રાજેશ યાજ્ઞિક
આપણે જ્યારે શરીર માટે જરૂરી તત્ત્વોની વાત કરીએ ત્યારે મોટેભાગે આપણે વિટામિન્સની જ વાત કરીએ છીએ. આપણે અહીં કેટલાક વિટામિન્સની કમી ઉપર વિસ્તારથી વાત કરી, પરંતુ શરીર માટે જેટલા વિટામિન્સ જરૂરી છે તેટલાં જ જરૂરી એસેન્શીયલ મિનરલ્સ (ખનીજ) પણ છે.
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખનિજો મહત્ત્વપૂર્ણ છે. આપણું શરીર હાડકાં, સ્નાયુઓ, હૃદય અને મગજને યોગ્ય રીતે કાર્યરત રાખવા સહિતના વિવિધ કાર્યો માટે ખનિજોનો ઉપયોગ કરે છે. ઉત્સેચકો (enzymes) અને અંત:સ્ત્રાવો (hormones) બનાવવા માટે પણ ખનિજો મહત્ત્વપૂર્ણ છે.
ખનિજ નાના યોદ્ધાઓ જેવા હોય છે, જે શરીરને કોષોના પુનર્નિર્માણ અને સમારકામ, ઊર્જાના વહન, ચેતાકીય સંકેતોના પ્રસારણ, સ્નાયુઓ અને હાડકાંની મજબૂતી, ઘા રૂઝાવવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અન્ય ઘણી બાબતોમાં મદદ કરે છે.
આપણા શરીરમાં ચાલતી હજારો પ્રકારની પ્રક્રિયા માટે વિવિધ ખનિજોની ચોક્કસ માત્રાની આવશ્યકતા હોય છે. રોજિંદી પ્રવૃત્તિઓ સુચારુ રીતે કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની દૈનિક જીવનશૈલીમાં ખનિજોનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ શું આપણે જાણીએ છીએ કે કયા કયા ખનિજ અનિવાર્ય છે અને કયા ઓછા મહત્ત્વના છે? અને દવાને બદલે ખોરાક દ્વારા આ ખનિજો કેવી રીતે મેળવી શકાય?
શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી માત્રાના આધારે આવશ્યક ખનિજોને બે મુખ્ય જૂથમાં વહેંચવામાં આવે છે: મેક્રોમિનરલ્સ (Macrominerals) અને ટ્રેસ મિનરલ્સ (Trace minerals). સંતુલિત આહાર શરીર માટે જરૂરી તમામ આવશ્યક ખનિજો પૂરા પાડે છે. જો આહાર દ્વારા ખનિજોની જરૂરિયાત પૂરી ન થઈ શકે તો સપ્લિમેન્ટ્સ (પૂરક આહાર) પણ લઈ શકાય છે.
1) કેલ્શિયમ:
કેલ્શિયમ હાડકાં અને દાંત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખનિજોમાંનું એક છે. તે હાડપિંજરને મજબૂત બનાવે છે અને શરીરને મજબૂત તથા સ્થિર માળખું પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે હાડકાંનું નિર્માણ કરે છે, ઘા રૂઝાવવાની પ્રક્રિયામાં સુધારો કરે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, સમગ્ર શરીરમાં ઉત્સેચકો (એન્ઝાઇમ્સ) ને સક્રિય કરે છે અને સ્નાયુઓની હિલચાલમાં મદદ કરે છે.
2.) ફોસ્ફરસ:
કેલ્શિયમની જેમ જ, હાડકાં અને દાંતના નિર્માણમાં ફોસ્ફરસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માનવ શરીર તેના કુલ ફોસ્ફરસના 80 ટકા હિસ્સાનો ઉપયોગ હાડકાંના વિકાસ અથવા તેમના પુનર્ગઠન માટે કરે છે. કોષ અને પેશીના વિકાસ, જાળવણી અને સમારકામ માટે જરૂરી પ્રોટીન બનાવવા માટે પણ તે શરીર માટે આવશ્યક છે. તે ઊર્જાના સંગ્રહમાં પણ મદદ કરે છે.
3.) મેગ્નેશિયમ:
મેગ્નેશિયમ એ સખત અને નરમ પેશીઓ માટે જરૂરી ખનિજ છે. તે માત્ર હાડકાંના બંધારણ માટે જ નહીં, પરંતુ ઉત્સેચકો- (એન્ઝાઈમ્સની) સક્રિયતા, ચેતા અને સ્નાયુઓની કાર્યક્ષમતા, પ્રોટીન સંશ્ર્લેષણ, ઊર્જાની આવશ્યક મુક્તિ, શરીરના તાપમાનના નિયમન અને ચરબી માટે પણ જરૂરી છે.
4) સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ
આ ખનિજો ઇલેક્ટ્રોલાઇટ સંતુલન તેમ જ શરીરમાં પાણીના પ્રમાણ અથવા શારીરિક પ્રવાહીના સંતુલનને નિયંત્રિત કરે છે. જોકે, પોટેશિયમની અન્ય ભૂમિકાઓ પણ છે, જેમ કે હૃદય અને રક્તવાહિનીઓના સ્વાસ્થ્યની જાળવણી અને ચેતાકોષોના કાર્યનું નિયમન.
5.) આયર્ન (લોહતત્ત્વ):
આયર્ન કેટલું મહત્ત્વપૂર્ણ છે તે દરેક વ્યક્તિ જાણે છે. જોકે તે ‘ટ્રેસ મિનરલ્સ’ (અલ્પ માત્રામાં જરૂરી ખનિજો)ની શ્રેણીમાં આવે છે,તેમ છતાં શરીર માટે તેના કાર્યને અવગણવું જોઈએ નહીં. રક્તના ઉત્પાદન, ઓક્સિજનના વહન અને રોગપ્રતિકારક શક્તિના યોગ્ય કાર્ય માટે આયર્ન આવશ્યક છે. આ ઉપરાંત, સ્વસ્થ ઊર્જા ચયાપચય (energy metabolism) અને અમુક દવાઓ કે બાહ્ય પદાર્થો - જેમને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર હોય છે - તેમના ચયાપચય માટે પણ તેની જરૂરિયાત રહે છે.
6.) ટ્રેસ મિનરલ્સ (અલ્પ માત્રામાં જરૂરી ખનિજો):
ઉપરોકત ખનિજો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેમ છતાં અન્ય ‘ટ્રેસ મિનરલ્સ’ને ક્યારેય ભૂલશો નહીં; કારણ કે તે પણ શરીરની ઘણી જૈવિક પ્રક્રિયાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેસ મિનરલ્સ એ શરીર માટે જરૂરી આવશ્યક ખનિજો પૈકીના એક છે. ટ્રેસ મિનરલ્સમાં ઝિંક, ફ્લોરાઇડ, કોપર, મેંગેનીઝ, આયોડિન, સેલેનિયમ અને ક્રોમિયમનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે, ચરબી, લિપિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ઉત્સેચકોના ચયાપચયમાં ઝિંક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. થાઇરોઇડ હોર્મોનના નિયમન અને પરિણામે શારીરિક તથા માનસિક વિકાસ માટે આયોડિન આવશ્યક છે. મેંગેનીઝ એન્ટીઓક્સિડન્ટ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે.
આ આવશ્યક ખનિજો સામાન્ય રીતે સંતુલિત આહાર દ્વારા મેળવવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં, ચોક્કસ પોષક તત્ત્વોની ઊણપ અથવા તબીબી સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓ માટે આરોગ્ય નિષ્ણાતો દ્વારા ખનિજ પૂરક (મિનરલ સપ્લિમેન્ટ્સ) લેવાની સલાહ આપવામાં આવી શકે છે, પણ પહેલા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે.