શેરબજારની વધઘટ અને વોલેટિલીટીની અસરને કારણે અનેક નાની-મોટી કંપનીઓ પોતાના આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાને લઈને મુંઝાઈ રહી છે, જેને લીધે તેમની ભંડોળ ઊભું કરવાની અને પ્રોજેકટસમાં રોકાણની યોજના લંબાઈ રહી છે,પાછળ ધકેલાઈ રહી છે.
જયેશ ચિતલિયા
છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો-ટ્રેડર્સ શેરબજારના ટ્રેન્ડની અનિશ્ર્ચિતતામાંથી પસાર થઈ રહ્યા છે. આ અસર આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ)ની માર્કેટ પર પણ પડી છે. આવી કંપની પોતાના આઈપીઓ પ્લાન મોકૂફ કરી રહી છે, અર્થાત મૂડીસર્જનની પ્રક્રિયા મંદ પડી છે તેમ જ નવા બિઝનેસ, જૂના વેપાર-ઉદ્યોગની વિસ્તરણ યોજનાઓ ધીમી પડી ગઈ છે. આ કંપનીઓને ભય છે કે તેમને અત્યારના સમય-સંજોગમાં અપેક્ષિત ભાવ અને પ્રતિભાવ મળશે નહીં.
યુએસ-ઈરાન યુદ્ધના માહોલની અસર ભારતીય અર્થતંત્ર અને બજારો પર વધુ છવાતી જાય છે. હાઈ નેટવર્થ ઈન્ડિવિઝુઅલ ઈન્વેસ્ટરોનો વર્ગ, જેઓ પ્રિ-આઈપીઓમાં રોકાણ કરીને કંપનીઓને આઈપીઓ પહેલાં જ મૂડી ઊભી કરવાનો ટેકો આપતા હોય છે તેવા ‘એચએનઆઇ’ રોકાણનું પ્રમાણ બજારને ચોકકસ સંકેતો આપવા સાથે રિટેલ રોકાણકારોને પણ માર્ગદર્શન આપતા રહે છે. આ ઉપરાંત આઈપીઓની એક પ્રીમિયમ માર્કેટ પણ સમાંતર ચાલતી હોય છે. જ્યાં કંપનીઓના લિસ્ટિંગ પહેલાં જ સોદા શરૂ થઈ જતા હોય છે, આ માર્કેટના સોદાઓ પણ કંઈક અંશે લિસ્ટિંગમાં કેવા ભાવ ખુલશે તેનો અંદાજ આપતા હોય છે. ગુજરાતમાં આ પ્રીમિયમ માર્કેટ નોંધપાત્ર સક્રિય હોય છે. પ્રિ-આઈપીઓ માર્કેટના રોકાણકારો ઉપરાંત આ બિનસત્તાવાર બજારના ખેલાડીઓ પણ હાલ સાવચેત થઈને બાજુએ ખસી ગયા છે, કારણ કે કંપનીઓ કયારે આઈપીઓ લાવશે એની અનિશ્ર્ચિતતા વધી રહી છે.
અનલિસ્ટેડ સ્ટોક્સ
આઈપીઓ અને લિસ્ટિંગ પહેલાંની એક માર્કેટ અનલિસ્ટેડ સ્ટોકસની હોય છે, આમ તો આ કંપનીઓની સંખ્યા અને તેના સોદા કરનારા પણ બહુ મર્યાદિત હોય છે, આ કંપનીઓ વરસે-બે વરસે પણ આઈપીઓ લઈને આવશે એવી ધારણા-અંદાજ કે ખાતરી હોય છે, જેથી આવી કંપનીના શેર્સના અનલિસ્ટેડ માર્કેટમાં સોદા પડતા હોય છે. આ ઈન્વેસ્ટર વર્ગ પાસે મોટી મૂડી હોવાથી લાંબા ગાળાની રાહ જોવાની તેમની તૈયારી હોય છે. અલબત્ત, આ માર્કેટનું નિયમન થતું હોતું નથી. આ સોદામાં નક્કર પ્રાઇસ ડિસ્કવરીને બદલે માત્ર ધારણા અને અંદાજ પર ભાવો કવોટ થાય છે અને છુટાછવાયા સોદા થયા કરે છે.
પ્રિ-આઈપીઓ ને રોકાણકારો
આઈપીઓ માર્કેટની સફળતામાં પ્રિ-આઈપીઓ માર્કેટની ભૂમિકા રહે છે. આ પ્રિ-આઈપીઓ માર્કેટમાં રોકાણ કરતા ઈન્વેસ્ટર્સ પોસ્ટ માર્કેટના માહોલને મજબૂત બનાવે છે.
જો આ રોકાણકારો ઠંડા પડી જાય તો તેની સીધી અસર રિઅલ માર્કેટ પર પડયા વિના રહી શકે નહીં.
આ જ રીતે મજબૂત આઈપીઓ માર્કેટ પ્રિ-માર્કેટને પ્રોત્સાહન આપે છે. જાણકારો કહે છે, અનિશ્ર્ચિતતાના આવા સમયમાં એચએનઆઇ રોકાણકારોને તેમની મૂડી વધુ પડતા લાંબા સમય માટે જામ થઈ જવાનો ભય લાગે તો તેઓ આવા જોખમથી દૂર રહેવાનું પસંદ કરે છે.
આઈપીઓ માર્કેટની મંદીની વધુ અસર સ્ટાર્ટઅપ્સ સાહસો, ન્યુ એજ ઈકોનોમી કંપનીઓ પર પડે છે, કેમ કે તેમના રોકાણમાં જોખમ વધુ હોવા સાથે હોલ્ડિંગનો સમયગાળો પણ લાંબો રાખવો પડે છે.
અગાઉના કેટલાંક ન્યુએજ કંપનીઓના સ્ટોકસના ભાવતાલ જોઈએ તો નાયકા, પીબી ફિનટેક, પેટીએમ (આ કંપની સામેના રિઝર્વ બેંકના આદેશના તાજા સમાચાર તો તમને ખબર જ હશે), સ્વિગી, ફિઝિકસવાલા, ગ્રો, એટર્નલ, મિશો, વગેરેના સ્ટોકસના ભાવ નોંધપાત્ર નીચે ગયા છે. આવા વાસ્તવિક અનુભવો બાદ રોકાણકારો ન્યુ એજ કંપનીઓના શેર્સમાં રોકાણ કરતા બેવાર વધુ વિચારે એ સ્વાભાવિક છે.
પોર્ટફોલિયોની પુન: વ્યવસ્થા
માર્કેટની વોલેટિલિટીના માહોલમાં વેલ્યુએશન નીચે જતા હોવાને કારણે હાલ અનેક એચએનઆઇ રોકાણકારો તેમના રોકાણને અન્ય માર્ગે વાળી રહ્યા છે, કહીએ કે વધુ વિશ્વસનીય અને પ્રવાહી સાધનો તરફ. એક વર્ગ બજારમાં એવો રહ્યો છે, જે આઈપીઓમાં એટલા પૂરતું જ રોકાણ કરે છે કે લિસ્ટિંગમાં ઊંચો ભાવ મેળવીને નફો લઈ નીકળી જાય. બેંકો અમુક મોટા બ્રોકરેજ હાઉસિસ પણ ગ્રાહકોને આઈપીઓ માટે ધિરાણ આપતા હોય છે. આવા અનિશ્ર્ચિતતાના સંજોગોમાં એચએનઆઇ વર્ગ પોતાના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરવાનું અને સેક્ધડરી માર્કેટમાં રોકાણ વધારવાનું પસંદ કરે છે, જેમાં તેમને પ્રવાહિતા ઉપલબ્ધ હોય તેમ જ વળતર માટે લાંબો સમય રાહ જોવી પડે નહીં. મોટાભાગના કેસમાં આ રોકાણકારો લાર્જકેપ ઈક્વિટીઝ વધુ પસંદ કરે છે.
માર્કેટ રિવાઈવલ: કળવું કઠિન
પ્રાઈમરી માર્કેટ પર વરસોથી રિસર્ચ કરતી સંસ્થા પ્રાઈમ ડેટાબેઝના અહેવાલ મુજબ નિયમનકાર સેબીએ 146 જેટલાં આઈપીઓને મંજૂરી આપી છે, જે 2.11 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે હવે આ કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશ માટે કયો સમય યોગ્ય સમજશે તેનો આધાર માર્કેટના મૂડ-સેન્ટીમેન્ટ પર રહેશે. હાલ તો યુએસ-ઈરાનનાં નિવેદનો પર નજર કરતા હાલના યુદ્ધનો તનાવ અંત તરફ કે વધુ ઉગ્ર બનવા તરફ જઈ રહ્યા છે એ કળવું હાલ કઠિન જણાય છે. જોકે માત્ર યુદ્ધ જ નહીં, બલકે હાલ જે વૈશ્વિક ભૂરાજકીય સંજોગો ચાલી રહ્યા છે તે પણ આ તનાવના અંત સાથે પૂરા થવામાં હજી ત્રણ થી છ મહિના લાગી શકે છે. પરિણામે વર્તમાન અનિશ્ર્ચિતતા વચ્ચે આ વરસના અંત આસપાસ જ આઈપીઓ અને પ્રિ-આઈપીઓ માર્કેટના રિવાઈવલની આશા રાખી શકાય.