Tue Oct 06 2026

Logo

નિકાસમાં ઓવરવેલ્યુએશન દર્શાવી 100 કરોડથી વધુનું બોગસ GST રિફંડ મેળવવાનો પર્દાફાશ

2026-09-21 12:01:00
Author: Vimal Prajapati
નિકાસમાં ઓવરવેલ્યુએશન દર્શાવી 100 કરોડથી વધુનું બોગસ GST રિફંડ મેળવવાનો પર્દાફાશ

Ai Image


ભુજ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફરી એક વખત આર્થિક કૌભાંડોના એપીસેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. કાસેઝ સ્થિત એક એકમ દ્વારા નિકાસ થતા માલના મૂલ્યમાં ઓવરવેલ્યુએશન દર્શાવી બોગસ જીએસટી રિફંડ મેળવવાના કરોડો રૂપિયાના રેકેટનો કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સનસનીખેજ ખુલાસા બાદ હવે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા પણ સમાંતર તપાસ તેજ કરવામાં આવતાં વ્યાપારી અને કસ્ટમ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા કસ્ટમ્સની એસઆઈઆઈબી ટીમે બાતમીના આધારે ગુરુવારથી કાસેઝ સ્થિત શંકાસ્પદ એકમમાં સઘન તપાસ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. બે દિવસ ચાલેલી આ પ્રાથમિક તપાસમાં અત્યંત ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી હતી. કૌભાંડી પેઢી દ્વારા સુગંધિત તમાકુના કન્સાઈનમેન્ટમાં તેના મૂળ વાસ્તવિક મૂલ્ય કરતાં આશરે 40 ગણી વધુ કિંમત ચોપડે દર્શાવવામાં આવી હતી.

નિયમ મુજબ સપ્લાય કરેલા માલની કિંમત પર 40 ટકા સુધીનું રિફંડ મળવાપાત્ર હોવાથી, આરોપી કંપનીએ કાગળ પર ઊંચા ભાવ દર્શાવી યુનાઈટેડ આરબ અમીરાત, ઓમાન સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં માલ નિકાસ થયો હોવાનું ઊભું કર્યું હતું. આ મોડસ ઓપરેન્ડી દ્વારા કંપનીએ સરકારી તિજોરીને ચૂનો ચોપડી અંદાજે રૂપિયા 100 કરોડથી વધુનું જંગી જીએસટી રિફંડ ખોટી રીતે મેળવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જાણકારોના મતે, કસ્ટમ અને સંબંધિત તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની છૂપી મિલીભગત વગર આટલા મોટા પાયે ઓવરવેલ્યુએશન દર્શાવી રિફંડ પાસ કરાવી લેવું શક્ય નથી. આ માત્ર એક પેઢીનું કૌભાંડ સપાટી પર આવ્યું છે, પરંતુ આ જ પદ્ધતિથી કાસેઝના અન્ય એકમોએ પણ અબજો રૂપિયાની કરચોરી અને રિફંડ કૌભાંડ આચર્યું હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.

આ દરમિયાન, એસઆઈઆઈબીની કાર્યવાહીને પગલે ડીઆરઆઈ પણ સક્રિય બની છે. ડીઆરઆઈ દ્વારા સંભવતઃ આજ પ્રકારના અન્ય એક કિસ્સામાં રૂપિયા 12 કરોડની કિંમતના તમાકુના જથ્થા સંદર્ભે અલગથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ રેવન્યુ ઇન્ટેલિજન્સની કાર્યવાહી ચાલુ હોવાથી તમામ નિકાસ દસ્તાવેજો, બેંક ખાતાઓ અને વિદેશી વ્યવહારોની ફોરેન્સિક ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)