ભરૂચ : ગુજરાતના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. જેમાં મંગળવારે વનકર્મી પર હુમલા કેસમાં કોર્ટે તેમને સાત વર્ષની જેલની સજા ફટરકારી હતી. જેની બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણીના કેસમાં ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે.
ચૈતર વસાવાએ જાહેરમાં ગુજરાત પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદનો કર્યા
આ કેસની મળતી વિગતો મુજબ વર્ષ 2024ના જુલાઇ માસમા ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરમાં ગુજરાત પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા.જેની બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી ટિપ્પણીઓ પાયાવિહોણી હતી અને તેનાથી સમગ્ર પોલીસ તંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
ચૈતર વસાવા વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ
આ કેસમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ધારાસભ્યના આક્ષેપો બાદ સત્તાવાર અહેવાલ તૈયાર કર્યો હતો. આ તપાસ અહેવાલના આધારે જ ભરૂચ કોર્ટમાં ચૈતર વસાવા વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ભરૂચ કોર્ટ આ પૂર્વે ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે ચૈતર વસાવા જેલમાં હોવાના ટેકનિકલ કારણસર હાજર રહ્યા ન હતા. તેમજ કોર્ટે આ બાબતને ગ્રાહ્ય પણ રાખી હતી.
પૂરતી તક આપવાનો નિર્ણય કર્યો
તેમજ તેની બાદ કોર્ટે સરકારી વકીલની રજૂઆત બાદ, કોર્ટે આરોપી ધારાસભ્યને ન્યાયના સિદ્ધાંત મુજબ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જૂની મુદત રદ કરીને હવે આગામી 29 જુલાઈની નવી આખરી તારીખ નક્કી કરવામાં આવી છે.