Tue Jul 21 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની-નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં...

2026-07-21 11:16:00
Author: Mita Bawisi
Article Image

મિતા બાવીસી

ગૂમડાં

* ગૂમડાં ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું ફૂટી જશે.
* બાફેલા કાંદામાં મીઠું નાખી પોટલી બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
* ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટલી બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
* સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જશે.
* કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગૂમડું પાકી જશે.

* પાલક અથવા તાંદળજાનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે.
* બોરડીનાં પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જશે.
* લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગૂમડાં પાકીને ફૂટી જશે.
* ગાજરને બાફી તેની પોટીસ કરીને બાંધવાથી ગૂમડાં સારાં થઈ જશે.
* હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગૂમડું ફૂટી જશે.

* દરરોજ સવારે લીમડાંના પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગૂમડાં થતાં નથી ને થયેલાં હોય તો તે મટી જાય છે.
* બી કાઢી નાખેલ કાળી દ્રાક્ષમાં થોડું પાણી નાખી વાટી મલમ જેવું બનાવીને કપડાંની પટ્ટી બનાવી ગૂમડાં ઉપર મૂકી પાટો બાંધવાથી ગૂમડું ફૂટી જાય છે.

જીવજંતુના ડંખ

મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.
ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
કાનખજૂરાના ડંખ પર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.

કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.

કાનખજૂરો, બગાઈ જેવા જંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.

કોઈ પણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીનાં પાનને પીસીને તે ડંખ ઉપર મશળવાથી ઝેરની અસર નાબૂદ થાય છે.

ઘા - જખમ

* લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રૂઝ આવે અને પાકતો નથી. 
* ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે. 
* ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે. 
* તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રુઝાય છે. 

* વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે ને ઘા પાકતો નથી.
* હળદરને તેલમાં કકડાવી તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુઝાતા ઘા જલદી રુઝાઈ જાય છે. 
* તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રુઝાઈ જાય છે. 
* ફુલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીક્ળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. 

* તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે. 
* લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો જાડો ચૂનો ચોપડી તેના પર તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રુઝાઈ જાય છે. 
* હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રુઝાઈ જાય છે. 

* રાઈના લોટને ઘી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા - જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રુઝાઈ જાય છે. 
* ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે. 
* તાજા ઘા ઉપર જેઠીમધમમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રૂઝ આવે છે.