- સંજય છેલ
ટાઈટલ્સ:
અભાવ આપણો સ્વભાવ બની જાય છે. (છેલવાણી)
ભારત, ખેતીપ્રધાન જ નહીં પણ ‘ફરિયાદપ્રધાન’ દેશ છે. આપણા દેશમાં 140 કરોડ ફરિયાદો, આ દેશમાં વસે-શ્વસે છે. ફરિયાદ ઉર્ફ શિકાયત ઉર્ફ શિકવા વિશે લખાયેલું ગીત ‘તેરે બીના જિંદગી સે કોઈ શિકવા નહીં’ એક જમાનામાં રેડિયો પર આકાશવાણીનું સૌથી લોકપ્રિય ગીત હતું. ભારતીયોની તાસિર છે કે મુઘલ સલ્તનત હોય, અંગ્રેજો હોય કે પછી આઝાદી બાદ સરકાર કોઇ પણ હોય, આપણી અમુક ફરિયાદો એવી ને એવી જ રહે છે. ક્યારેક થાય કે આપણે ફરિયાદ કરવા જ આઝાદ થયેલા કે શું? આમાં પબ્લિકનો વાંક નથી પણ ના બદલાતા સંજોગો સામે, સંગદિલ સરકારો સામે શું ફરિયાદો કરવાની?
ડિસેમ્બર 2024માં પ.બંગાળના જલપાઈગુડીની પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલે એક ‘લેટરબૉક્સ’ મૂકેલું, જેમાં બાળકોને શિક્ષકો કે મધ્યાહન ભોજન વિશેે ફરિયાદ હોય તો લખીને એમાં મૂકે. મહિના બાદ આ લેટરબૉક્સને ખોલ્યું ત્યારે અધધધ 200 પત્રો બાળકોએ કાલીઘેલી ભાષામાં લખેલા. નવાઈની વાત એ હતી કે એકપણ પત્રમાં શાળા વિશેની ફરિયાદ નહોતી. એમાં બાળકોએ પોતાના દિલની વાત લખેલી!
એક બાળકે લખ્યું કે ‘હું સવારે વધારે ઊંઘી શકતો નથી...મમ્મી વઢે છે!’, બીજી ફરિયાદમાં દુ:ખી બાળકે લખેલું: ‘મારાં મમ્મી-પપ્પા રોજ ઝઘડ્યાકરે છે... ઘરે જવાનું મન જ નથી થતું, મને મારાં માબાપથી છૂટાછેડા અપાવો.’ ઘરમાં થતી ઘટનાઓની કેવી નિર્દોષ ફરિયાદો બાળકોના મનમાં ઘર કરી જાય છે.
ફરિયાદમાં બાળકો જ નહીં, પણ વૃદ્ધો પણ કંઈ ઓછા નથી. એક ગામમાં વૃદ્ધ માણસ, સતત વરસાદથી પરેશાન હતો, કારણ કે એના કુંભાર જમાઈનાં માટલાં વરસાદને લીધે સુકાતાં નહીં ને નુકસાન થતું.
વૃદ્ધે ભગવાનને પત્ર લખ્યો: ‘વ્હાલા પ્રભુ, એક અઠવાડિયું વરસાદ બંધ કરો. મારા જમાઈને માટલાં સૂકવામાં તકલીફ પડે છે.’ લેટર મંદિરની દાનપેટીમાં નાખી દીધો અને ખરેખર જ અચાનક બીજે દિવસે વરસાદ સાવ બંધ!
પેલા વૃદ્ધ માણસે ફરી મંદિરે આવીને ફરી નવો પત્ર લખ્યો: ‘પરમકૃપાળુ પ્રભુ, તમે ખરા છો! આમ મારુંં માનીને સાવ વરસાદ અટકાવાતો હશે? અરે, મારો બીજો જમાઈ ખેડૂત છે, એ વરસાદ વિના બરબાદ થઈ જશે. જરા સમજો અંતર્યામી!’
અર્થાત્ ફરિયાદ આપણો ‘સ્થાયીભાવ’ એટલે કે હંમેશાંનો સ્વભાવ છે. પછી કાઈ બાળક હોય, વૃદ્ધ હોય કે જુવાન.
એક જુવાન છોકરો પ્રેમભંગથી દુ:ખી હતો. એને છોડી ગયેલી પ્રેમિકાને ‘ફરિયાદ’ કરતો પત્ર લખ્યો: ‘પ્રિય પ્રિયા, તેં મારું દિલ ચોર્યું અને તારું દિલ ના આપ્યું. અને ઉપરથી મારુંં દિલ લઈને એ પણ પાછું ન આપ્યું!’ પછી એ લેટરને જ્યાં છોકરીને રોજ મળતો, એ કૉફીહાઉસના ‘સજેશન બૉક્સ’માં નાખી દીધો. કેૅફેના માલિકે એ લેટરને ભીંત પર ‘આજ કા સ્પે. આઇટમ’વાળા મેન્યૂબોર્ડ પર ચોંટાડીને જાહેરમાં મૂક્યો.
બીજા અઠવાડિયે, પપ્પુની પ્રેમિકા પ્રિયાએ એ બોર્ડ પર જવાબ લખીને મૂક્યો: ‘મિ.બોરિંગ મજનૂ પપ્પુ, તારી ફરિયાદ મળી. હમણાં મારુંં દિલ સ્ટૉકમાં અવેલેબલ નથી, તારો ઑર્ડર ‘વેઇટિંગ લિસ્ટ’માં છે. ત્યાં સુધી કોઈ નવું દિલ શોધી લે!’
(તા.ક. તારુંં દિલ, મારા સ્ટાંડર્ડ મુજબ બહુ ફાલતુ અને ચાલુ હતું, એને કચરામાં ફેંકી દીધું. પાછું નહીં મળે.) આમ કૉફીહાઉસ, દિલજલા આશિકોનું કમ્પ્લેઇનખાતું બની ગયું.
ઇન્ટરવલ:
કહીં તો હૈ સપના ઔર કહીં તો હૈ યાદ,
કહીં તો હંસી હૈ, કહીં ફરિયાદ. (અમિત ખન્ના)
ઘણાને જીવનોપરાંત જન્મ પહેલાંની ઘટનાઓ વિશેય ફરિયાદ હોય, જેમ કે-માબાપની ભૂલને કારણે ધરતી પર અવતરવું પડ્યું. બીજાં મા-બાપ મળ્યાં હોત તો આજે સારું હોત. (હા, કદાચ સોમાલિયામાં જનમ્યાં હોત તો સુખી હોત!)
વળી સરકારી ખાતું ફરિયાદ નથી સાંભળતું એવું સાવ નથી. 2019માં તામિલનાડુના એક ગામડામાં સુધરાઈની ઑફિસમાં પીવાનું પાણી, ઇલેક્ટ્રિસિટી ને કચરા જેવી સમસ્યાઓ માટે ‘કમ્પ્લેઇન બૉક્સ’ મુકાયું. એક જ અઠવાડિયામાં કમ્પ્લેઇન બૉક્સ ફરિયાદોથી ઊભરાઈ ગયું. એમાં સુધરાઇ સિવાયની ફરિયાદો હતી : પત્નીની ખરાબ રસોઈ વિશે, ખોવાયેલી ભેંસ વિશે, સાસુના ત્રાસ વિશે ફરિયાદો હતી! વળી એક બાળકે ફરિયાદ કરેલી: ‘સ્કૂલમાં હોમવર્ક બહુ આપે છે. શિક્ષકને કોઈ વઢો!’
આપણાં સૌના જીવનમાં સાસબહુની સિરિયલોની લાંબી વાર્તાઓની જેમ ફરિયાદોનો અંત જ નથી આવતો. અરે, આપણે ત્યાં તો ભક્તિ સંગીતમાં ખુદ ઈશ્વરને ફરિયાદ કરતાં કે ધમકાવતાં ગીતો-ભજનો લખાયાં છે તો સરકાર કે સુધરાઈની શું વાત કરવી?
2017માં ઇંગ્લેંડમાં પીટર નામના માણસે નગરપાલિકાને રોડ પરના ખાડાઓ વિશે રમૂજી ફરિયાદ પત્ર લખ્યો. એણે લખ્યું કે, ‘વિંડરમિયર વિસ્તારમાં મોટા ખાડાથી તળાવ બની જાય છે તો એને ‘લેક વિંડરમિયર’ તરીકે જાહેર કરી દો....’વળી એણે રમકડાની ફિશિંગ રોડ સાથે માછલી પકડતો ફોટો પણ મોકલ્યો.
નગરપાલિકાએ ખાડો તો રિપેર કર્યો અને છાપામાં સામો જવાબ આપ્યો: ‘મિ.પીટર, વિન્ડરમિયરનું તળાવ ભરાઈ ગયું છે. પણ કૃપા કરીને શહેરના રસ્તાઓમાં માછલી ન પકડો! ઘરના બાથટબમાં આ મહાન કામ કરો.’
સારું છે કે ઇંગ્લેંડમાં ફરિયાદ સાંભળીને ખાડા રીપેર થયા. બાકી આપણે ત્યાં તો આવી ફરિયાદ કરીએ તો નગરપાલિકાવાળો ખરેખર ખાડાને ‘તળાવ’ જાહેર કરીને લોકલ નેતા દ્વારા ઉદ્ઘાટન કરાવે.
ઇનશૉર્ટ, માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં ‘ફરિયાદજીવી’ લોકો વસે છે.
પણ હા, આપણા લોકોને તો પરમાત્માથી માંડીને પાર્લામેન્ટ સુધી ફરિયાદ કરવી વિશેષ ગમે છે.
એંડટાઇટલ્સ:
આદમ: મારી તારા સામે એક ફરિયાદ છે.
ઇવ: ફરીથી બોલ તો!