વિનોદ ભટ્ટ
‘બેગર્સ હેવ નો ચૉઇસ’ નામની જે અંગ્રેજી કહેવત છે તે હવે જૂની થતી જાય છે. એક ગૃહિણીએ એકવાર એક ભિક્ષુકને ભીખમાં પૂરી આપતાં તેણે કહી દીધું હતું કે પૂરી મને માફક આવતી નથી, ગૅસ થાય છે. રોટલી કે રોટલો હોય તો આપો. અને અમારા આંગણે એક માગવાવાળો આવ્યો જેને મારી દીકરીએ ઘરના ઝાંપે બેસાડીને ભરપેટ જમાડ્યો, જમી રહ્યા બાદ જે પતરાળામાં તે જમ્યો હતો તે પતરાળું ઉપાડીને સોસાયટીની બહાર નાખી આવવાનું તેને મારી દીકરીએ કહ્યું, આથી ગુસ્સે થઈ જતાં તે બોલ્યો, ‘એ કામ મારું નથી...’ અને પોતાના પેટ પર હાથ ફેરવતો તે ચાલ્યો ગયો.
મને એ ભિક્ષુકની ખુમારી ગમી ગઈ. ભિખારીઓમાં આત્મસમ્માનની ભાવના કેળવાય એ ઘણું સારું કહેવાય. પણ બાંગ્લાદેશના ભિક્ષુકોએ તો પોતાની આ ભાવનાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયાના એક અંગ્રેજી અખબારમાં સમાચાર છપાયા છે કે ત્યાંના જૈસોર શહેરમાં લગભગ ત્રણસો જેટલા ભિક્ષુકોની સભા મળી હતી. એ છાપાના હેવાલ પ્રમાણે એ તમામના ચહેરા ગૌરવથી ચમકતા હતા. અલબત્ત આ સભામાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. એ સભામાં માઇક વ્યવસ્થા હતી કે નહીં એ અંગેની માહિતી અહેવાલમાં નથી અને હજી સુધી ભીખમાં માઇક આપવાની પ્રથા અમલમાં આવી નથી, તો પણ આટલી મોટી સંખ્યામાં તેમની હાજરી હોવાને લીધે શક્ય છે કે એવી વ્યવસ્થા હોય પણ ખરી, કેમ કે આ ભિક્ષુકો કાંઈ સાવ ભિક્ષુક નહોતા, પોતાના હક્કો માટે લડનારા લડવૈયા હતા.
એ સભાની શરૂઆત ફરિયાદથી થઈ હતી. એક ભિક્ષુકે જાતઅનુભવનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, લોકો આપણી સાથે કૂતરાં-બિલાડાં કરતાંય ખરાબ રીતે વર્તન કરે છે. જો કોઈ કૂતરું ખૂણે-ખાંચરે સૂઈ ગયું હોય તો તેને પ્રેમથી તૂ તૂ કરીને બોલાવે છે, બિલ્લીને બુચકારીને બોલાવીને તેને દૂધ પાય છે, પણ આપણને ‘ચલ હટ’કહીને ભગાડી મૂકે છે! આજ સુધી આપણે બહુ અપમાન સહન કર્યાં હવે આવી અમાનવીય હરકતો આપણે ચલાવી લેવી જોઈએ નહીં. આપણને આપવા ધારો કે કોઈને ત્યાં ક્યારેક કશું ન પણ હોય, આપણા જેવી જ સ્થિતિ હોય, પાસે પૈસોય ના હોય તો એ સંજોગોમાં આપણા પર ગુસ્સે થઈ હડધૂત કરવાને બદલે તેણે ક્ષમાભર્યા અવાજે કહી દેવું જોઈએ કે શું કરું ભાઈ (કે બહેન), આજે તો મારી હાલત તારાથીય બદતર છે, આથી તને હું શુભેચ્છાઓ સિવાય બીજું કશુંય આપી શકું તેમ નથી. તું તો ભાગ્યશાળીછે કે ‘તૂં નહીં ઔર સહી’ કહી આગળ વધી બીજા ઘેરથી કદાચ પૂરણપોળીનું ભોજન પણ મેળવી શકીશ - એ માટે તને મેં અગાઉથી જ શુભેચ્છાઓ પણ આપી દીધી છે - આવું બોલવામાં તેના બાપનું શું જાય? માણસજાતમાં માનવતા જેવી કોઈ ચીજ હોવી જોઈએ કે નહીં?
એ ભિક્ષુકની ફરિયાદ સાચી છે. મારા ગીધુકાકાનો અનુભવ પણ સારો નથી. તેમની એક કુટેવ છે કે કાંકરિયા તળાવ પર સવાર-સાંજ ચાલવા જાય ત્યારે સામે મળે એ જાણીતા કે અજાણ્યા તમામને હાથ જોડીને ‘જય શ્રી કૃષ્ણ’ કહે. એ વખતે પરસોતમ મહિનો ચાલતો હતો. આંખે મોતિયો ઉતરાવ્યો હોવાથી તેમણે કાળા ગૉગલ્સ પહેરેલા, ઝભ્ભો કધોણો, થોડોક ફાટેલો, લેંઘો જરા ઊંચો અને પગમાં સ્લીપર, તે ધીમે ધીમે ચાલતા જતાં-આવતાંને ‘જય શ્રી કૃષ્ણ’ કરતા. એટલામાં મંદિર પાસે એમની નજીક એક ખાલી ઑટોરિક્ષા આવીને ઊભી રહી. ટેવવશ કાકાએ ઑટોરિક્ષાવાળાને પણ હાથ જોડીને ‘જય શ્રી કૃષ્ણ’ કર્યાં. જવાબમાં ગુસ્સે થઈ જતાં રિક્ષાવાળાએ કાકાને સુણાવી: ‘હજી તો બૉણી થઈ નથી ને માગવાવાળા સવારના પહોરમાં સામે આવી ગયા! કાકા, સારા ઘરના થઈને માગતાં શરમ નથી આવતી? મારી તો સવાર ખરાબ કરી નાખી બુઢ્ઢાએ...’ આ સાંભળીને ગીધુકાકા સ્તબ્ધ થઈ ગયેલા.
આપણે બાંગ્લાદેશના ભિક્ષુકોની વાત કરતા હતા. પછી આ ભિક્ષુકોએ જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. સૂત્રોચ્ચાર કર્યા હતા અને એ સરઘસને પ્રવચન - સભામાં ફેરવીને નગરજનો સમક્ષ અમુક શરતો મૂકી હતી... આ શરતોમાંની પ્રથમ અને મુખ્ય શરત એ હતી કે ભિક્ષુકને ભિખારી, ભીખમંગા, માગણ કે બેગર જેવા અપમાનજનક સંબોધનોથી નહીં બોલાવવાનો, તેની લાગણી દુભાય એ રીતે ‘શિશ્... શિશ્...’ પણ નહીં કરવાનું, તેની સાથે અત્યંત વિવેકથી મૃદુ અવાજે બોલવાનું અને માગવા માટે તે હાથ લાંબો કરે કે ભિક્ષાપાત્ર ધરે તો તેના હાથમાં (કે ભિક્ષાપાત્રમાં) ઓછામાં ઓછો એક ટાકા (બાંગ્લાદેશનું ચલણ) આપવો અને સિક્કો આપતા જીવ કચવાતો હોય તો તેના વિકલ્પે અઢીસો ગ્રામ ચોખા આપવાના રહેશે. જોકે આ લોકો ઉદાર હોવાથી ચોખાની કવૉલિટી તેમણે જણાવી નથી, નહીં તો તે કહી શકત કે ચોખા બાસમતી કે જીરાસાળ હોવા જોઈએ. પોણિયા ચોખા, કણકી, જાડું ધાન કે રૅશન-કાર્ડ પર સસ્તા અનાજની દુકાનેથી મળે છે એવું અનાજ ભીખમાં લેવામાં નહીં આવે, તમને પરવડતું ન હોય તો તમે ગમે તે ધાન ખાવ, એ તમારો અંગત પ્રશ્ર્ન છે, અમે તો ધોરણસરનું જ અનાજ આરોગીશું. ભિક્ષુક છીએ તેથી શું થઈ ગયું? અમારે ગમે તે ખાવાનું?
આ તો વળી એટલું સારું છે કે અઢીસો ગ્રામ ચોખામાં જ તે માની જાય છે, બાકી કોઈ ભિક્ષુક વળી એમ પણ કહી શકે કે મને ડાયાબિટીસ અને બ્લડપ્રેશર છે તેથી ચોખા મને અનુકૂળ નહીં આવે. ચોખાને બદલે ઘઉં આપો અને ડાયાબિટીસ - બ્લડપ્રેશરને સાચવવા ઓછા ગળપણ તેમ જ સાવ ઓછા મીઠાવાળી રસોઈ જ ખાઈશ - પહેલું સુખ તે જાતે નર્યાં!
શરતોમાંથી એક શરત એવી પણ છે કે કોઇને ત્યાં લગ્ન કે એવો માંગલિક પ્રસંગ હોય ત્યારે ભિક્ષુકોને નામજોગ આમંત્રણપત્રિકા મોકલવી પડશે. ભલે અમે ભિક્ષુક રહ્યા, પણ વગર આમંત્રણે કોઈને ત્યાં ભોજન કરવા દોડી નહીં જઈએ. તમારે ત્યાં સ્વજનો ચાંલ્લા વ્યવહાર કરે કે ભેટ આપે એ તમારી અંદર અંદરની વ્યવસ્થા હોવાથી ભિક્ષુકો તેમાં ચંચુપાત કર્યાં વગર જમીને અને અન્ય અનિવાર્ય કારણસર નહીં આવી શકેલા તેના પરિવારજનોનું ટિફિન લઈને ચૂપચાપ ચાલતા માંડશે. ચાંલ્લા-બાંલ્લાની લપમાં તે નહીં પડે!
અને લગ્નમાં આવેલા ભિક્ષુકોને યથેચ્છ આનંદ કરવા દેવો પડશે. તેમની સાથે બિનબુલાયે મહેમાન - વણનોતર્યા મહેમાનો જેવો ઉપેક્ષાભર્યો વ્યવહાર નહીં કરી શકાય. આવનાર શું ખાય છે, કેટલું ઝાપટે છે એ તરફ યજમાને દુર્લક્ષ રાખવાનું છે, કોઈ પણ જમનાર પોતાના પેટ કરતા વધારે જમતો નથી એ યજમાને જાણી લેવું જોઈએ. ભિક્ષુકોને પણ અન્ય મહેમાનોની પંગતમાં બેસાડીને અને બુફે એટલે કે સ્વરુચિ ભોજન હોય તો ઊભા રાખીને સ્વચ્છ પ્લેટમાં ભોજન પીરસવાનું રહેશે. કોઈ ભિક્ષુક શરમાળ લાગે તો તેને વધારે ખાવા માટે યજમાને આગ્રહ પણ કરવો જોઈશે.
જાણે કે આ એક કારનામું જ હોય તેમ આ ભિક્ષુક સંગઠને આગળ જણાવ્યું છે કે આ રીતે અમને આપવામાં આવતું ભોજન અને મહેરબાનીની રાહે નથી લેતા, આ તો અમારા હક્કનું છે એટલે તમારા ઘરના દરવાજે અમને ઊભા રહેલા જોઈને તરત જ ભિક્ષા આપી દેવી, કારણ કે અમારો સમય ઘણો કીમતી છે, અમારી પાસે જે કંઈ છે તે સમય જ છે અને આ ભીખ પણ તમારે હસતા મોઢે આપવી, જેથી બરકત રહે. કટાણું મોં કરીને આપેલ દિલ્હીના સોન હલવા, કલકત્તાની સંદેશ મીઠાઈ તેમ જ સૂરતની ઘારી અને ખંભાતના હલવાસનમાંથી મીઠાશ પગ કરી જાય છે, એ વાતનો દાતાએ ખ્યાલ રાખવો. (નોંધ: બાંગ્લાદેશના ઘૂસણખોરોની પેઠે ત્યાંના ભિક્ષુકો પણ અત્રે આવી જશે એવા અનુમાન સાથે આ તમામ શરતોનું અહીં ગુજરાતીકરણ કર્યું છે.)
અને આ છે છેલ્લી શરત. યજમાને કોઈ ભિક્ષુક જમાડવો હોય તો તેના ઘરના ખૂણે બેસાડીને જમાડવાને બદલે ત્યાંથી પસાર થનારની નજરે ચડે એવી જગ્યાએ બેસાડીને પ્રેમથી જમાડવો. આથી બન્નેને ફાયદો થશે. એક તો જમાડનારની છાપ પાસ-પડોશમાં સારી પડશે. આસપાસના લોકો અંદર અંદર ચર્ચા કરી શકશે કે એની છાપ ભલે મખ્ખીચૂસ, બદમાશ અને નાલાયકની છે, ભિખારીની માફક ભલે તે બધાંની સાથે ઝઘડ્યા કરતો હોય છે, પરંતુ ભિખારીઓને તે પોતાના સગાભાઈ જેવા ગણે છે - આને જ કહેવાય સાચો ભ્રાતૃભાવ.
આ ભાવને કારણે દેખાદેખી, અન્ય લોકોમાં પણ દાનવૃત્તિ પ્રવેશી જશે, ખીલી ઊઠશે. પડોશીએ તો મોટા ભાગે એકબીજાની નકલ કરવામાંથી જ ઊંચા નથી આવતા અને આથી અમને સતત સારું ભોજન મળ્યા કરશે. યાદ રાખો, તમે તમારા જ નહીં, અમારા નસીબનું ખાવ છો...