Tue Jun 16 2026

Logo

મોજની ખોજઃ દરેક દર્દની દવા પ્રેમ પણ પ્રેમના દર્દની દવા કઇ?

2026-06-16 08:02:00
Author: Subhash Thaker
Article Image

 

સુભાષ ઠાકર

‘ચંબુ, કેમ કોઈના બેસણામાં બેઠો હોય એવુ મોઢું કરી બેઠો છે?’
‘કોઈના નઈ, મારાજ બેસણામાં બેઠો છું બોલ, શું કરવું છે?’ ચંબુ તો ભડક્યો.
‘ભડક્યા વગર બોલ, શું થયું?’
‘યુ નો કે મને બેતાલીસમું બેઠું પણ હજી સુધી મારા દિલમાં કોઈ નથી બેઠું. કોઈ ગગીએ મારા માટે એનું મંગલ
મંદિર ખોલ્યું નથી. ઠાકરિયા, અહીં કાળજે કારમા ઘા વાગ્યા કરે છે. ને તું પૂછે છે કે શું થયું?’

‘અરે ધીરજ રાખ. ઈશ્વરે દાંત આપ્યા છે તો ચવાણું પણ આપશે.’
‘તો એ ચવાણું તું અને તારા બાપુજી ભેગા મળી ખાજો. સમજ્યો? મોઢામાં દાંતનું ફર્નિચર જરાય બચ્યું ન હોય
પછી આખી ફરસાણની દુકાન આપે તોયે શું? મારે જાત્રાની ઉંમરે હનીમૂન પર જવાનું?’
‘ચંબુ, એક રહસ્ય કઉ? સાંભળ, આવતીકાલે જ મેં ચંપકલાલની દીકરી ચંપા સાથે તારી મુલાકાત ગોઠવી છે.’

‘વા..ઉ..ઉ..ઉ ઠાકરિયા’ ચંબુ તો અઢી ફૂટ ઉછળ્યો એના હૈયામાં 45646 રોમેન્ટિક ઘંટડીઓ વાગી.
બીજા દિવસની મુલાકાતમાં ચંબુએ વાતનો શુભારંભ કર્યો ‘ચંપા, બહાર તો જોરદાર ગરમી છે, તો પછી મને કેમ ઠંડી લાગે છે?’

‘ગઈકાલે તો કેવી સોલીડ ગરમી હતી. યુ બીલીવ? ચંબુ, કાલે મારા હાથમાંથી ભૂલથી જમીન પર મકાઈના દાણા વેરાયા તો સીધા પોપકોર્નમાં પલટાયા, બોલ.’
‘આ તો મારું બેટું જબરું’ ચંબુ બોલ્યો.
‘ખરું જબરું તો એ પછી થયું. ચણાના લોટનો નાનો ડબ્બો મારા હાથમાંથી જેવો છટક્યો તો જમીન પર જ

સીધા ગાંઠિયા-ફાફડા તૈયાર... શું સોલીડ ગરમી હતી.’
‘એ ફેંકું, આટલી ગરમીમાં અત્યારે મને ઠંડી કેમ લાગે છે એ બોલને?’ ચંબુએ પૂછ્યું.
‘કઉ છું. રુકો જરા, કાલની ભયંકર ગરમીમાં ભાન ન રહ્યું ને મારાથી ભૂલથી રાત્રે ફ્રીઝનું બારણું ખુલ્લું રહી ગયું ને એટલે આજ સવારથી અમારી આખી સોસાયટીમાં ઠંડક જ ઠંડક છે, બોલ.’

‘બાપરે, સારું હતું કે ઘરનાં બારણા ખુલ્લાં ન રહી ગયાં નઈતર બધુ ચોરાઈ ગયું હોત.’
‘અરે આ મારા હૈયાના દ્વાર ખુલ્લા છે ને તું મારુ દિલ ચોરવા તો આવ્યો છે ને. પેલું ગીત છેને ‘મૈ ચોર હું કામ હૈ ચોરી,...દિલકો ચુરાતા આયા હું મૈ યહી મેરા કામ.’ બરાબર?’
‘જબરી રોમેન્ટીક છે, જો ચંપા, વાત આગળ વધતા પહેલાં એક ચોખવટ. મારો પગાર છ હજાર જ છે.

ચાલશેને?’
‘હં...અરે મારું તો ચાલશે પછી તારું શું?’
‘એની જાતની ચંપા...’ ચંબુના હૈયામાં જોરદાર 400 વોલ્ટનો ધ્રાસકો પડ્યો.
‘અરે જરા મજાક.’ ચંપા બોલી.

‘અરે તારી આવી મજાક મને એટેક લાવી દે.’
‘અરે મેરે સપનોકે સલમાન, હું તારા પૈસાને નઈ, તને ચાહું છું.’
‘હું પણ તને જ ખૂબ ચાહું છું ચંપા, હનુમાનજીના સોગંદ. ખોટું લાગતું હોય તો મારી બાને પૂછી જો. બસ?. ચંપા, તું મારા આ કદરૂપા ચહેરાને જિંદગીભર ચાહી શકીશ?’

‘જો બકા, ચહેરો જોઇને થાય એ સોદો, ને દિલ જોઇને થાય એ પ્રેમ. મેં તારું દિલ જોયું છે ને દિલમાં મને જોઈ છે.’
‘હા પણ મેં સાંભળ્યું છે કે સમય જતા પ્રેમ ક્યાં જતો રહે છે એ સમજાતું નથી.’
‘આપણા કેસમાં એવું નઈ થાય, ગેરંટી. અરે કોઈને પ્રેમ આપવો એ તો મોટી ભેટ છે, ને કોઈનો પ્રેમ મેળવવો તે મોટું સન્માન. પણ તે મારામાં શું જોયું એ તો કીધું જ નઈ?’ ચંપાએ પૂછ્યું.

‘મેં? મેં તારામાં માની મમતા ને દીકરીનું વ્હાલ. ટુ ઇન વન...’
‘જો આ બધું દેખાતું હોય તો આપણે અહીંથી જ.’
‘અરે મજાક કરું છું. કેમ મને મજાક કરવાનો અધિકાર નથી?’
‘ચંબુ, ડોન્ટ ફિલ બેડ પણ તમને કોઈ વ્યસન છે? સિગરેટ, ગુટખા કે દારૂ...’

‘ખાસ નઈ, માત્ર એક જ પેકેટ સિગારેટનું. વાસ ન આવે એટલે 120નો માવો ને રાતે માત્ર દારૂનો એક પેગ. હવે આ બધા માટે પૈસા જોઈએ એટલે જુગાર રમું...બાકી કોઈ વ્યસન નથી.’
‘સ્ટોપ ઇટ....  છોકરીઓ ફેરવો છો?’ ચંપા તો ભડકી.
‘અરે યાર તું તો સીબીઆઈની જેમ તપાસ કરે છે.’

‘યસ. કારણકે આપણે ઢીંગલા-ઢીંગલીની રમત નથી રમવાની. ને આટલા બધા નેગેટિવ પોઈન્ટ!..એક પણ પોઝિટિવ નથી?’
‘છે ને, એક પોઝિટિવ પણ છે. મારા બાપુજીએ કીધેલું મારામાં’ એચઆઈવી પોઝિટિવ છે.’
બાજુની રૂમમાં  ’એચઆઈવી પોઝિટિવ સાંભળતાં જ ચંપકલાલ ભડક્યા. ચંબુને ફટકાર્યો, નીચે પાડ્યો. ચંબુ ઊભો થઇ હાથ ખંખેરી શાંતિથી પૂછયું : 

 ‘તો હું તમારી ના સમજુને?’
‘એબે એય નાની સગલી. ચલ, નીકળ અહીંથી ગેટાઉટ..બીજી વાર સપનામાં પણ જો દેખાયો તો...’
ચંપકલાલ જોરદાર ભડક્યા.

‘તમારી કઈ ગેરસમજ થઇ લાગે છે અંકલ... એચઆઈવી એટલે (એચ)હિંમત, (આઈ) ઈમાનદારી, (વી)વિશ્વાસ. હું હિમ્મત, અને ઈમાનદારી બતાવી શક્યો પણ તમારો વિશ્વાસ ન જીતી શક્યો.’
‘ડેડી, એનામાં હિંમત ને ઈમાનદારી હશે તો મારામાં વિશ્વાસ રાખો હું આ બધું છોડાવીશ.’ ચંપા બોલી.
‘અંકલ, હજી મારામાં એક નેગેટિવ પોઈન્ટ છે. જુઠ્ઠું બોલવાનો. છ હજારના પગારમાં આ બધું ક્યાં પોષાય, મને તો ચંપાનો પ્રેમ જ જોઈએ છે. દરેક દર્દની દવા પ્રેમ છે પણ પ્રેમના દર્દની દવા કઈ?’

‘આ તમારા હૃદયમાં છુપાઈને પડી છે તે’ ચંપા બોલી.
વાતાવરણ હળવુંફુલ થઇ ગયું.
‘બકા, હવે કપાળમાંથી લોહી નીકળે છે તેના માટે કોઈ દવા લગાડ’ ચંબુ બોલ્યો.
આવો પ્રેમ તમે કોઈને કે કોઈએ તમને કર્યો છે? શું કહો છો?