Tue Jun 16 2026

Logo

ફોકસ પ્લસઃ તમાકુનું વ્યસન છૂટતું કેમ નથી?

2026-06-16 08:04:00
Author: Rekha Deshraj
Article Image

 

રેખા દેશરાજ

આમ તો દારૂના વ્યસન વિશે કહેવાયું છે કે, ‘છૂટતી નથી આ ઝાલિમ મોઢે લાગેલી,’ પરંતુ આ વાત તમાકુ માટે પણ એટલી જ સાચી સાબિત થાય છે. દર વર્ષે 31 મેના રોજ ઊજવવામાં આવતો ‘વર્લ્ડ નો ટોબાકો ડે’ એ વાતની સાક્ષી પૂરે છે કે, છેલ્લા કેટલાક દાયકાઓથી તમામ સરકારો, વિશ્વ આરોગ્ય સંસ્થા અને અનેક સ્વયંસેવી સંસ્થાઓ દર વર્ષે 31 મેના રોજ તમાકુની આદત છોડાવવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. 

અલગ-અલગ ઉપાયો પર ચર્ચાઓ થાય છે, સરકારો દ્વારા નવી યોજનાઓ લાવવામાં આવે છે અને ડૉક્ટરો તેમજ આરોગ્ય સંસ્થાઓ દ્વારા લોકોને આનાથી થતા નુકસાનના ભયાનક આંકડા બતાવીને ડરાવવામાં પણ આવે છે. આમ છતાં, સત્ય તો એ જ છે કે તમાકુનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આના કારણે દર વર્ષે થતા મોતનો આંકડો વધીને 80 લાખથી પણ વધુને વટાવી ગયો છે, પરંતુ લોકોમાં તમાકુની જે લત લાગી ગઈ છે, તે છૂટવાનું નામ જ નથી લઈ રહી.

ખરેખર તો તમાકુની લત એટલી મજબૂત એટલા માટે હોય છે કારણ કે તમાકુમાં રહેલું નિકોટિન એક એવું હાનિકારક અને નશો પેદા કરનારું રસાયણ છે, જે ગણતરીની સેક્ધડોમાં મગજ સુધી પહોંચીને તેનો ઉપયોગ કરનારાઓને ‘ડોપામાઇન ઇફેક્ટ’ આપે છે, એટલે કે તેમને ‘ફીલગુડ’  અહેસાસ કરાવે છે. વાસ્તવમાં નિકોટિન જ એ રસાયણ છે, જેના કારણે અસંખ્ય લોકો લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમાકુથી છુટકારો મેળવી શકતા નથી. 

જોકે, એવું પણ નથી કે કોઈએ ક્યારેય તમાકુ કે ધૂમ્રપાન છોડ્યું જ ન હોય. પરંતુ એ જ વ્યક્તિ આ છોડી શકે છે, જેનામાં જબરદસ્ત વિલ પાવર હોય છે. સામાન્ય લોકો ભલે દર વર્ષે 31 ડિસેમ્બરે એવો સંકલ્પ લેતા હોય કે આ વર્ષે તેઓ ગમે તે ભોગે ધૂમ્રપાન છોડી દેશે, પરંતુ નવા વર્ષનું હજુ એક અઠવાડિયું પણ પસાર નથી થતું ત્યાં તો તેમની પ્રતિજ્ઞા તૂટી ચૂકી હોય છે. કારણ કે નિકોટિન માં જે ‘ફીલગુડ’નું તત્ત્વ હોય છે, તેનું આકર્ષણ એટલું જબરદસ્ત છે કે એકવાર જે વ્યક્તિ તેની પકડમાં આવી જાય તે તેને છોડી જ શકતી નથી અને જો જબરદસ્તી છોડવાનો પ્રયત્ન કરે છ તો ચીડિયાપણું, બેચેની, તણાવ, માથાનો દુખાવો અને એકાગ્રતામાં મુશ્કેલી જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ જાય છે.

પરિણામે અંતે લોકો એવું વિચારવા લાગે છે કે વ્યસન છોડીને આ બધી મુશ્કેલીઓમાં ઘેરાવા કરતાં બહેતર છે કે આ એક જ મુશ્કેલીમાં જીવતા રહીએ અને જેણે એકવાર ધૂમ્રપાન શરૂ કર્યું હોય પછી તે બીડી, સિગારેટ કે હુક્કો પીવાનું હોય, કે ખૈની, જર્દા કે પાન મસાલા ખાવાનું હોય અથવા તો સૂંઘીને લેવાતી છીંકણીનો નશો હોય, એકવાર આનો ચસકો લાગી ગયા પછી બહુ ઓછા લોકો જ આમાંથી છુટકારો મેળવી શકે છે. 

કારણ કે સમસ્યા માત્ર શારીરિક નથી હોતી, પરંતુ માનસિક પણ હોય છે. કેટલાક લોકો કામના દબાણને કારણે, એકલતા સામે ઝઝૂમતા હોવાને લીધે અથવા કોઈપણ પ્રકારની પરેશાનીથી બચવા માટે ધૂમ્રપાનનો સહારો લે છે, તો કેટલાક લોકો માટે તો આ બ્રેક લેવાનું એક સાધન બની જાય છે. ગામડાંઓ અને નાનાં નગરોમાં તો આ એક પ્રકારે સામાજિક આદત અને દબાણ જ બની જાય છે. 

જો 10માંથી 9 લોકો બીડી પી રહ્યા હોય તો દસમો માણસ ન પીતો હોય તો અજીબ લાગે છે, તેથી તેમની દેખાદેખીમાં તે પણ શરૂ કરી દે છે. યુવાનોમાં આ એટલા માટે પણ વધુ ખતરનાક બની ગયું છે, કારણ કે તેમને આ જાળમાં ફસાવવા માટે અથવા ધૂમ્રપાન તરફ આકર્ષિત કરવા માટે બજારમાં અસંખ્ય પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે.

ફ્લેવર્ડ વેપિંગ, આકર્ષક પૅકેજિંગ અને સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે યુવાનોમાં તમાકુ ‘કૂલ’ કે ‘સ્ટાઇલ’ તરીકે રજૂ કરવામાં આવે છે, ખાસ કરીને સિગારેટને. આ જ કારણ છે કે મોટાભાગના સિગારેટ પીનારા લોકોએ કૉલેજના દિવસોમાં અથવા તેનાથી પહેલાં આ પ્રકારના આકર્ષણને લીધે જ તેની શરૂઆત કરી હોય છે. નિષ્ણાતો માને છે કે જો નાની ઉંમરમાં ધૂમ્રપાનની આદત પડી જાય તો તે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે અને બહુ મુશ્કેલીથી છૂટે છે. 

કારણ કે કિશોરાવસ્થા કે શરૂઆતની યુવાવસ્થામાં જ્યારે મગજ સંપૂર્ણપણે વિકસિત નથી થયું હોતું, તે દરમિયાન જો નિકોટિન એટલે કે તમાકુ સંબંધિત ધૂમ્રપાનની લત લાગી જાય તો તે આપણી યાદશક્તિ, એકાગ્રતા, માનસિક સંતુલન વગેરે જેવી ઘણી નાજુક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને શારીરિક સ્થિતિઓને પ્રભાવિત કરે છે. ભારતમાં આજે કરોડો યુવાનો કોઈને કોઈ સ્વરૂપે આ વ્યસનનો શિકાર છે. આ જ કારણ છે કે આપણા દેશમાં સૌથી વધુ થતા મોઢાના કૅન્સરનું મુખ્ય કારણ આ ધૂમ્રપાન જ છે. હાઈ બ્લડ પ્રેશર, ફેફસાંની બીમારી અને ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ સાથે પણ આનો સીધો સંબંધ છે.

ખરેખર તો જ્યારે કોઈને ધૂમ્રપાન આદત લાગી જાય છે ત્યારે માત્ર ઇચ્છાશક્તિના જોરે પણ તેનાથી દૂર નથી જઈ શકાતું અને ઇચ્છાશક્તિ વગર તો તેની કલ્પના પણ કરી શકાતી નથી, કારણ કે નિકોટિનની લત આપણા મગજની સંરચના જ બદલી નાખે છે. આ જ કારણ છે કે જેમને લત લાગી ગઈ હોય છે તેઓ ભલે ગમે તેટલા સમ ખાય, સોમાંથી કોઈ એકાદ વ્યક્તિ જ આ સ્થિતિમાં તમાકુનો વપરાશ છોડી શકે છે. 

સંશોધનો દર્શાવે છે કે સફળ થનારા લોકો એક નહીં, પરંતુ ઘણા સઘન પ્રયાસો અને જબરદસ્ત ઇચ્છાશક્તિના જોરે જ તમાકુને છોડી શકે છે. તેમને આ માટે ઘણા સ્તરો પર કામ કરવું પડે છે. ડૉક્ટર, કાઉન્સિલિંગ અને સામાજિક પ્રોત્સાહનથી જ એવું શક્ય બને છે. એક વાત એ પણ છે કે તમાકુનો નશો એક એવો નશો છે જે માત્ર એક-બે વારમાં જ વળગી જાય છે, પરંતુ તેને છોડવા માટે લગભગ એક વર્ષ સુધી દરેક સમયે સજાગ રહીને પ્રયત્ન કરવો પડે છે, ત્યારે જઈને ક્યાંક આ લત છૂટે છે. 

જ્યારે મોટાભાગના લોકો એવું કરી શકતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે સરકારો ભલે તમાકુ કે ધૂમ્રપાનની લત છોડાવવાનાં મોટાં-મોટાં લક્ષ્યો નક્કી કરે અથવા લોકો ભલે આના પર ગમે તેટલું વિચારે, પણ જ્યાં સુધી દૃઢ ઇચ્છાશક્તિ અને તેને છોડવા માટેના એકસાથે કરાતા વિવિધ પ્રકારના પ્રયાસો ન હોય, ત્યાં સુધી તમાકુ કે ધૂમ્રપાનની લત ખૂબ જ મુશ્કેલીથી છૂટે છે.

તમાકુની લત છોડવાના ઉપાય

*જો આને અચાનક એક ઝટકે છોડવાનો પ્રયત્ન કરશો તો 99.99 ટકા નહીં છૂટે. આને છોડવા માટે પ્રૉપર હોમવર્ક કરો અને છોડવા માટેની એક તારીખ નક્કી કરો. તે તારીખ સુધી ધીમે-ધીમે પહોંચો. 

*એ ખાસ પળોને ઓળખો, જે તમાકુ ખાવા કે પીવાને  ઉશ્કેરે છે. જેમ કે ચા, તાણ, મિત્રોનો સાથ કે ખાલી સમય. એકવાર જ્યારે તમે જાણી જાઓ કે આ પળ તમાકુના બાબતમાં તમારી દુખતી રગ છે, તો તે પળને ટાળવાનો પ્રયત્ન કરો.

*તમાકુ છોડવામાં ડૉક્ટરની સલાહથી નિકોટિન ગમ કે પેચ મદદ કરી શકે છે, પરંતુ આ ઉપાય ડૉક્ટરની દેખરેખ હેઠળ જ અજમાવવામાં આવે ત્યારે જ તે વધુ અસરકારક નીવડે છે.

*જો તમે ચોરીછૂપીથી તમાકુનું સેવન કરો છો અને છોડી શકતા નથી તો પરિવારને આ વિશે જણાવો અને તેને છોડવા માટે તેમના નૈતિક દબાણનો ઉપયોગ કરો.

*તમાકુ છોડવા માટે ક્યારેય પણ એક ઝટકાવાળો ટાર્ગેટ ન બનાવો. 
*નિયમિત કસરત કરવાથી અને સતત હાઇડ્રેટ રહેવાથી પણ તમાકુની તલપ ઓછી લાગે છે.
*જો એકવાર છોડવાનો પ્રયાસ સફળ ન થાય તો હાર ન માનો, ફરી પ્રયત્ન કરો.