- ભરત ઘેલાણી
10 ડાઉનિંગ સ્ટ્રીટ-લંડન , નવા વડા પ્રધાન એન્ડી બર્નહેમ, નિવાસસ્થાન-સીડી: અહીંના ભૂતપૂર્વ ‘ભાડૂત’ એવા વડા પ્રધાનોની તસવીર, મહાત્મા ગાંધી પણ અહીંના મહેમાન બન્યા હતા ..., અહીંનો કાયમી રહેવાસી ‘લેરી’ પ્રેસ અને સોશ્યલ મીડિયાનો બહુ લાડકો છે...
દરેક દેશમાં સત્તાનાં સમીકરણ એક ચોક્કસ સમય ગાળામાં બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે નેપાલમાં વડા પ્રધાનનું પદ સૌથી વધુ તકલાદી ગણાય છે. છેલ્લાં 15 વર્ષમાં અહીં કુલ 13 વડા પ્રધાન પલટાઈ ગયા!
બીજી તરફ, જાપાનમાં આ જ સમય ગાળામાં 6 વડા પ્રધાન આવ્યા તો બ્રિટનમાં પણ 15 વર્ષમાં 6 વ્યક્તિએ તે નામાંકિત પદ પર રહ્યા, જેમાં 2022માં મૂળ ભારતીય એવાં ઋષિ સુનકે પણ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરનું પદ શોભાવ્યું. આ બધા વચ્ચે ભારતીય વડા પ્રધાનનું પદ એકાદ બે અપવાદ સિવાય સૌથી વધુ સાબુત ગણાય છે. છેલ્લાં 15 વર્ષમાં આપણને બે જ પીએમ મળ્યા. એક (સ્વ) મનમોહન સિંહ અને બીજા નરેન્દ્ર મોદી, જે હજુ પણ સત્તાધીન છે...!
વિશ્વના કેટલાંક સરનામાંનું આગવું ઐતિહાસિક મહત્ત્વ છે, જેમકે અમેરિકાનું વ્હાઈટ હાઉસ ભારતનું રાષ્ટ્રપતિ ભવન આપણા વડા પ્રધાનનું નિવાસસ્થાન. એવું જ મહત્ત્વ છે અગાઉ બ્રિટનનાં મહારાણીનો અને હવે એમની વિદાય પછી બ્રિટિશ રાજવી પરિવારનો બકિંગહામ પેલેસ અને ત્યાંના પ્રાઈમ મિનિસ્ટરનું સત્તાવાર રેસિડન્સ 10, ડાઉનિંગ સ્ટ્રીટ
વિશ્વનાં કેટલાંક વિખ્યાત એડ્રેસમાં લંડનની 10, ડાઉનિંગ સ્ટ્રીટ અનેક રીતે અલગ તરી આવે છે. એમાંય જ્યારે મૂળ ભારતીય એવાં બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકનું નિવાસસ્થાન બન્યું ત્યારથી... હવે જ્યારે એ જ વડા પ્રધાનના સત્તાવાર ઈમારતમાં 20 જુલાઈના રોજ બ્રિટનના એક વધુ તાજા વડા પ્રધાન એન્ડી બર્નહેમ પ્રવેશી ગયા છે ત્યારે એ ઐતિહાસિક 10, ડાઉનિંગ સ્ટ્રીટની અનેક રસપ્રદ વાતો જાણવા જેવી છે...
આમ તો આ 10, ડાઉનિંગ સ્ટ્રીટની માત્ર બ્રિટનનાં જ નહીં, જગતનાં અમુક ચુનંદા સરનામાંમાં એની ગણતરી થાય છે. આ એડ્રેસ પર રહેવા જવાં મળે-એના ‘ભાડૂત’ થવું એ પણ એક આગવી પ્રતિષ્ઠા છે. આ સરનામા સુધી પહોંચવા બધા બ્રિટિશ રાજકરણીઓ તલપાપડ હોય છે અને ત્યાં પહોંચવા અવનવા રાજ્કીય દાવ પણ લગાડતા હોય છે.
જો કે છેલ્લાં અઢી-ત્રણ મહિનાથી બ્રિટનમાં ચાલી રહેલી આ પી.એમ. પદ માટે સત્તાના આટાપાટાની જે રમત થઈ એમાં નોંધનીય વાત એ છે કે એન્ડી બર્નહેમની પસંદગી કોઈ આકસ્મિક કે અણધારી ન હતી. એન્ડી બ્રિટિશ રાજકારણના અનુભવી ખેલાડી છે. પક્ષે એમને સત્તા સોંપી, કારણ કે પક્ષને છેલ્લાં ઘણા સમયથી એ સર્વોચ્ચ હોદા પર ટકી રહે એવા કોઈ નેતા શાસક પક્ષને મળતા ન હતા. એ દ્રષ્ટિએ એન્ડી બર્નહેમની પસંદગી બધાએ વધાવી લીધી છે...
આમ તો આ રેસિડન્સ-10, ડાઉનિંગ સ્ટ્રીટ અવારનવાર સમાચારોમાં ચમકતું રહે છે. આજની તારીખે, એ ફરી એક વાર ન્યૂઝમાં ગાજ્યું છે નવા પ્રાઇમ મિનિસ્ટરને લીધે.
-તો આવો, આપણે લટાર મારીએ તાજા બ્રિટિશ પી.એમ.ના લંડનસ્થિત ઐતિહાસિક નિવાસસ્થાનમાં.
આ ઘર વિશે A to Z જાણવાની જિજ્ઞાસા થાય એ પહેલાં આપણે થોડું ફ્લેશબેકમાં જવું પડશે.
આજથી 344 વર્ષ પહેલાં-1682ની સાલમાં આ ઈમારતનું બાંધકામ શરૂ થયું અને ધાર્યું હતું એ પહેલાં જ બે વર્ષમાં પૂર્ણ ચણતર સાથે ખડું પણ થઈ ગયું. લંડનના સૌથી જાણીતા વેસ્ટમિનિસ્ટર સિટી વિસ્તારના આ ઈમારત એ વખતના સૌથી વગદાર ઉમરાવ જયોર્જ ડાઉનિંગે તૈયાર કરાવી હતી. એટલે એ વિસ્તારને નામ મળ્યું ડાઉનિંગ સ્ટ્રીટ. હા, ત્યારે બધાનો ખ્યાલ એવો હતો કે અહીં કોઈ મોટા ઉમરાવનો પરિવાર રહેવા આવશે ને એની પેઢીઓ અહીં જ કાયમ માટે વસી જશે, પણ ત્યારે કોઈને સપને પણ કલ્પના નહોતી કે આ ઈમારત યુનાઇટેડ કિંગડમના સૌથી શક્તિશાળી હોદ્દા એવા પ્રાઈમ મિનિસ્ટરનું ઐતિહાસિક નિવાસસ્થાન તરીકે વર્લ્ડ ફેમસ થઈ જશે.
ઈસ્વીસન 1735થી બ્રિટિશ વડા પ્રધાનોનું આ સત્તાવાર નિવાસસ્થાન બન્યું, જ્યાંથી બબ્બે વિશ્વ યુદ્ધના અનેક કપરા નિર્ણયો લેવાયા હતા. એ પછી પણ વૈશ્વિક કટોકટી અને શાંતિમાં પણ વડા પ્રધાન ‘ભાડૂતો‘ માટે આ 10, ડાઉનિંગ સ્ટ્રીટ અતિ મહત્ત્વનું સ્થળ બની રહ્યું.
