મિતા બાવીસી
અનિદ્રા - ઊંઘ ન આવવી
- સૂતાં પહેલાં ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
- કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
- પીપરી મૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
- કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
- વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
- જાયફળ, પીપરી મૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- બેથી ત્રણ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
- ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવે છે.
- રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.
સોજો - મૂઢમાર
- કડવા લીમડાનાં પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરે છે.
- લવિંગ વાટીને તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
- રાઇ અને સંચળ વાટીને લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.
- હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગવા કે મચકોડાવાથી આવેલો સોજો મટે છે.
- તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.
- મૂળાનાં પાનનો રસ પીવાથી સોજો મટે છે.
- તાંદળજાનાં પાનનો લેપ કરવાથી સોજો મટે છે.
- ધાણાને જવના લોટની સાથે મેળવીને તેનો લેપ કરવાથી સોજો મટે છે.
- આમલીનાં પાન અને સિંધવ - મીઠું વાટીને તેનો ગરમ લેપ સોજા ઉપર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
- મૂઢમાર કે મરડાયેલા હાડકા પર આમલી ને આવળનાં પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજો ઊતરે છે.
- શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુખાવો મટે છે.
- લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.
- સરસિયા કે તેલના તેલમાં થોડો અજમો નાખીને તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.
- મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
- તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે.
- જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજો મટે છે.
- મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે અને લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.
શરદી
- ગરમાગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
- ગરમાગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
- સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
- રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદીમટે છે.
- આદુંનો રસ અને મધ એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
- રાઇને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
- ફુદીનો અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.
- ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
- મરી, તજ અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- લીંબુના રસમાં આદુંનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
- પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
- કાળાં મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
- હળદરનો ધુમાડો સૂંઘવાથી શરદી તરત જ મટે છે.
- રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
- કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- ફુદીનાના રસનાં ટીપાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
- લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી, સળેખમ મટે છે.
- સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
- સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
- સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
- તુલસીનાં પાનનો રસ અને આદુંનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
- તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.
- તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.