અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીના મેઈલ આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સોમનાથ મંદિર, CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવા આવશે તેવો કોઈ અજાણ્યા શખ્સે મેઈલ કર્યો હતો. અહીં અગાઉથી જ બોમ્બ લગાવી દેવામાં આવ્યો હોવાનો મેઈલમાં દાવો કરવામાં આવ્યો હોવાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ તમામ જગ્યાએ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ આવી અનેક ધમકીઓ ભર્યા મેઈલ આવેલા છે. તેમ છતાં ઘટનાની ગંભીરતાથી જોતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપના કાર્યલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ‘અસલામુ વાલેકુમ, અને અલ્લાહુ અકબર’ લખીને અજાણ્યા શખ્સ દ્વારા આ મેઈલ કરવામાં આવ્યો છે. જેમાં કમલમ્, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સોમનાથ મંદિર, ખાનપુરમાં આવેલ ભાજપના કાર્યલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે જાણ થતાની સાથે પોલીસ,બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. સ્થિતિને ખૂબ જ ગંભીરતા લઈને તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યના સંવેદનશીલ સ્થળોને બોમ્બની ધમકી
આ મેઈલમાં ધમકી આપનાર શખ્સે દેશ વિરોધી સૂત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સંવેદનશીલ સ્થળોને આવી ધમકી મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખતા પોલીસે પણ એલર્ટ મોડમાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કોડ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ અહીંથી કઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. જ્યારે બાકીના સ્થળો પર હજી તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં આ પહેલા પણ આવી અનેક ધમકીઓ મળેલી છે. જેમાં હાઈ કોર્ડ અને શાળાઓને ટાર્ગેટ કરવામાં આવીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી. જોકે, તપાસના અંતે કઈ શંકાસ્પદ મળ્યું નહોતું. આજે ફરી એકવાર ગુજરાતના અનેક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દેવામાં આવી છે.