Wed Jun 17 2026

Logo

ભારત Vs ચીન: ખર્ચ કરવાની બાબતમાં કોણ છે મોખરે અને ક્યાં થાય છે વધુ ખર્ચ?

2026-06-17 15:33:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ભારત અને ચીન બંને દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. સૌથી વધારે ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થામાંથી પણ એક છે. જોકે, ખર્ચ કરવાની આદતોમાં બંને દેશ એકબીજાની તુલનામાં થોડા અલગ તરી આવે છે. ચીનના નાગરિકો વધુ પૈસાનો ખર્ચ કરે છે અને કોઈ પણ ખરીદીમાં થતા ખર્ચનો આનંદ લે છે. આ સાથે જ ભારતની અર્થવ્યસ્થા ઘરેલુ વપરાશ પર વધુ આધાર રાખે છે. 

કેટલો ખર્ચ કરે છે ચીની ગ્રાહકો?
ચીનનો કુલ વાર્ષિક ઘરેલુ ઉત્પાદન ખર્ચ લગભગ 7.5 ટ્રિલિયન ડોલર હોવાનું અનુમાન છે. આ સાથે જ ભારતમાં આ ખર્ચ લગભગ 2.4 ટ્રિલિયન ડોલર છે. જેનો અર્થ એ છે કે ચીનના ગ્રાહકો સામૂહિક રીતે ભારતીયોની સરખામણીએ લગભગ ત્રણ ગણા વધુ પૈસા ખર્ચે છે. આ ખર્ચ પાછળનું એક કારણ એ છે કે ચીનની મોટી અર્થવ્યવસ્થા અને સરેરાશ આવકનું સ્તર ઘણું ઊચું છે. 

આવકથી ચીનને ખર્ચ કરવામાં ફાયદો 
ચીનમાં વ્યક્તિદીઠ જીડીપી લગભગ 13,000 ડોલર જેટલી છે. ભારતમાં પ્રતિવ્યક્તિ જીડીપી 2700 ડોલર છે. આ આવકનું અંતર ચીની નાગરિકો માટે વધુ ખરીદશક્તિમાં બદલાઈ જાય છે. આ કારણે જ ચીની વપરાશકર્તાઓ સરેરાશ ભારતીય કુટુંબોની સરખામણીમાં ઘર, ઇલેક્ટ્રોનિક્સ, મુસાફરી, મનોરંજન અને પ્રિમિયમ સેવાઓ ઉપર વધારે ખર્ચ કરવા માટે સક્ષમ છે, કારણ કે તેમની માથાદીઠ આવક ભારતના નાગરિકો કરતા ઘણી વધુ છે. 

ભારત ઉપભોક્તાઓ ખર્ચ પર વધુ નિર્ભર 
ચીનના નાગરિકો ભારતીય નાગરિકો કરતા વધુ ખર્ચ કરે છે, પણ જયારે ખર્ચને અર્થવ્યવસ્થામાં ભાગીદારીના રૂપમાં માપવામાં આવે ત્યારે ભારત દેશ એ બાબતમાં આગળ છે. ભારતની જીડીપીમાં ઘરેલુ વપરાશનો ભાગ 58 ટકાથી વધુ છે. આ ગ્રાહકોની માંગને આર્થિક વિકાસ માટે મહત્વનું પરિબળ માનવામાં આવે છે. ભારતની તુલનામાં ચીનના સ્થૂળ ઘરેલુ ઉત્પાદનમાં ઉપભોક્તા ખર્ચનો ફાળો ફક્ત 37 ટકાથી 40 ટકા જેટલો છે. 

ચીનનો વિકાસ રોકાણ અને ઉત્પાદનથી પ્રેરિત 
ચીનની અર્થવ્યવસ્થા સરકારના નેતૃત્વવાળી મજબૂત પાયાની પરિયોજના, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ પર વધારે નિર્ભર કરે છે. ચીની પરિવારો પણ ભારતીયોની  સરખામણીએ પોતાની આવકનો એક મોટો ભાગ બચાવે છે. આ બચત દર ચીનને ફક્ત ઉપભોક્તા ખર્ચ સિવાય અન્ય જરૂરી સંસાધનોના ઉત્પાદન, ઔદ્યોગિકીકરણ અને મોટા પાયાની વિકાસ પરિયોજનામાં રોકાણ કરવા માટે સંમતિ આપે છે. 

ભારત અને ચીન સૌથી વધારે પૈસા ક્યાં ખર્ચ કરે છે?
ભારતીય પરિવારોમાં ખાણી-પીણીનો ઘરેલુ ખર્ચનો લગભગ 27 ટકાથી 30 ટકા જેટલો ભાગ છે. રહેઠાણ, વીજ, પાણી, એલપીજી, આરોગ્ય સંભાળ, પરિવહન, મોબાઈલ સેવાઓ અને શિક્ષણ પર પણ જરૂરી રકમ ખર્ચ કરવામાં આવે છે.
 
આ સાથે જ ચીની ઉપભોક્તાઓ રહેઠાણ, ઘરેલુ અપગ્રેડ અને આધુનિક ઉપકારનો ઉપર વધારે ખર્ચ કરે છે. બહાર ખાવાનું, ફરવા, મનોરંજન, ગેમિંગ અને ડિજિટલ સેવાઓ પણ ઘરેલુ બજેટનો એક અગત્યનો ભાગ છે. આ સિવાય ચીની નાગરિકો વ્યક્તિગત વિકાસ, વ્યવસાયિક પ્રશિક્ષણ, આરોગ્ય સંભાળ, ફિટનેસ, પરંપરાગત ચીની ચિકિત્સા પર વધારે રોકાણ કરે છે.