નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝમાં દરિયાઈ સુરક્ષાને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. શનિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત રહસ્યમય અને યુદ્ધના સંકેતો આપતી તસવીર શેર કરી છે.
આ તસવીરમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ જહાજો (Warships) એકબીજાની સામસામે નૌકાદળના મુકાબલાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, અને ફોટોની અંદર કેપ્શનમાં લખ્યું છે, "આ વાવાઝોડા પહેલાની શાંતિ હતી."
અફવાઓનું બજાર ગરમ
એઆઈ (AI - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલી આ તસવીરમાં ટ્રમ્પ આક્રમક અંદાજમાં એક યુદ્ધ જહાજ પર ઉભેલા જોવા મળે છે, જેમના પાછળ અમેરિકાના નૌકાદળના અધિકારીઓ છે. સમુદ્રમાં ઈરાનના ઝંડાવાળા યુદ્ધ જહાજો છે અને આકાશમાં વીજળીના કડાકા સાથે સમુદ્રમાં મોજા ઉછળી રહ્યા છે, એટલે કે તોફાન આવેલું છે.
આશ્ચર્યની વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ તસવીર સાથે કોઈ સ્પષ્ટતા નથી કરી. તેમણે આ બાબતને સંપૂર્ણપણે લોકોની સમજ અને અર્થઘટન (ઓપન-ટુ-ઇન્ટરપ્રિટેશન) પર છોડી દીધી છે. આંતરરાષ્ટ્રીય બાબતોના વિશ્લેષકો આ પોસ્ટને ઈરાન માટે એક સીધી અને કડક ચેતવણી તરીકે જોઈ રહ્યા છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધૂની)માં છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને ઈરાનના નૌકાદળ વચ્ચે વ્યૂહાત્મક ટકરાવના સમાચારો આવી રહ્યા છે.
આ નૌકાદળના યુદ્ધ જહાજવાળી પોસ્ટ ઉપરાંત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારી તસવીર શેર કરી છે. આ બીજી તસવીરમાં ટ્રમ્પ કોઈ હાઈ-ટેક 'સ્પેસ વોર રૂમ' (અંતરિક્ષ યુદ્ધ નિયંત્રણ કક્ષ) જેવી જગ્યાએ ઉભા રહીને અત્યંત ગંભીરતાથી મોટી સ્ક્રીન પર પરિસ્થિતિની દેખરેખ રાખતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે તેમણે કેપ્શનમાં માત્ર 'સ્પેસ ફોર્સ' (Space Force) લખ્યું છે.
આખી દુનિયામાં વધી ચિંતાઓ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એકપછી એક શેર કરવામાં આવેલી આ તસવીરોએ સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. ભૂતકાળમાં પણ ટ્રમ્પ ઘણી વખત "વાવાઝોડા પહેલાની શાંતિ" જેવા રૂઢિપ્રયોગોનો ઉપયોગ મોટી સૈન્ય કાર્યવાહી અથવા વ્યૂહાત્મક નિર્ણયો લેતા પહેલાં કરી ચૂક્યા છે.
વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી આ પોસ્ટ્સ પર કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી, પરંતુ આ ઘટનાક્રમે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યારે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે.