Wed Jun 17 2026

Logo

સમાજવાદી પાર્ટીમાં થશે મોટું ભંગાણ, યૂપીના કેબિનેટ મંત્રીનો મોટો દાવો

2026-06-17 15:15:20
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉઃ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા) ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આવનારા સમયમાં સમાજવાદી પાર્ટી (સપા) ને મોટો ઝટકો લાગશે. રાજભરે ત્યાં સુધી કહી દીધું કે મહારાષ્ટ્ર અને બંગાળ તો છોડો, આખી સમાજવાદી પાર્ટી ભાજપમાં જોડાવા માટે તૈયાર બેઠી છે.

રાજભરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને ગરમાવો વધી રહ્યો છે. સત્તાપક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની રણનીતિને ધારદાર બનાવવામાં લાગેલા છે. આવા માહોલમાં રાજભરનો આ દાવો રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનીલ સાજને રાજભરના દાવા પર પલટવાર કરતા કહ્યું કે ભાજપ અને તેમના સહયોગીઓ ગભરાઈ ગયા છે. રાજભર માત્ર પોતાની દુકાન ચલાવવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સપાએ 2024માં ભાજપને હાફ (અડધી) કરી દીધી હતી, હવે 2027માં ભાજપને યુપીમાંથી સાફ કરી દેશે.

સપા કેમ ટાર્ગેટ પર?

ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, જેમ-જેમ વિવિધ કેસોમાં તપાસ એજન્સીઓની પકડ મજબૂત થઈ રહી છે, તેમ-તેમ સપા નેતાઓની બેચેની વધતી જાય છે. રાજભરે પોતાના નિવેદનમાં સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે ઓમ પ્રકાશ રાજભરે અખિલેશ યાદવ પર તીખો પ્રહાર કર્યો હોય. છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ વચ્ચે સતત નિવેદનબાજી થઇ રહી છે. તાજેતરમાં જ રાજભરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર અખિલેશ યાદવને સંબોધીને એક લાંબી પોસ્ટ લખી હતી. તે પોસ્ટમાં રાજભરે અખિલેશ યાદવના વિદેશ પ્રવાસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જો ફરવા જવું જ હતું તો લંડન અને પેરિસના બદલે કાશી, અયોધ્યા, મથુરા, નૈમિષારણ્ય અથવા મા વિંધ્યવાસિની ધામ ચાલ્યા ગયા હોત.

નવું ભારત અને નવું ઉત્તર પ્રદેશ જુઓ

પોતાની પોસ્ટમાં રાજભરે અખિલેશ યાદવને સલાહ પણ આપી હતી કે તેમણે દેશ અને ઉત્તર પ્રદેશના પર્યટન સ્થળોનું ભ્રમણ કરવું જોઇએ. તેમણે લખ્યું હતું કે દેશ બદલાઇ ચૂક્યો છે અને નવું ભારત તથા નવું ઉત્તર પ્રદેશ વિકાસના નવા ધોરણ સ્થાપિત કરી રહ્યું છે.