાં સુલેમાન બેસે છે પણ અમે કોઈ દિવસ લડ્યા નથી ને તમે બધા...’
‘બેટા, તમે હજી સમજણના પગથિયાં ચડ્યા નથી અણસમજુ છો. જે દિવસે સમજણ આવશે તો તમે પણ લડતા થઇ જશો’
‘ના મા, ના, ભગવાને મન આપી ભૂલ કરી પણ હવે ખોટી સમજ આપી ભૂલ ન કરે. મારા દાદા બાળપણમાં જ મને રમાડતા રમાડતા તેડીને એક ગીત ગાતા ‘ન હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાનકી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’. મા, તું જ બોલ દાદાની ઈજ્જત નઈ રાખવાની? ઈશ્વરે તો આપણા અંગોમાં હિંદુ-મુસ્લિમ જેવા ભેદભાવ મુક્યા નથી. મા, કાલે મહંમદ વાશિંગ કંપનીમાં આગ લાગેલી ત્યારે બધા હિંદુઓ રાજી થયા પણ મારા મનની ઉદાસી જોઈ પૂછ્યું ‘એય ઠાકરિયા, આ વોશિંગ કંપની મુસલમાનની છે હિન્દુની નથી, ઉદાસ ન થવાય, ઉત્સવ ઉજવ.’
‘વોશિંગ કંપની મુસલમાનની હશે પણ અંદર જે કપડાં હતા એ હિન્દુઓના હતા.’ પછી મેં કીધું ; ‘બોસ, ન હિંદુ નીકળશે ન મુસલમાન નીકળશે ... ખાડો ખોદીશું તો બધા ઇન્સાન નીકળશે.’
‘વાહ મારા દીકરા વાહ’ મા બોલી : ‘અમારી આંખ કાયમ માટે બંધ થાય એ પહેલા તે ઉઘાડી દીધી.’
અહીં જિંદગીનો બીજો અંક પૂરો પણ સમજ આવ્યા પછી હું મનમાં તો બોલ્યો ; ‘એ વિચારે ગજગજ ફૂલે મારી છાતી હું ને મારી ભાષા બંને ગુજરાતી’ આ લેખ આંખોથી નઈ પણ હૃદયથી વાંચ્યો હશે તો મારી વિચારોની મહેનત વસૂલ.
શું કહો છો?