Tue Jul 21 2026

Logo

મોજની ખોજઃ સમયને તમે સાચવી લો... સમય તમને સાચવશે

2026-07-21 11:13:00
Author: Subhash Thaker
Article Image

સુભાષ ઠાકર

સમયનું ચોસલુ નિરંતર સરકતુ રહે છે, પણ એ સમયને જીવાડે છે કોણ? ઘડિયાળ. હવે આ ઘડિયાળ નામની જેલમાં સેકંડ, મિનિટ અને કલાક નામના ત્રણ આજીવન કેદી પૂરી રાખ્યા છે ને એ કેદી અંદર બેઠા બેઠા દિવસ, માસ, વર્ષ, દાયકા અને સૈકાઓનું રૂપ ધારણ કરે જ જાય છે. સમયને નથી કોઈ શૈશવ, નથી જુવાની કે નથી વૃધ્ધાવસ્થા, પણ સમયની સાથે જીવતા આપણને આ તમામ અવસ્થા લાગુ પડે છે એથી તમારી અવસ્થા આવે એ પહેલાં બધી વ્યવસ્થા કરી લેજો. મેં તો કઈ દીધું પછી કહેતા નઈ કે ભગો બોલ્યો નઈ.

હમણાં ગયા મહિને ‘સમય વોચ કંપની’ની દુકાન આગળ ‘સમયને તમે સાચવી લો તો સમય તમને સાચવી લેશે.’

આવું મધુર વાક્ય વાંચી મેં ઘડિયાળ ખરીદી પણ એક જ અઠવાડિયામાં ટક-ટક કરતી ઘડિયાળ અચાનક અટકી ને મારા મગજની કમાન છટકી. હું ધુવાપુવા થતો પહોંચ્યો ઘડિયાળની દુકાને...

‘તમે તમારા મનમાં સમજો છો શું?’
‘અરે, અમારા મનમાં શું સમજીએ છીએ એ તમને શું કામ સમજાવીએ?’ દુકાનવાળો બોલ્યો.
‘સમજાવવું પડશે, ગામને બનાવવા બેઠા છો?’
‘ગામનું છોડોને... પહેલાં તમારો પ્રોબ્લેમ બોલો.’

‘અરે ઢેફા, મને આવી ઠાઠીયુ-ભંગાર ઘડિયાળ પકડાવી મામો બનાવો છો?’ મારા મનમાં ક્રોધનો ચક્રવાત ફૂકાવા લાગ્યો.
‘શાંત પ્રભુ શાંત. તમારી બહેનને દીકરો આવ્યો ત્યારથી મામા બન્યા છો.’

‘અરે ચૂપ, મારી મજાક ઉડાવી મગજની મેથી ન માર. સમજ્યો? તમે તો ઘડિયાળ વેચો છો કે છીકણી સુંઘવાની ડબ્બીઓ? સાલુ ચાર દિવસથી અંદરના કાંટા સીલીંગ ફેનના પાંખીયાની જેમ એકસાથે ફરતા હતા. બે દિવસ તો સમયને સાચવવા અમારે ત્રણે કાંટા હાથ દ્વારા જાતે ફેરવવા પડ્યા. મને એમ કે બધું સારું થઇ જશે પણ કાલથી તો પકડદાવ રમવા લાગ્યા છે. બોલતા નથી એટલે...’

‘તમે આટલું બોલ્યા પછી બોલો છો કે બોલતા નથી. લાવો, ઘડિયાળ. બોલો શું થયુ છે?’
‘અરે હું ખરીદવા આવ્યો ત્યારે તમે મને ઘડિયાળ ચાલવાની લાઇફટાઈમની ગેરન્ટી આપેલી.’
‘તો ચાલીને? ઘડિયાળ બંધ પડી ત્યાં સુધી ચાલી કે નઈ?’

‘ચાલીને. ચાલતા-ચાલતા તારી દુકાન સુધી આવી ગઈ. જો ભાઈ, પૈસા મફતમાં નથી આવતા. સમજ્યો? હવે જો વધુ માથાકૂટ કરી તો ઘડિયાળની જેમ જ તારી દુકાન બંધ કરાવી દઈશ. સમજ્યો?’ મારામાં હવે પરસુરામની આક્રમકતા પ્રવેશી ચુકી હતી.

‘જુઓ વડીલ, એમ જોરથી રાડો ન પાડો. આવી પ્રચંડ રાડોથી અમારા કાનના પડદા ને આપની સ્વરપેટી બંને ફાટી જાય. પછી ઘડિયાળની જેમ તમારી કાયમી બોલતી બંધ થઈ જાય...’

‘ઓત્તારીની! મને કહે છે રાડો ના પાડો. અરે, રાડો શું તને જ હમણાં પાડી દઈશ. સમજ્યો? અરે ગળું મારું છે, અંદર બેઠેલી સ્વરપેટી મારી છે. ને એમાંથી પ્રગટ થતી પ્રચંડ રાડ પણ આ બંદાની છે. સમજ્યો? હું રાડ પાડું કે ત્રાડ એ મારે જોવાનું છે. સમજ્યો? અરે રાડો ઘડિયાળ ખરીદવાની તાકાત ભલે મારામાં ન હોય પણ રાડો પાડવાની તાકાત સાત પેઢીથી ધરબાયેલી છે. સમજ્યો?’

‘અરે તમે સમજ્યો-સમજ્યો બોલીને મને કેટલું સમજાવશો?’
‘જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી. તેં મને ખરીદતી વખતે લાઇફ ટાઇમ...’

‘અરે કીધેલું. તો? શું કરવું છે? લાઇફટાઇમ તો આપણે પણ બરાબર ચાલતા નથી તો પણ સમાજ આપણને ચલાવે છે કે નઈ? અરે, આપણા ટપકી પડ્યા પછી પણ આપણા વગર પણ જગત ચાલે છે કે નઈ?’

‘હે સંત જ્ઞાનેશ્વર, તું ઘડિયાળ કેમ ન ચાલી એ બોલને. તે કીધેલું કે લાઇફ...’
‘અરે મારા બાપ હું ક્યાં ના પાડુ છું’ દુકાનદાર ભડક્યો.

‘પણ તમે આવ્યા ત્યારે કોરોનાની અસર હતી ને યાદ છે તમે શું કીધેલું, મને ડાયાબિટીસ છે. મને બે એટેક આવી ગયા, કીડની ફેલ છે. તમે તો વળી એમ પણ બોલેલા કે આ બધા રોગોના સ્પેશ્યાલીસ્ટો મારી બીમારી ઉપર ટક્યા છે. મને એમ કે હવે તમે વધુમાં વધુ...એક કામ કરો વળિં ઘડિયાળ લઇ જાઓ. સહી સમય બતાવશે.’

‘અરે ડોબા, જે દેશનો હજી સહી સમય નથી આવ્યો એની ઘડિયાળ તંબુરામાંથી બતાવશે? તારી આ ઘડિયાળની ટક-ટક બંધ થઇ તો મારી ઘરવાળી જોડે કેટલી ટક-ટક થઇ.’

‘જુઓ વડીલ ઘડિયાળ ટક-ટક કરતી જ નથી. ઘડિયાળ તો કટ-કટ કરી સમજાવે છે કે તારા આયખામાંથી એક એક પળ કટ થતી જાય છે. ઘડિયાળ સારી હોય કે ન હોય સમય સારો હોવો જોઈએ. ઘડિયાળ તો બિચારી કેટલા વાગ્યા એ બતાવે. પણ તમારો સમય કેવો છે એ ઘડિયાળ ન બતાવે એ માટે અંદર ડોકિયું કરવું પડે.’

આ વાક્યથી મેં અંદર ડોકિયું કર્યું. ને મને થયુ કે મારો સમય તો સારો છે. એટલે આ જ દુકાનેથી મારા બાપુજીના જન્મદિવસે સારામાં સારી ઘડિયાળ ખરીદી બાપુના હાથમાં મૂકી છતાં ચહેરો ઉદાસ જોઈ મેં પૂછ્યું ‘કેમ બાપુજી? આટલી સુંદર ને મોંઘી ઘડિયાળ હું તમારા માટે લાવ્યો તો પણ તમારો ચહેરો કેમ ઉદાસ છે?’

‘બેટા, ઘડિયાળ તો અફલાતુન છે પણ મારે જે જોઈએ છે એ ક્યારે આપીશ?’
‘અરે બાપુ, અવાજ કરો શું જોઈએ છે?’
‘સમય... તું મારી પાસે થોડીવાર બેસ. ગમે તેટલી કિંમતી ઘડિયાળ કરતાં પણ સમયની કિંમત વધુ છે’ ને બાપુને હું ભેટી પડ્યો. શું કહો છો?