સીસીટીવી અને વીડિયો ફૂટેજના આધારે રેલવે પોલીસે આરોપીની પનવેલથી કરી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં વરસાદને કારણે દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા વિવાદમાં ચાકુના ઘા ઝીંકી બાવીસ વર્ષના પ્રવાસીની હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. ચર્ચગેટથી નાલાસોપારા જનારી ફાર્સ્ટ લોકલમાં મંગળવારે રાતે 10.50 વાગ્યાની આસપાસ ગોરેગામ અને મલાડ સ્ટેશનની વચ્ચે આ ઘટના બની હતી.
ગુનો આચર્યા બાદ ટ્રેનમાંથી ઊતરીને ફરાર થયેલા આરોપીને રેલવે પોલીસે ચોવીસ કલાકમાં નવી મુંબઈના પનવેલથી ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. ટ્રેનમાં હાજર અન્ય પ્રવાસીઓ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં કાળા રંગનાં કપડાં પહેરેલો આરોપી હુમલા બાદ છરો લઇને દૂર જતો નજરે પડે છે અને બોલે છે કે ‘યે માર દીયા ઉસકો, માર દીયા.’
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ મયંક રમેશ લોહાર તરીકે થઇ હોઇ તે વિરાર પૂર્વના ભોઇરપાડા વિસ્તારનો રહેવાસી હતો. તેની હત્યાના કેસમાં પોલીસે આરોપી રોશન સુવર્ણા (45)ની ધરપકડ કરી હતી. મીરા રોડ પૂર્વમાં રહેતો અને મુંબઈ એરપોર્ટ પર સહાર ઍર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે કામ કરતો રોશન સુવર્ણા બારકૉડ પણ બનાવતો હતો. રોશનની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ચર્ચગેટ સ્ટેશથી મંગળવારે રાતના નાલાસોપારા જનારી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં મયંક લોહાર પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે વરસાદને કારણે દરવાજા બંધ કરવાને મુદ્દે રોશન સાથે તેનો વિવાદ થયો હતો. એક પ્રવાસી ઇચ્છતો હતો કે દરવાજા ખુલ્લા રહે, જ્યારે બીજીએ વાંધો ઉઠાવ્યો હતો. બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતાં આરોપીએ છરો (સત્તુ, ધારદાર શસ્ત્ર) કાઢીને મયંકના પેટ અને છાતી પર ઘા ઝીંકી દીધા હતા.
ગોરેગામ અને મલાડ સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટના બાદ આરોપી હાથમાં ચાકુ સાથે ટ્રેનમાં બોરીવલી સ્ટેશન સુધી હતો, પણ તેણે કરેલો હુમલો અને હાથમાં છરો હોવાથી અન્ય પ્રવાસીઓ ગભરાઇ ગયા હતા અને તેને પકડવાની કોઇએ પણ હિંમત કરી નહોતી. ટ્રેન બોરીવલી સ્ટેશન પર રાતે 11.04 વાગ્યે આવ્યા બાદ આરોપી ચાલતી ટ્રેનમાંથી ઊતરી ફરાર થઇ ગયો હતો, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન ટ્રેનમાં પ્રવાસી પર હુમલાની જાણ થતાં જીઆરપી અને આરપીએફના જવાનો તાત્કાલિક ફર્સ્ટ ક્લાસ કોચમાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે સ્ટ્રેચર, પોર્ટર અને તબીબી ટીમ પણ પહોંચી ગઇ હતી. હુમલામાં ઘવાયેલા મયંકને બોરીવલી સ્ટેશન ખાતે ઇમર્જન્સી મેડિકલ રૂમમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને એમ્બ્યુલન્સમાં કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને રેલવે પોલીસ દ્વારા આરોપીની શોધ ચલાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ તેને આધારે આરોપીની શોધ ચલાવી હતી અને ચોવીસ કલાક બાદ આરોપીને પનવેલથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
મયંકના મૃત્યુથી ભાંગી પડેલી માતા, બહેનનો વિલાપ: ‘ફાંસીએ ચડાવો હત્યારાને’
ગોરેગામ અને મલાડ સ્ટેશન વચ્ચે મયંક લોહારની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યાની જાણ થયા બાદ તેની માતા અને બહેન ભાંડી પડી હતી અને તેમણે એક જ માગણી કરી હતી કે ‘હત્યારાને ફાંસીએ ચડાવો.’
મયંકની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાએ કંઇ ખાધું નહોતું, તે ભૂખ્યો હતો. મારો દીકરો કોઇ સાથે ઝઘડો કરે એવી વ્યક્તિ નહોતો. તેને (આરોપી) સજા કરો. મારો દીકરો બિનજરૂરી કામ વિના ઘરની બહાર નીકળતો નહોતો. હું શું કરું? હું ક્યાં જાઉં? એવો વિલાપ માતાએ કર્યો હતો. દરમિયાન મયંકની મોટી બહેને મીડિયા સાથે વાત કરતાં એવા સવાલ કર્યા હતા કે ઘટના સમયે પોલીસ ક્યાં હતી? ટ્રેનમાંના બીજા પ્રવાસી ક્યાં હતા?
મારો ભાઇ ક્યારેય પણ ટ્રેનના દરવાજા પર ઊભો રહીને પ્રવાસ કરતો નહોતો. તમે અમારી રહેણાક ઇમારતમાં કોઇને પણ પૂછી શકો છો. તે કોઇની સાથે પણ લડતો નહોતો. તે યુવાનો હતો અને તેની સામે આખી જિંદગી હતી. આજે મારો ભાઇ મૃત્યુ પામ્યો, કાલે કોઇ બીજાનો ભાઇનું મૃત્યુ થશે, એમ મયંકની બહેને કહ્યું હતું.
જો તેને ફાંસીની સજા નહીં મળે તો આવતી કાલે બીજું કોઇ મૃત્યુ પામશે. હું એ બધા ગુનેગારો માટે કહીં રહી છું જે હથિયાર પોતાની સાથે રાખે છે. આવા હત્યાનો ઉપયોગ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં મંગળવારે રાતે થયો અને મેં મારો ભાઇ ગુમાવ્યો, એમ પણ તેણે જણાવ્યું હતું.
400થી વધુ સીસીટીવી ફૂટેજ, પોલીસની સાત ટીમ
ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં ચાકુના ઘા ઝીંકીને મયંક લોહારની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને પકડવા માટે રેલવે પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની સાત ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસ ટીમોએ બોરીવલી, અંધેરી, મીરા રોડ, નાલાસોપારા રેલવે સ્ટેશનો તથા તેમની આસપાસના વિસ્તારો મળીને 400થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી નજરે પડ્યો હતો અને ફૂટેજને આધારે તેની શોધ ચલાવવામાં આવી હતી. પોલીસ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં મળેલી માહિતીને આધારે આરોપી રોશનને પનવેલથી ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ રેલવેની ટ્રેનમાં આ વર્ષે ઘાતક હુમલાનો બીજો બનાવ
પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં આ વર્ષે હત્યાનો આ બીજો બનાવ બન્યો છે, જેમાં વિરારના રહેવાસી મયંક લોહારે જીવ ગુમાવ્યો હતો. ફેબ્રુઆરી, 2026માં મલાડ સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરવા બાબતે થયેલા વિવાદમાં કોલેજના 32 વર્ષના પ્રોફેસર આલોકકુમાર સિંહની હત્યા કરવામાં આવી હતી. મલાડ પૂર્વના કુરાર વિલેજમાં રહેનારો આલોકકુમાર વિલે પાર્લે ખાતેની એન. એમ. કોલેજમાં મેથમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સનો પ્રોફેસર હતો. આલોકકુમારે સાંજના મલાડ પહોંચવા અંધેરી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી હતી.
ટ્રેન મલાડ સ્ટેશન પર આવી ત્યારે ઊતરવાને મુદ્દે આરોપી ઓમકાર શિંદે સાથે તેનો વિવાદ થયો હતો. ઘરેણાં પોલિશિંગનો કામ કરનારા શિંદેએ આલોકકુમાર પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 12 કલાકમાં આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો.