Tue Jul 21 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ- 13

2026-07-21 11:08:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

સો સનત કંઈ બોલે તે પહેલા જસ્ટ અ મીનીટ કહી ને સોનલ ઊઠી અને બાથરૂમમાં ચાલી ગઈ. બેડ પર બેઠેલો સનત નળનું ચાલુ થવું, બંધ થવું, ફ્લશનો અવાજ સાંભળી રહ્યો. પાછી આવીને સોનલ બેડ પર બેસતાં સનત સામે જોઈને મલકી. સનત આડું જોઈ ગયો. ‘એક વાત કહું સનત? તમે પણ સ્વસ્થ યુવાન છો. એમ થાય છે કે તમને કીસ કરીને મારો રાજીપો વ્યક્ત કરું. પણ તમે એનો જુદો અર્થ કાઢશો.’ 

‘પ્લીઝ યાર. રહેવા દે. આવી વાતો કરીને મને બહેકાવ નહીં. હું પછી ઉદાસ થઈ જઈશ.’ 
‘ઓહ જેન્ટલમેન. હાઉ સ્વીટ યુ આર. મને તું જ કહો. મને ગમે છે. અપનાપન જેવું લાગે છે.’ 
‘કેમ બાથરૂમમાં કોઈ બ્રહ્મજ્ઞાન થયું કે શું? ’

‘ના, જસ્ટ એક વિચાર આવ્યો કે તમે અત્યારે કંઈ કરો તો હું રાડારાડ પણ ન કરી શકું. કારણ કે બધાની વચ્ચે મેં જાતે જાહેર કર્યું છે કે, હું તમારી પત્ની છું. જરા એ વિચાર આવી ગયો.’ 
‘હું રાજી થાઉં કે રડું? પ્લીઝ તમે ટ્રેક પરથી ન ઉતરો. મને તમારી સ્ટોરી કહેવા માંડો. આમેય આખી જિંદગી તમે યાદ આવવાના જ છો.’ 

‘આટલા ફાસ્ટ ન દોડો. એવું પણ બને કે કોઈ એવી છોકરી આવે જે તમને બધું જ ભુલાવી દે. હું ચાહીશ કે એવું જ બને. તમારી જીવનસાથી મારા કરતા અનેક ઘણી સુંદર હશે.’ 

‘પ્લીઝ ટેલ મી મોર અબાઉટ યુ. આઈ નોટ વોન્ટ ટુ લીસન એનીથીંગ ઓફ ધીસ નાઈટ.’ સનત કંઈક જુદા ભાવથી બોલી ગયો. સોનલે નાટકીય રીતે કહ્યું. ‘ઓકે, ઓકે. બાબા કહું છું, થોડું પાણી પી લઉં.’ 
સોનલે પાણીના બે ઘૂંટ ભર્યા અને હોઠ લુછતાં પૂછ્યું, ‘હું ક્યાં પહોંચી હતી?’ 

‘મુંબઈ.’ બોલ્યા પછી સનત હસી પડ્યો. 
‘હા, મુંબઈ. સનત કદાચ જુદા સંજોગો હોત, હું બીજા કોઈને ઘેર જન્મી હોત તો મને મુંબઈનું સપનુંય આવ્યું ન હોત. મને ક્યારેક આશ્ચર્ય થાય છે. જો કિસ્મત જેવી ચીજ ન હોત તો હું આટલું ભણી શકી ન હોત, મને જે સુખ મળ્યું એમાનું દસમા ભાગનુંય મળ્યું ન હોત. છતાં જે ઘરમાં હું મોટી થઈ તે ઘરમાં જે ઉપેક્ષા વેઠી છે તેના ઘાવ ઊંડા છે. 

એક માત્ર મારા પપ્પા હતા જે અમારા મા દીકરીનો આધાર હતા. મારા પપ્પાએ જે નિર્ણય લીધો હતો તે હોબાળો સર્જે તેવો હતો. કમલામાના એક ભાઈએ તો પપ્પાને કોર્ટમાં ઘસડી જવાની ધમકી સુધ્ધાં આપી દીધેલી. સનત પૈસાદારોની જિંદગીમાં જેટલી ચમક દમક હોય છે એટલા જ દાવપેચ હોય છે અને કેટલીકવાર એ દાવપેચ કોઈની જિંદગીના દુશ્મન બની જતા હોય છે.’ 

‘તમારો પહેલો દિવસ તમને યાદ છે?’ 
‘યાર એ દિવસ તો હું કદી ભૂલું તેમ નથી. મેં બે વર્ષ સાવ સામાન્ય લોકો અને સામાન્ય ઘરમાં વિતાવ્યાં હતાં. આટલું મોટું ઘર હોય તે વાત મારા બાળ મગજમાં ઘૂસતી નહોતી. મોટો ડ્રોઈંગ રૂમ, તેમાં લગાવેલાં ઝુમ્મર, સોફાસેટ, ટીવી, ઘરની સજાવટ અને ચમક જોઈને હું મમ્મીના ખોળામાં કોકડું વળી ગઈ હતી. સાચું કહું તો એ વિચિત્ર સ્થિતિ હતી. અમે પહોંચ્યા ત્યારે મારા બે ભાઈ અને નોકરો ઘેર હતા. પપ્પાએ મોટા છોકરાને ઉદેશી ને કહેલું, જય આ તમારી મમ્મી છે ચાલો પગે લાગો અને આ ગુડ્ડી તમારી બેન છે. કેટલી સ્વીટ છે નહીં?
 
મમ્મી એમના સામે જોઈને હસી. પણ બેય છોકરાઓ ઉઠીને ઉપર ચાલ્યા ગયા. મમ્મીના મોં પર શાહી ઢોળાઈ ગઈ. નોકરો ધીમે ધીમે નજીક આવ્યા. પપ્પાએ બધાની સામે જોઈ જરા હસીને પૂછ્યું, મોટા શેઠે તમને તો કંઈ નથી શીખવ્યું ને? જુઓ આ મારી પત્ની છે ગંગા તમારી નવી શેઠાણી. આ સોનલ છે મારી દીકરી.’ 

‘જી શેઠ.’ કહીને ઘરનો જે જૂનો નોકર હતો તે આગળ આવેલો. એનું નામ રાજારામ હતું. તે મમ્મીથી ઉંમરમાં મોટો હતો. તે છતાં તે મમ્મીને પગે લાગ્યો. મમ્મીને જરા નવાઈ લાગી. તે પછી બીજા બેય નોકરો પગે લાગ્યા. સનત, મને કહેતા આનંદ થાય છે કે, મમ્મીએ એ જ સમયે ત્રણેય નોકરોને સો સોની નોટ આપી રાજી કર્યા હતા. નોકરોએ લેવાની આનાકાની કરી તો મમ્મીએ કહેલું, ‘દેખો ભૈયા, પહલી બાત તો યે હૈ કી મૈં ગુજરાતી નહીં બોલ પાતી. આપ લોગ મુજસે હિન્દીમેં બાત કરોગે ના? દૂસરી બાત મુજે સબ સમજાતે રહના.’ 

મમ્મીના શબ્દોમાં વ્યક્ત થતી સચ્ચાઈ નોકરોને સ્પર્શી ગઈ. મમ્મીએ આવતાંવેંત જ નોકરોના મન જીતી લીધા હતા. તે જ વખતે કાર અંદર આવ્યાનો અવાજ આવ્યો. નોકરો તરત આઘા પાછા થઈ ગયા. પપ્પાએ મારી મમ્મીને કહ્યું, ‘પપ્પા આવે છે. મને ખબર છે તારું અપમાન થશે. એ કોઈ સામાન્ય માણસ નથી. શેઠ મણિરામ ઝવેરી છે. આજથી તારી કસોટી થાય છે. હવે તું આ ઘરની માલિક છો. તે છતાં તારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનું આવશે. હું તને એકલી પડવા નહીં દઉં.’

‘મારા દાદાને મેં પહેલીવાર જોયા. અમને જોતાં જ એમના ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ. તેમણે કરડી નજરે મારા પપ્પાની સામે જોયું. મારી મમ્મીએ ઊભા થઈને માથે ઓઢ્યું અને એમને પગે લાગવા આગળ ગઈ. જાણે દાદાને ખબર હતી કે, વહુ પગે લાગવા આવશે. તેમણે દૂરથી જ હાથ લાંબો કરી મમ્મીને અટકાવતા કહેલું, મને કદી પગે લાગવાનું નથી. જ્યારે મને એમ થશે કે તમે મારા વહુ છો તે દિવસે પગે લાગજો.’ 

‘સનત તમે સમજી શકતા હશો કે, મારી મમ્મીની હાલત શું થઈ હશે. જોકે પપ્પાએ મમ્મીને બધું જ સમજાવેલું. મારી મમ્મી પપ્પાના બોલને ઈશ્વરનો બોલ સમજતી હતી. તે જરા પાછળ હટીને ઊભી રહી. આમ તો મારા પપ્પા પણ ખિસિયાણા પડી ગયા હતા. તેમણે મને ઉંચકી અને દાદાની નજીક જતાં કહ્યું, પપ્પા આને તો આશીર્વાદ આપો. આ અબુધ છોકરીએ તો તમારું કંઈ બગાડ્યું નથી. દાદાના મગજમાં ક્રોધ ભરાયેલો હતો. તેમણે મારી સામે જોયું, પછી મારા માથા પર હાથ મૂકી ઉપર ચાલ્યા ગયા.’ 

સનત તે રાતે દાદા અને મારા બે ભાઈઓ અમારી સાથે જમ્યા નહીં. અમારા જમી લીધા પછી તેઓ નીચે આવ્યા. મારી મમ્મી ચૂપ થઈ ગઈ હતી. એ સમજી ગઈ હતી કે પોતે જ્યાં આવી છે ત્યાં સ્વમાનપૂર્વક રહેવું સામા પૂરે તરવા જેવી વાત છે. જમ્યા પછી પપ્પાએ કાર બહાર કાઢી અમને બેયને સાથે લીધા અને કાર દોડાવી મૂકી. તે રાતે પપ્પા અમને કઈ જગ્યાએ લઈ ગયા હતા તે મને યાદ નથી. પણ મારી આંખો પહોળી થઈ ગઈ હતી. આટલું બધું પાણી? દરિયો શું ચીજ છે તેની મને કલ્પના પણ નહોતી. હું બધું ભૂલી ગઈ હતી. મને એ યાદ છે કે, પપ્પાની બાજુમાં બેઠેલી મમ્મી સતત રડતી રહી હતી. પપ્પા તેની પીઠ પસવારતા રહેલા. અમે મોડી રાતે પાછા આવ્યા ત્યારે દાદા અને મારા ભાઈઓ એમાના કમરામાં હતા. 

મુંબઈમાં મારો પહેલો દિવસ ઊગ્યો.  
‘અમારા એ બંગલાને આઠ ઓરડા છે. મમ્મીને એ પણ ખબર નહોતી કે કયો ઓરડો કોનો છે. તેણે પપ્પાને પૂછી પૂછીને પગલાં ભરવાના હતાં. મેં આંખ ખોલી ત્યારે મમ્મી મારી પાસે બેઠી હતી. ઘરમાંથી કોઈ અવાજ આવતો નહોતો. મમ્મી મને બાથરૂમમાં લઈ ગઈ. સનત મને બધું જ યાદ છે. હું આંખો ફાડીને જોઈ રહી હતી. મમ્મીએ મને નવડાવી. સુગંધી પાવડર લગાવ્યો. એકદમ નવાં કપડાં પહેરાવ્યાં. થોડીવારે પપ્પા ઓરડામાં આવ્યા. તે મને તેડીને નાસ્તાના ટેબલ પર લઈ ગયા. મારા દાદા પહેલેથી જ ત્યાં બેઠા હતા. અમને જોઈ તે ઊભા થયા એટલે પપ્પાથી રહેવાયું નહીં. 

તેમણે દાદાને કહ્યું, ‘પપ્પા ક્યાં સુધી આમ દૂર ભાગશો. તમે હા પાડી એટલે જ ગંગા અને સોનલને અહીં લઈ આવ્યો છું. અને તમે કહેતા હો તો હજુય હું ચાલ્યો જવા તૈયાર છું. આ છોકરી સાથે આવું ન કરો પપ્પા મારા દાદા પાછા બેસીને મારી સામે જોયા કર્યું. જાણે તેઓ મારા ચહેરામાં મારા પપ્પાની રેખાઓ શોધતા હોય. અચાનક તેમણે ટ્રેમાં મૂકેલા બિસ્કિટ્સમાંથી એક ઉપાડી મને આપતાં કહેલું, ‘મોહન તને હજુ ખબર નથી કે તારી આ મૂર્ખાઈથી ઘરની આબરુને કેટલો ધક્કો વાગશે. તું કોને કોને સમજાવીશ કે આ છોકરી તારી જ છે?’ 

‘મારે ફક્ત તમને સમજાવવાની જરૂર છે. તમે સ્વીકારી લ્યો એટલે બસ. બીજાનું હું ફોડી લઈશ. કદાચ આ છોકરી ન હોત તો હુંય કહી શક્યો હોત કે, રાજાને ગમી તે રાણી. પણ આ છોકરી કોની છે તે બાબતે હું કોઈ ખુલાસો નહીં કરી શકું.’

‘સોનલ મોટી થશે તો આપોઆપ સમજાશે કે તે કોની છોકરી છે. અને દુનિયા એટલું બધું યાદ પણ નથી રાખતી.’

‘દુનિયા બધું યાદ રાખતી હોય છે અને સમય આવે સંભળાવતી પણ હોય છે. તને જ્યારે આ છોકરી યુવાન થશે, એનું માગુ આવશે ત્યારે સમજાશે. તારી ઘરવાળીને સમજાવી દેજે મારાથી દૂર રહે. મને સસરો ન સમજે એજ સારું.’ 

‘મારા પપ્પા પાસે જવાબ નહોતો. પણ તે વખતે જ એક જુદી બીના બની. કમલામાના બેય ભાઈઓ ઓચિંતા આવ્યા. એમને મારા બેય ભાઈઓએ ફોનથી જણાવી દીધું હતું કે, પપ્પા નવી મમ્મી લઈ આવ્યા છે અને સાથે એક નાની છોકરી છે.’ 

‘તારા કમલામાના ભાઈઓ ક્યાં રહેતા હતા?’ 
‘એ વખતે તેઓ સૂરતમાં રહેતા હતા. મારા પપ્પાના હાથમાં ચાનો કપ હતો. મને એમના ચહેરા યાદ છે. બેઉ ભાઈઓ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. મોટોભાઈ જરા વધારે પડતો જાડો હતો. અને નાનાની આંખોમાં એક જાતનું ખુન્નસ હતું. તેણે રીતસર ઘાંટો પાડ્યો હતો, મોહનલાલ શું છે આ બધું?’

‘આ બધું એટલે?’ મારા પપ્પાએ એકદમ શાંત અવાજે જવાબ આપ્યો. 
‘તેનું ચાલ્યું હોત તો પપ્પાને થપ્પડ મારી લીધી હોત. મારા દાદા સમજી ગયા કે નોકરોના દેખતા જ તમાશો થશે. તેમણે કહ્યું, ‘મારાજ ચા લાવો મહેમાન આવ્યા છે.’ 

‘બાપુજી અમે અહીં ચા પીવા નથી આવ્યા. અમને સમાચાર મળ્યા કે મોહનલાલ કોઈ સ્ત્રીને લઈ આવ્યા છે.’ પપ્પાના નાના સાળા રમણીકે ગુસ્સાથી કહ્યું. 

‘રમણીક કન્ટ્રોલ યોર લેંગ્વેજ. હું કોઈ સ્ત્રીને નથી લઈ આવ્યો. એ મારી પત્ની છે.’ પપ્પાએ વિંધી નાખે તેવી ટાઢકથી કહ્યું.

‘વાહ શું ખાનદાની છે. ગમે ત્યાંથી ઉપાડી આવેલી સ્ત્રીને પત્ની કહો છો. શું ન્યાતમાં છોકરીઓ મરી ખુટી છે કે કાખમાં છોરી લઈને ફરતી સ્ત્રીને ઘરમાં બેસાડી દીધી.’ 

પપ્પાના દાંત ભીંસાઈ ગયા. તેમણે દાદાને કહ્યું, ‘પપ્પા આ બેઉ ભાઈઓને કહી દો કે હમણાં જ ચાલ્યા જાય નહીંતર ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. મારા હાથે કંઈ આડુઅવડું થઈ જાય તે પહેલા આ બેયને જવાનું કહી દો. બોલવાની તમીજ નથી. તમે ચર્ચા કરવા આવ્યા છો કે ઝગડવા આવ્યા છો?’ 

‘અચાનક થયેલી ઉગ્ર ચર્ચાઓ સાંભળીને હું રડવા લાગી. મારું રડવું સાંભળી મારી મમ્મી બહાર આવી. મારા દાદા અને કોઈ અજાણ્યાને જોઈ તે ઊભી રહી ગઈ. પણ મારા પપ્પાને શી ખબર શું ઝનૂન ચડ્યું કે તેમણે મને ઉંચકી મારી મમ્મીને આપતાં કહ્યું, ‘ગંગા આ કમલાના ભાઈઓ છે. તું જ કહે કે આ છોકરી કોની છે. તારા સામે કોઈ આંગળી ચિંધશે એ સહન નહીં કરું.’
કમલામાના ભાઈઓ સ્તબ્ધ થઈ મમ્મી સામે જોઈ રહ્યા.