શ્રીલેખા યાજ્ઞિક
તાજેતરમાં એક એવો કિસ્સો સાંભળવામાં આવ્યો કે... ફક્ત 30 વર્ષના યુવાનને અચાનક છાતીમાં દુ:ખવા લાગ્યું. નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવી. જાણવા મળ્યું કે તેના લોહીમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હતું. તેની જીવનશૈલી વિશે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને મુંબઈમાં નવી નોકરી મળી. તેથી ભાડાના ઘરમાં રહે છે. પતિ-પત્ની બંને નોકરી કરતાં હતાં. ઘરે રસોઈ બનાવવાનો સમય મળતો ન હતો કે બનાવવાની આળસ! તેથી બહારના ભોજન ઉપર નિર્ભર રહેવાનું પસંદ કર્યું.
સતત કામની તાણ તેમજ બિનઆરોગ્યપ્રદ આહારની અસર નાની વયમાં હૃદય ઉપર દેખાઈ. આપણે ત્યાં કહેવત છે ને કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ તેમ પતિ-પત્ની બંનેએ આળસને દૂર કરીને ઘરના ભોજનને પ્રાધાન્ય આપવાનું સ્વીકાર્યું. સાત્ત્વિક ભોજન તેમજ આયુર્વેદિક ઉપચાર વિશે જાણકારી મેળવવામાં રસ લીધો. આશા રાખીએ કે દવાઓની સાથે ઘરના ભોજનને જીવનમાં પ્રાધાન્ય આપીને તેમનાં સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો દેખાય.
સ્વાસ્થ્ય માટે કલોંજીના બીજ ઔષધી સમાન ગણાય છે. કલોંજી માટે એવું કહેવાય છે કે તે બધા જ રોગને દૂર કરવાની રામબાણ ઔષધી છે. ‘પેનાસિયા’ શબ્દ રોમમાં ઘણો પ્રચલિત છે. જેનો અર્થ થાય છે પ્રત્યેક રોગનો અક્સીર ઉપાય. એવી પણ જાણકારી મળે છે કે 3000 વર્ષ પહેલાં રોમમાં મરણોપરાંત વ્યક્તિ-પશુ-પ્રાણી એટલે કે ‘મમી-પૂતળાંની’ જાળવણીમાં કલોંજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. કલોંજીનું તેલ સૌંદર્ય પ્રસાધનોમાં આગવું સ્થાન ધરાવતું હતું. સૌંદર્ય સામ્રાજ્ઞી મહારાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનું રહસ્ય કલોંજીના તેલને કારણે હતું.
પ્રાચીનકાળમાં એવી માન્યતા હતી કે કલોંજીનો ઉપયોગ કરવાથી શરીર તાકાતવર બનતું. નબળાઈ તેમજ થાકનો અનુભવ દૂર કરવામાં મદદ કરે છે. પાચનતંત્ર, શ્ર્વસનતંત્ર તથા પ્રજનન તંત્રની બીમારીમાં ઉપયોગી બને છે, કેમકે તેમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તેમજ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં, વજનને નિયંત્રણમાં રાખવામાં, હાડકાંના દર્દમાં રામબાણ ઉપાય ગણાય છે.
કલોંજીનું વૃક્ષ 12 ફૂટ લાંબું હોય છે. તેના ફળના બીજનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. કલોંજીના વૃક્ષ મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં જોવા મળે છે. જેને કલોંજીનું ઝાડ કે કલોંજીના બીજના નામથી ઓળખવામાં આવે છે. ઘણા લાંબા સમયથી ભારત, પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં તેનું સેવન સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. બીજનો ઉપયોગ દવા તરીકે ખાસ કરવામાં આવે છે.
ભારતમાં ઉત્તર-પશ્ચિમી ભાગ જેવા કે પંજાબ, હિમાચલ, બિહાર પશ્ચિમ બંગાળ તેમજ આસામમાં કલોંજીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. તેનાં બીજ સુગંધીદાર, દેખાવમાં ત્રિકોણાકાર, રંગે કાળા હોય છે. બીજને હાથથી મસળીએ તો સુગંધિત હોય છે. બીજનો ઉપયોગ વ્યંજનને સ્વાદિષ્ટ બનાવવામાં ખાસ કરવામાં આવે છે.
કલોંજીમાં આયર્ન, સોડિયમ, કૅલ્શિયમ, પોટેશ્યમ, ફાઇબર જેવા વિવિધ મિનરલ્સ તેમજ ન્યૂટ્રિઅન્ટસ્ ભરપૂર પ્રમાણમાં સમાયેલાં હોય છે. કલોંજી માટે એવું કહેવાય છે કે તેમાં 20 પ્રકારના ઍમિનો એસિડ સમાયેલાં હોય છે. જે શરીરને પ્રોટીનની ઊણપથી બચાવે છે. તેમાંથી 9 શરીરમાં નથી બની શકતાં. તેને ભોજન દ્વારા ગ્રહણ કરવા પડે છે. અમાઈનો એસિડ માંસપેશીઓ, મસ્તિષ્ક તેમજ કેન્દ્રિય તંત્રિકા તંત્ર માટે ઊર્જાનું સ્રોત ગણાય છે. કલોંજીનું તેલ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં તેમજ શ્વસનની પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તેમાં લાભકારક ગણાય છે. શરીર માટે એક સારું ઍન્ટિ-ઑક્સિડન્ટ ગણાય છે.
કલોંજીને અંગ્રેજીમાં નાઈજેલા સેટાઈવા કે સ્મૉલ ફૅનલ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં પૃથ્વીકા કે પૃથુ, હિન્દીમાં કાલાજીરા કે મંગરૈલ, કોંકણીમાં કરીજીરે, ગુજરાતીમાં કલોંજી જીરું, તમિળમાં કરૂંજીરાગમ કે કરૂણીએરકમ, તેલુગુમાં નેલ્લાજીલાકૈરા, બંગાળીમાં મોટાકાલીજીરે કે કૃષ્ણજીરા, મરાઠીમાં કાલેજીરે, કલોંજી જીરે, મલયાલીમાં કરીંજીરકમ તરીકે ઓળખાય છે.
કલોંજીના સ્વાસ્થ્યવર્ધક લાભ
ત્વચા માટે ગુણકારી:
કલોંજીમાં ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-ફંગલ ગુણો સમાયેલા છે. જે વરસાદી મોસમમાં ખાસ ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે તેનાથી રાહત આપવામાં મદદ કરે છે. કલોંજીનું પાણી કે તેનું તેલ ત્વચા ઉપર લગાવવાથી ખીલ કે ત્વચા ઉપર અકારણ વધી જતી ખંજવાળથી રાહત આપાવે છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં લાભકારી
સતત બહારનો ચરબીયુક્ત આહાર ખાવાની આદતને કારણે લોહીમાં અચાનક કૉલેસ્ટ્રોલની માત્રા વધી જતી હોય છે. જેને કારણે હૃદયમાં અચાનક દુખાવો, બ્લડપ્રેશર વધવું, કિડનીમાં તકલીફ જેવાં બદલાતી જીવનશૈલીની સાથે માથું ઊંચકતાં રોગની પકડમાં વ્યક્તિ ઘેરાઈ જાય છે.
કલોંજીના બીજનો ઉપયોગ દાળ-શાક-રોટલી-મૂઠિયાં વગેરેમાં કરવાથી વધી ગયેલા કૉલેસ્ટ્રોલને નિયત્રિત કરવામાં મદદ મળે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
વજનને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય આહારની સાથે વ્યાયામ આવશ્યક ગણાય છે. કલોંજીના બીજને શેકીને તેનો ઉપયોગ રાયતું, સલાડ કે સૂપમાં ઉપરથી ભભરાવીને કરી શકાય છે. જેથી તેમાં રહેલાં તત્ત્વો વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કલોંજીમાં રહેલી ફાઇબરની માત્રા લાંબા સમય સુધી વ્યક્તિને ભૂખથી બચાવે છે. જેને કારણે અકારણ કાંઈ પણ ખાવાની આદતથી બચી શકાય છે.
ડાયાબિટીસમાં લાભકારી
ડાયાબિટીસની સમસ્યા હાલમાં ધનિકોની જીવનશૈલીની માટે ખાસ વાત બનતી જાય છે. સતત એરિયેટેડ પીણાં, ચૉકલેટ-કૅક, બિસ્કિટનું સેવન ડાયાબિટીસને ધીમે પગલે શરીરમાં પ્રવેશવાનો મોકો આપે છે. કલોંજીનું સેવન તેમાં રામબાણ ઉપાય ગણવામાં આવે છે. કલોંજીનું તેલ કાળી ચામાં ઉમેરીને પીવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
ભૂલી જવાની બીમારી (ડિમેંશિયા)માં ઉપયોગી
વય વધવાની સાથે વ્યક્તિની યાદશક્તિ અનેક વખત ઓછી થવા લાગે છે. ક્યારેક વ્યક્તિ પોતાના ઘરનો રસ્તો ભૂલી જાય કે અંગત વ્યક્તિના નામ-સરનામું ભૂલી જાય તેવું બને છે. આ બીમારીને ડિમેંશિયા કહેવામાં આવે છે. કલોંજીના બીજનું સેવન યાદશક્તિ વધારવા તેમજ એકાગ્રતા વધારવા માટે ઉપયોગી ગણાય છે.
હાડકાંના દુખાવામાં લાભકારક
સાંધામાં દુખાવો રહેતો હોય કે સાંધામાં સોજા આવતાં હોય તેમને માટે કલોંજીનું સેવન લાભકારક ગણાય છે. કલોંજીના તેલની હળવે હાથે માલિશ કરવાથી દુખાવાથી રાહત મેળવી શકાય છે.
ભારતીય મસાલામાં કલોંજીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. દાળ, શાક, અથાણાંની સાથે રેસ્ટોરાંમાં મળતી નાન, સમોસા કે કચોરીના લોટમાં કલોંજીનો ઉપયોગ ખાસ વાનગીનો સ્વાદ તેમજ સુગંધ વધારવા કરવામાં આવે છે. આયુર્વેદમાં કલોંજી તેમાં સમાયેલા ઔષધીય ગુણોને લીધે જાણીતી છે. તેમાં થાઇમોક્વિન ઍન્ટિ-ઑક્સિડન્ટ તેમજ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા હોય છે જે પાચનશક્તિને સુધારવામાં મદદ કરે છે.
ભરેલાં ભીંડાનું શાક કલોંજીના સ્વાદવાળું
સામગ્રી: 250 ગ્રામ મધ્યમ આકારના ભીંડા, મસાલો બનાવવા માટે : 1 ચમચી વરિયાળી, 1 ચમચી મેથીદાણા, 1 ચમચી કલોંજીનાં બીજ, 1 ચમચી લાલ મરચું, 1 નાની ચમચી આમચૂર પાઉડર, 2 ચમચી ધાણાજીરું, સ્વાદાનુસાર મીઠું, તળવા માટે તેલ, ચપટી હિંગ
બનાવવાની રીત: સૌ પ્રથમ ભીંડાને વ્યવસ્થિત સાફ કરી લેવા. તેમાં વચ્ચેથી કાપ મૂકવો. જેથી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી શકાય. ભરવાનો મસાલો બનાવવા માટે : સૌ પ્રથમ આખા ધાણા, વરિયાળી, કલોંજી, મેથી દાણાને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાં. ત્યાર બાદ તેને વાટીને મસાલો તૈયાર કરી લેવો. થોડાં શેકેલાં કલોંજીના દાણા બાજુમાં રાખવાં. ભીંડામાં તૈયાર કરેલો મસાલો ભરી દેવો. ધીમા તાપે ભીંડાને કડક થાય ત્યાં સુધી પકાવવા. કોથમીર તેમજ કલોંજીનાં બીજથી સજાવીને ગરમાગરમ રોટલી કે દાળ-ભાત સાથે કડક ભીંડાનો આસ્વાદ માણવો.