આમ તો આ મૂળ ઈમારત અને આસપાસનાં રહેણાંકનું બાંધકામ કર્યું હતું એક જમાનાના રાજ્વી પરિવારના માનીતા અને જબરા વગદાર એવા સર જ્યોર્જ ડાઉનિંગ અને એના પરિવારે, પણ વડા પ્રધાન તરીકે અહીં રહેવા આવનારા વિન્સ્ટન ચર્ચિલને 10, ડાઉનિંગ સ્ટ્રીટનું રહેઠાણ દીઠે ગમતું નહીં. એટલું જ નહીં, એનું બાંધકામ કરનારા ઉમરાવ જ્યોર્જ ડાઉનિંગને તો એ હાડોહાડ ધિક્કારતા હતા. કડવી કર્કશ ભાષા માટે કુખ્યાત ચર્ચિલ તો પેલા ઉમરાવ ડાઉનિંગને ‘એક લૂચ્ચો- લફંગો-લાલચુ- હરામખોર અને રાજવી પરિવારના જાસૂસ’ તરીકે જાહેરમાં ભાંડતા હતા! ચર્ચિલ તો 10, ડાઉનિંગની ઈમારાતને સાવ તોડી પાડીને ત્યાં નવી ઈમારત ખડી કરવાનું કહેતા રહેતા. એને નેસ્તનાબૂદ કરવાની ઘણી વાર યોજના પણ થઈ, પરંતુ પી.એમ તરીકે ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચર આવ્યાં પછી એમની કામગીરીથી વિશ્વનેતાઓ ખાસ્સા પ્રભાવિત થયા એ કારણે એમનાં નિવાસસ્થાન 10, ડાઉનિંગની પ્રતિષ્ઠા પણ વધુ જામી. એ પછી એમાં કાળક્રમે નાના-મોટા ફેરફાર થયા,પણ ચર્ચિલ ઈચ્છતા હતા એમ સાવ જ્મીનદોસ્ત થતાં સાવ ઉગરી ગયું..
આમ તો પહેલી નજરે બહારથી પ્રાઈમ મિનિસ્ટરનું આજનું નિવાસ્થાન બે કે ત્રણેક બેડરૂમના રાબેતા મુજબના અપાર્ટમેન્ટ કે ફ્લેટ જેવું લાગે. હકીકતમાં એવું નથી. આ 300થી વધુ વર્ષ પ્રાચીન ઈમારતમાં 100 જેટલાં રૂમ-ઓરડા છે. અહીં વડા પ્રધાન એમના પરિવાર સાથે ત્રીજા ફ્લોર પર રહે છે. જો કે એમનું કિચન બેઝમેન્ટ - ભોંય તળિયે છે. પી.એમ.ના આ ત્રીજા અંગત ફ્લોર સિવાયના બીજાં બધાં ઓરડા ખુદ વડા પ્રધાનના મુખ્ય કાર્યાલય અન્ય મિનિસ્ટર્સની કચેરીઓ-મંત્રણા રૂમ ઉપરાંત મુલાકાતીઓ માટે વપરાય છે.
અહીંથી રાજવી પરિવારનું ‘ઘર’ બંકિંગહામ પેલેસ માત્ર દોઢેક કિલામીટરના અંતરે છે. લગભગ એટલા જ અંતરે ‘પેલેસ ઑફ વેસ્ટમિનિસ્ટર’ છે, જ્યાં બ્રિટિશ પાર્લામેન્ટના બન્ને ગૃહ (‘હાઉસ ઑફ લોર્ડ્સ’ અને ‘હાઉસ ઑફ કોમન્સ’)ની બેઠકો યોજાય છે ને રાષ્ટ્રીય કારોબાર થાય છે.
10, ડાઉનિંગની ઈમારતમાં તમે પ્રવેશો એટલે ઉપર જવા માટે એક લાંબી સીઢી તથા એક લિફ્ટ છે. સામે જ એક લાંબી-પહોળી શ્વેત દીવાલ નજરે ચઢે. એ દીવાલ પર અત્યાર સુધીના બધા જ વડા પ્રધાનની ક્રમબદ્ધ પણ માત્ર એક જ લાક્ષણિક તસવીરો ઝૂલે છે. (હા, અહીં અપવાદરૂપે પૂર્વ પી.એમ. ચર્ચિલની બે તસવીર છે !) દીવાલ પરની પ્રત્યેક તસવીર સાથે એ વડા પ્રધાનના નામ સાથે એમના શાસનકાળની તવારીખ પણ દર્શાવી છે. દીવાલ પર નવા આવનારા પી.એમ.ના ફોટા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે. હવે ત્યાં નવા એન્ડી બર્નહેમની તસવીર ગૌરવભેર ગોઠવાઈ જશે !
આ બધા વચ્ચે જયારે પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક પરિવારે હજુ ગૃહ-પ્રવેશ પણ નહોતો કર્યો એ પહેલાંથી 10, ડાઉનિંગના ઘરમાં શું શું ફેરફાર થશે કે હિન્દુ પ્રણાલી પ્રમાણે કરવા જોઈએ એની જબરી ચર્ચા-વિચારણા અને સલાહ-સૂચનનાં મીમ્સ અનેક સોશ્યલ મીડિયા પર શરૂ થઈ ગયા હતા. એક ક્લ્પના એવી વહેતી થઈ હતી કે ઋષિ સુનકની વડા પ્રધાન તરીકે અહીં ગૃહપ્રવેશ કરશે ત્યારે 10, ડાઉનિંગ સ્ટ્રીટ હોમના પ્રવેશદ્વારની બન્ને બાજુ સ્વસ્તિકની સાથે હારનાં તોરણ ઝૂલતાં હશે તથા આંગણામાં રંગોળી પણ હશે અને આ સજાવટમાં શુકન માટે લીંબુ મરચું પણ ઝૂલતા હશે !
જોકે ત્યાંના આ નવા પી.એમ.આવી કોઈ ધાર્મિક નીતિ-રીતિમાં માનતા નથી. જન્મે કેથોલિક હોવાને નાતે શુદ્ધ રાજકારણ દ્વારા એ માત્ર માનવ સેવામાં માને છે. એવી સ્પષ્ટતા એમણે અગાઉ કરી છે.
આ તો સત્તાવાર નિવાસસ્થાનમાં હવેથી વસનારી વ્યક્તિ વિશે જાણ્યું, પણ આ 10, ડાઉનિંગ સ્ટ્રીટ બીજી કઈ કઈ વિશેષતાને લીધે વર્લ્ડ ફેમસ બન્યું એ પણ જાણવા જેવું છે, જેમકે ...
આ ઈમારતનું મુખ્ય પ્રવેશદ્વાર આજે કાળા રંગનું છે. હકીકતમાં એનો રંગ અવારનવાર બદલાતો રહ્યો છે. એક સમયે આ પ્રવેશદ્વાર ગ્રીન-લીલા રંગનું હતું ! બીજા વર્લ્ડ વોર દરમિયાન આ વિસ્તારમાં સતત જોરદાર બોમ્બાર્ડિંગ થતાં દરવાજા કાળા પડી ગયા. બસ, ત્યાર પછી મુખ્ય પ્રવેશદ્વારને હંમેશને માટે બ્લેક રંગી કરી દેવામાં આવ્યું છે.
આ દ્વાર પર પીળા રંગની પતરાની એક ટપાલપેટી-લેટર બોક્સ છે, જેમાંથી પત્ર અંદર સરકાવી શકાય. જો કે, હવે એનો જરા પણ ઉપયોગ થતો નથી, છતાં એનું ઐતિહાસિક મહત્ત્વ હોવાથી એ હજુ પણ યથાવત્ત છે..
આવું જ અહીં દ્વાર પરના ડોરબેલનું છે. દબાવો પણ અંદર બેલ રણકે જ નહીં. એ પણ માત્ર ઐતિહાસિક ‘શોભા’ માટે છે.
અહીં ચાવી દ્વારા બહારથી ખોલવા માટે મુખ્ય દ્વાર પર કી-હોલ તો છે, પણ અજબ વાત એ છે કે અહીં પ્રવેશ માટે કોઈ કી-ચાવી જ નથી.! પ્રવેશદ્વાર કોઈ વ્યક્તિ અંદરથી જ ખોલી શકે એવી વર્ષો જૂની ગોઠવણ છે. બહારથી કોને પ્રવેશ આપવો એ માટે ઈમારતની અંદર રહેલા કેમેરા-મોનિટરથી પૂરતી ચકાસણી થાય પછી જ અંદરથી દ્વાર ખૂલે.
અહીં કોઈ પી.એમ. પર્માનન્ટ કાયમી ‘ભાડૂત’ નથી.. છતાં અહીં એક જણ જ છેલ્લાં 15 વર્ષથી રહે છે અને એ છે ‘મ્યાંઉ’ અર્થાત ‘લેરી’ નામનો એક બિલાડો ! એને ‘ચીફ માઉઝર’ (મૂષક પકડનાર ઉંદરનો શિકારી !)નો સત્તાવાર હોદ્દો પણ આપવામાં આવ્યો છે ! આ ‘શિકારી’ ગોરી પ્રજાનો એટલો લાડકો છે કે એના નામે સોશ્યલ મીડિયા એકાઉન્ટ સુધ્ધાં છે !