રાજકોટઃ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલ (Gill)નો હમણાં ખરાબ સમય ચાલી રહ્યો છે જેમાં તેણે ઈજા ઉપરાંત ખરાબ ફૉર્મનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને ગુરુવારે રણજી ટ્રોફીમાં તો હદ થઈ ગઈ. ગિલ પોતાના બીજા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. અગાઉની જેમ ફરી દમદાર બૅટિંગ કરવા માટે પંજાબ (Punjab)ની ટીમના ગિલને સૌરાષ્ટ્ર સામેની આ મૅચમાં બૅટિંગ-પ્રૅક્ટિસની તાતી જરૂર હતી, પરંતુ સૌરાષ્ટ્રના લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ રમેશભાઈ ભુતે ગિલને એલબીડબ્લ્યૂ કરીને સનસનાટી મચાવી દીધી હતી.
સૌરાષ્ટ્ર (Saurashtra)ના કૅપ્ટન જયદેવ ઉનડકટે પંજાબની ઇનિંગ્સની 20મી ઓવર પાર્થ ભુતને સોંપી હતી. પાર્થે એ ઓવરના ચોથા બૉલમાં જાણીતા ભરોસાપાત્ર બૅટ્સમૅન નેહલ વઢેરા (છ રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. નેહલ આઉટ થતાં કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગમાં આવ્યો હતો. નેહલ પૅવિલિયનમાં પાછા જઈને માંડ બેઠો હશે ત્યાં તો સૌરાષ્ટ્રની છાવણીમાંથી બૂમો સંભળાઈ હતી. એ ચીસ અને બૂમ હતી શુભમન ગિલના આઉટ થવા વિશેની. નેહલ આઉટ થયા પછી ગિલ માંડ એક બૉલ રમ્યો અને બીજા બૉલમાં લેગ બિફોરની અપીલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. સામા છેડે પ્રભસિમરન સિંહ નિરાશ હાલતમાં બધુ જોયા કરતો હતો.
ગિલ હજી થોડા જ અઠવાડિયા પહેલાં ટી-20 ટીમનો વાઇસ-કૅપ્ટન બન્યો હતો, પણ હવે તો ટી-20 ટીમની જ બહાર છે. ટી-20 ટીમમાં તેને ઘણી તક મળી, પણ તે ટીમમાં સ્થાન સાચવી ન શક્યો. હવે તો ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે સસ્તામાં આઉટ થઈ રહ્યો છે. તેનું બૅટ બોલવાનું જ બંધ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર સામેની મૅચમાં તે ખાતું પણ ન ખોલાવી શક્યો.
ગિલ તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે શ્રેણીમાં પણ સારું નહોતો રમી શક્યો. ભારત એ સિરીઝ 1-2થી હારી ગયું અને કિવીઓ પહેલી વખત ભારતની ધરતી પર વન-ડે શ્રેણી જીતવામાં સફળ રહ્યા.