વડોદરાઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વડોદરામાં અધિકારીને પત્નિ સાથે આડા સંબંધ હોવાની શંકાએ યુવકે ફટકાર્યા હતો. તેમજ કહેવાતી પ્રેમિકાએ ચપ્પુ હુલાવી દીધું હતું.
શું છે સમગ્ર મામલો
મળતી વિગત પ્રમાણે, વડોદરામાં આડા સંબંધની શંકા રાખી ડેપ્યુટી એન્જિનિયર પર દંપતીએ જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ પકડી રાખ્યો પત્નીએ પર્સમાંથી ચપ્પુ કાઢી હુલાવી દીધું હતું. એન્જિનિયરને ઓફિસ બહાર બોલાવી હુમલો કરી લોહીલુહાણ કરતાં ચકચાર મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત એન્જિનિયરને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતા ફરિયાદી રેસકોર્ષ સ્થિત એક કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. 19 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળી આશરે 10.30 વાગ્યે ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની રોજિંદી કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કામ કરતા એક કર્મચારીની પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો. તેણીએ નાણાંની લેતી-દેતીના બહાને હું પૈસા આપવા આવું છું તેમ કહી ઓફિસ નીચે બોલાવ્યા હતા.
ફોન આવ્યાના આશરે 20 મિનિટ બાદ તે અને તેનો પતિ આવ્યા હતા. ત્યારબાદ નીચે જઈને શાંતિથી વાત કરીએ તેમ કહી નજીકમાં આવેલી ગૌતમનગર સોસાયટીના ગેટ પાસે લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી અને તું મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે તેવો આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો.
બોલાચાલી દરમિયાન યુવકે ડેપ્યુટી એન્જિનિયરનો જમણો હાથ કાંડામાંથી મજબૂતીથી પકડી રાખી તેમને હલનચલન ન કરી શકે તે રીતે જકડી લીધા હતા. એ જ વખતે બાજુમાં ઊભેલી યુવતીએ પોતાની હેન્ડબેગમાંથી અગાઉથી છુપાવી રાખેલું ધારદાર ચપ્પુ કાઢી તેના પર જીવલેણ ઘા કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી એન્જિનિયરે જીવ બચાવવા કંપનીની કમ્પાઉન્ડમાં દોડ મુકી હતી. આ સમયે ડ્રાઇવરની નજર પડતાં તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા.