- અભિમન્યુ મોદી
કોસી નદીનો પ્રકોપ
આપણે મનુષ્યોએ કાગળ પર નકશાઓ દોરીને એવો ભ્રમ પાળી લીધો છે કે ભૂગોળ એક સ્થાયી વસ્તુ છે. આપણને લાગે છે કે પર્વતો હંમેશાં ત્યાં જ ઊભા રહેશે અને નદીઓ પેઢીઓ સુધી એ જ વળાંક લઈને વહેતી રહેશે. જોકે પ્રકૃતિના પોતાના અલગ કાયદા હોય છે. જ્યારે પ્રકૃતિ કરવટ બદલે છે ત્યારે તે માત્ર જમીનના ટુકડા નથી હડપતી, તે આખેઆખી સંસ્કૃતિઓ અને માણસની ઓળખને ભૂંસી નાખે છે. ખાસ કરીને ભારતનો પૂર્વ પટ્ટો, જેમાં બિહાર અને બંગાળનો સમાવેશ થાય છે, ત્યાંનો ઇતિહાસ શાસકોએ ઓછો અને નદીઓએ વધુ લખ્યો છે. અહીં નદી માત્ર તરસ છીપાવનારી ’માતા’ નથી, પણ ક્યારેક રાતોરાત આખું ગામ ગળી જનારી એક ભયાવહ શક્તિ પણ છે. જ્યારે કોસી, પદ્મા કે બ્રહ્મપુત્રા જેવી નદી પોતાનો માર્ગ બદલે છે ત્યારે માત્ર ભૂગોળ નથી બદલાતી, માણસનું અસ્તિત્વ મૂળમાંથી ઉખડી જાય છે.
માણસનો સૌથી મોટો અહંકાર જમીન પરની તેની માલિકીનો છે. આપણે દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર સહીઓ કરીને એવું માની લઈએ છીએ કે જમીનનો આ ટુકડો કાયમ માટે આપણો થઈ ગયો, પરંતુ જ્યારે ગાંડીતૂર નદી કાંઠા તોડીને ગામમાં પ્રવેશે છે ત્યારે એ સરકારી કાગળિયાં સાવ વામણા પુરવાર થાય છે. નદી માત્ર ખેતરો કે માટીના ઘરો નથી તાણી જતી - તે આંગણામાં વાવેલું લીમડાનું ઝાડ, જેની નીચે દાદા ખાટલો ઢાળતા હતા, તેને પણ મૂળિયાં સોત ઉખાડી નાખે છે. તે પેલા જૂના મંદિરો, પડોશીઓની વાતો અને પેઢીઓથી સચવાયેલી સ્મૃતિઓને પોતાના કાદવવાળા પાણીમાં હંમેશાં માટે દફનાવી દે છે. બિહારમાં કોસી નદીને તેના રૌદ્ર સ્વરૂપ અને માર્ગ બદલવાની ફિતરતને કારણે ‘બિહારનો શોક’ કહેવાય છે. આ નદી એટલી ચંચળ છે કે રાત્રે સૂતી વખતે જે ગામ નદીથી પાંચ કિલોમીટર દૂર હોય, સવારે જાગે ત્યારે કદાચ એ આખું ગામ નદીના પ્રવાહની વચ્ચોવચ ગરકાવ થઈ ગયું હોય.
બંગાળ અને અસમના વિસ્તારોમાં નદીના કાંઠા ધોવાઈ જવાની આ પ્રક્રિયા માત્ર આર્થિક નુકસાન નથી, પણ એક ભયંકર સામાજિક વિસ્થાપન છે. જે ખેડૂત ગઈકાલ સુધી એક વિશાળ જમીનનો માલિક હતો, તે નદીના એક જ વળાંક સાથે બીજે દિવસે કોઈ મોટા શહેરમાં મજૂરી કરવા મજબૂર થઈ જાય છે. કોઈ દેશની સરહદ બદલાવાને કારણે નહીં, પણ કુદરતે બદલેલા નકશાને કારણે તે પોતાના જ દેશમાં શરણાર્થી બની જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે ગામના લોકો અલગ અલગ દિશામાં વિખેરાઈ જાય છે. લગ્નો, તહેવારો અને સામાજિક સંબંધોનું આખું માળખું વેરવિખેર થઈ જાય છે. માણસ નવેસરથી ઘર તો બાંધી લે છે, પણ વિખરાઈ ગયેલો એ સમાજ અને એ પડોશ ફરી ક્યારેય ભેગો થઈ શકતો નથી
આની સૌથી ઊંડી અસર માણસની ઓળખ પર પડે છે. માણસની ઓળખ માત્ર તેના નામ કે અટકથી નથી હોતી, પણ તેના ગામ અને એ ગામની માટી સાથે જોડાયેલી હોય છે. જ્યારે કોઈ બાળકની નવી પેઢી પૂછે કે ‘આપણું મૂળ ગામ કયું?’ અને પિતા કોઈ શહેરની ઝૂંપડપટ્ટીમાં બેઠા બેઠા શૂન્યમાં આંગળી ચીંધીને કહે કે, ‘પેલી જે વિશાળ નદી વહી રહી છે ને, તેના પાણીની નીચે સાઠ ફૂટ ઊંંડે આપણું ગામ હતું!’ આ પીડા કલ્પના બહારની છે. ભૂગોળ જ્યારે પાણીમાં ગરકાવ થાય છે ત્યારે એની સાથે સ્થાનિક બોલી, લોકગીતો અને સદીઓ જૂની પરંપરાઓ પણ ડૂબી જાય છે.
નદીના નવા પ્રવાહ સાથે એક આખી સંસ્કૃતિનો અંત આવી જાય છે અને ઇતિહાસના ચોપડે માત્ર એક નાનકડી નોંધ રહી જાય છે.
કુદરતની આ રમત આપણને માનવજીવનની સૌથી મોટી ફિલોસોફી સમજાવે છે: ક્ષણભંગુરતા. આપણે આ પૃથ્વી પર કાયમી માલિકો નથી, માત્ર થોડા સમય માટે આવેલા મુસાફરો છીએ. નદીઓ આપણને શીખવે છે કે દુનિયામાં કશું જ સ્થાયી નથી ન તો આ જમીન, ન તો આપણી માલિકીનો અહંકાર. અસ્તિત્વનો સાચો અર્થ કોઈ જમીનના ટુકડા સાથે બંધાઈ જવામાં નથી, પણ પ્રવાહની સાથે સતત વહેતા રહેવામાં અને વારંવાર ઉખડી ગયા પછી પણ નવેસરથી ઊભા થવાની જીદમાં રહેલો છે. કદાચ એટલે જ, બદલાતા વહેણ વચ્ચે પોતાનું બધું જ ગુમાવી દેનાર માણસની આંખોમાં નદી કરતા પણ વધુ ઊંડાણ અને ગંભીરતા જોવા મળે છે. જેણે પોતાનો ભૂતકાળ પાણીમાં ગરકાવ થતો જોયો છે, તે જ વર્તમાનની નક્કરતાનું સાચું મૂલ્ય સમજી શકે છે.