Thu Sep 03 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ શું છે આ હાઈ-સેન્સિટિવિટી સી. રિઍક્ટિવ પ્રોટીન?

2026-06-16 08:01:00
Author: Dr. Harsha Chadwa
આહારથી આરોગ્ય સુધીઃ શું છે આ હાઈ-સેન્સિટિવિટી સી. રિઍક્ટિવ પ્રોટીન?

ડૉ. હર્ષા છાડવા


સ્વસ્થ રહેવા માટે શરીરમાં બધાં પ્રકારનાં પોષક તત્ત્વ અને કેમિકલ્સ કમ્પાઉન્ડના સ્તર જળવાયેલા હોવા જરૂરી છે. કોઇપણ તત્ત્વ કે કેમિકલ્સ કમ્પાઉન્ડની ઊણપ શરીર પર માઠી અસર ઉપજાવે છે. શરૂઆત નાનાં લક્ષણોથી થાય છે. તેનાં કારણો જાણીને તરત જ ઉપાય કરવાથી તે તીવ્ર રોગમાં જતાં અટકી જાય છે. નહીં તો શરીરમાં સંક્રમણ અને સોજા આવવાની શક્યતા વધી જાય છે. નબળી ક્ષમતાવાળી વ્યક્તિઓને પ્રતિરક્ષા પ્રણાલી નબળી થઈ જાય છે ને વારંવાર બીમારીઓ થાય છે. 

શરીરની અંદર એક પ્રાકૃતિક બચાવ પ્રણાલી છે જે બહારની સંક્રમણ કે શરીરની અંદર થતી બીમારીઓથી લડે છે. જ્યારે લાંબા સમય સુધી બીમારીઓથી બચાવ કરે છે, પણ વધુ સમસ્યા થતાં શરીરની અંદરનાં અવયવો પર સોજા આવી જાય છે અને બીમારીઓ આગળ વધે છે. સોજા આવવાનું કારણ ખરાબ જીવનશૈલી ખરાબ ખાન-પાન, કેફેનવાળી વસ્તુઓનું સેવન, અપ્રાકૃતિક અને કેમિકલવાળા ખોરાકને કારણે પહેલાં એસિડિટી થાય પછી ધીરે-ધીરે કબજિયાત પછી શરીરમાં થાક લાગે, દુખાવા થાય પછી સોજા આવવા લાગે છે. આ સમસ્યાનો અંત આવવો જરૂરી છે.

સોજાનાં ઘણાં કારણો છે સ્ટીરોઇડ દવાઓ ખાવી, બી.પી.ની દવાઓ, ગર્ભનિરોધક  દવાઓ, કબજિયાતની દવાઓ, નમકનું વધવું, નમકનું સેવન વધુ થવાને કારણે શરીરમાં સોજા આવી જાય છે. જ્યારે કોઈ શારીરિક કારક પ્રતિરક્ષા, પ્રતિક્રિયાને સક્રિય કરે ત્યાં સોજા ઉત્પન્ન થાય. સોજા આવતાં લિવર દ્વારા બનાવેલુ પ્રોટીન શરીરના સોજાને નાબૂદ કરવા માટે તે ઍક્ટિવ થાય છે જે રક્તવાહિકામાં આવેલા સોજાને મટાડવાનો પ્રયત્ન કરે છે કે છુપાયેલા સોજાને કાઢવાનો પ્રયત્ન કરે છે. 

આ પ્રોટીન એ એક બ્લ્ડમાર્કર છે. જેને એચ.એસ., સી.આર.પી. (Chs-Crp) હાઇ-સેન્સિટિવિટી સી. રિએક્ટિવ પ્રોટીન કહે છે. આ પ્રોટીન લિવર સોજાને જવાબ દેવા માટે બનાવે છે. આ પ્રોટીનનું ક્લિનિકલ ટેસ્ટ પણ થાય છે. આ ટેસ્ટથી શરીરમાં કેટલા સોજા આવ્યા છે તે બતાવે છે. નાનામાં નાની સોજાની પણ જાણકારી આ ટેસ્ટ કરાવવાથી ખબર પડે છે. જેથી લાંબા ગાળાની બીમારીઓ ન થાય તે માટે.

હૃદયના સોજાની ખબર પડે છે. જેથી તેની જલદી સારવાર થઇ શકે. લોહીમાં આનું પ્રમાણ 1.0  mg / L હોય તો કોઇ જોખમ નથી 1.0થી 3.0 mg / Lમધ્યમ છે. 3.0 mg / L થી વધુ એ જોખમકારક છે. વધારે જોખમ હૃદયની સમસ્યાઓ કે અન્ય ક્રોનીક બીમારીઓની સંભાવના બતાવે છે. આ ટેસ્ટથી ઓટોઇમ્યૂન બીમારી જેવી કે આર્થરાઇટીઝ આ એચ.એસ., સી.આર.પી સિગ્નલની જેમ કામ કરે છે. જે જણાવે છે  કે શરીરમાં કયાં સોજા છે. આ ટેસ્ટથી હૃદયની શરૂઆત સંકેત પકડમાં આવે છે. લિવર કે લંગ્સની બીમારીની ખબર પડે છે. હાઇ બીપી, ઓટાઇમ્યુન ડિસઓર્ડર અને કિડનીની સમસ્યાઓની શરૂઆતી ખબર પડે છે.

રિપોર્ટમાં ખબર પડયા પછી શરૂઆતથી જ લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો જરૂરી બની જાય છે. સાકરના સેવનના કારણે પહેલાં એસીડીટી અને પછી સોજાની શરૂઆત થાય છે. જે પછીથી કોલેસ્ટ્રોલની બીમારી અને ડાયાબિટીસની બીમારીઓ ઉપજાવે છે. ચહા, કોફી, ચોકલેટ, દારૂ, ગુટકા જે પેટમાં પહેલાં એસીડીટી કરે છે. પછી અલગ અલગ બીમારી જેવી કે ચોકલેટના સેવનના કારણે કબજિયાત કે ચયાપચનની નાડી પર સોજા પછી થાઇરોઇડમાં પરિણમે છે.
 


ચહાના સેવનના કારણે સ્ટમકમાં બળતર પછી નસોનું અક્કડ થવું અને બી.પી.ની શરૂઆત કોફીના કારણે બળતરા થાય પછીથી શરીરનાં કોઇપણ અંગમાં પાણી ભરાય (વોટર રીટેશન થાય) દારૂ અને ગુટકાના કારણે તીવ્ર એસીડીટી અને પછી અલ્સરની શરૂઆત. દારૂના કારણે આંખની બીમારીઓ નાની ઉંમરમાં જ આવી જાય છે. ચાઇનીઝ ફૂડ ખાવાના કારણે શરીરમાં સોડિયમ વધી જાય છે. પેટમાં જબરજસ્ત એસીડીટી થાય, દુખાવો થાય. આઇસક્રીમમાં વપરાતા ખરાબ તેલોના કારણે લંગ્સની બીમારીઓ થાય છે. બિસ્કિટ, પેકેટ ફૂડના કારણે ચામડીની બીમારીઓ થાય છે, આંખમાં ખરાબી થાય છે.

આ બધી ખાના ખરાબીના કારણે શરીરની સિસ્ટમ અસ્તવ્યસ્ત થાય છે ત્યારે લિવર આ પ્રોટીન બનાવી શરીર ઠીક રાખવાનો પ્રયત્ન કરે છે. જે અસમર્થ થતાં તે બીમારીમાં પરિણમે છે. હાપુસ કેરીમાં વપરાતા કેલ્શ્યિમ કાર્બોનેટના કારણે જુલાઇથી ઓકટોબર સુધી ઘણાંય લોકોને તાવ આવે છે, ફોડી નીકળે, શરીરમાં સોજા જણાય છે.

આ બધી સમસ્યાથી બચવા માટે ખાન-પાન સુધારણા કરવી આવશ્યક છે. દાડમ, સંતરા, મોસંબી, પાઇનેપલ, પ્લમ, પીચ, ચેરી જેવાં ફળોનું સેવન રાહત આપે છે. લીચી તાવને દૂર કરે છે. તેથી તાવમાં લીચીનું સેવન કરવું જોઇએ. પાઇનેપલ શરીરની અંદરના સોજા ઘટાડે છે અને પ્રોટીનનું પાચન ખૂબ સારી રીતે કરે છે. દાડમથી એસીડીટી બે-ત્રણ દિવસમાં સારી થઇ જાય છે.

લીલી વનસ્પતિથી કબજિયાતમાં સારું પરિણામ આવે છે. મૂળા અને તેના પાન અને મોગરી લિવરને  એક્ટિવ કરે છે. સોજામાં રાહત આપે છે. કિડની સ્ટોન કે પિત્તની પથરીને થવા દેતો નથી. તાજા જરદાલું જયૂસ સાથે નાગરવેલના પાન પીસીને લેવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. લાલ પીળા કેપ્સિકમની ચટણીઓ લિવરને એક્ટિવ કરે છે. સાથે આંખના સોજાને દૂર કરે છે. 
શાકભાજી અને ફળોની માર્કેટ તરફ વળો. નહીં કે દવાની દુકાન કે હૉસ્પિટલ તરફ.