શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદને કારણે અનેક રૂટ બંધ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદના કારણે પૂંછ અને રાજૌરી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા અનેક કાચા મકાન ઢળી પડ્યા છે. બડગામ જિલ્લામાં એક વિશાળ શોપિંગ કોમ્પ્લેક્સ પત્તાના મહેલની જેમ ઢળી પડતા સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સતત અને સખત વરસાદને કારણે 23 લોકોના મૃત્યુ નીપજ્યા છે.
આખું માર્કેટ પૂરમાં તણાયું
બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાં સુખનાગ નદીમાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તારમાં મોટી તારાજી થઈ છે. નિર્માણાધિન પૂલ ઢળી પડતા રસ્તો પણ ધોવાઈ ગયો હતો. નવનિર્મિત પૂલને પૂરના કારણે મોટું નુકસાન થયું હતું. આ વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યો છે. નદી કિનારે સ્થિત કોમ્પ્લેક્સ પૂરના ગંદા પાણીમાં વહી જતા તારાજી જોવા મળી છે. કોંક્રિટની ઈમારતના પાયા ખસી જતા પૂરના પાણી સાથે કોમ્પ્લેક્સ આખું પાણીમાં વહી ગયું હતું. આ કોમ્પ્લેક્સમાં અલગ અલગ દુકાનો પણ હતી. જે વિડિયો સામે આવ્યો એ કોમ્પ્લેક્સની પાછળની રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કોમ્પ્લેક્સની સામેના વિસ્તારમાં આવેલી દુકાનમાં પણ આ પૂરની માઠી અસર થઈ છે. સ્થાનિકો એકબીજાને કહી રહ્યા છે કે, સમગ્ર માર્કેટથી દૂર ખસી જાવ. આ માર્કેટ પાણી સાથે વહી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વેપારીઓની વ્યાપાર સામગ્રી પાણીમાં વહી ગઈ હતી. ગણતરીની સેકન્ડમાં આખું કોમ્પ્લેક્સ ઢળી પડ્યું હતું.
પૂલ તૂટતા પરિવહન સેવાને અસર
જિલ્લા વહીવટી તંત્રએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની અપીલ કરી છે. પૂલ ઢળી પડતા પરિવહન સેવાને સીધી અસર થઈ છે. રિપોર્ટ અનુસાર ગણતરીની સેકન્ડમાં જ પાણીનું સ્તર વધી ગયું હતું. આ કારણે આસપાસના વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર હોનારત અને સતત વરસાદને કારણે સાત વ્યક્તિઓ લાપતા થયા છે. નુકસાનનો સર્વે કરવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. બડગામના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર પૂલ જ નહીં આસપાસના કેટલાક કાચા મકાનોને પણ મોટું નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર બડગામના ગ્રામ્ય પ્રદેશમાં આભ ફાટતા આટલો વરસાદ થયો છે. આ કારણે સુખનાગ નદીમાં પાણીની સપાટી ઉપર આવી છે. બુધવારે સાંજ સુધીમાં જળસપાટીમાં ઘટાડો થયો પણ પરિવહન સેવાને ફરીથી શરૂ કરવામાં આવી નથી. પૂંછ, રજૌરી, બડગામ અને અનંતનાગમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે.
નેશનલ હાઈવે પર ભૂસ્ખલન
બાંદીપોરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટવાની ઘટનાને કારણે આટલો વરસાદ પડ્યો છે. સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.વધારે પડતા વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે તો બીજીતરફ ખેતી અને અનેક મકાનને નુકસાન થયું છે. કારગીલ વિસ્તારમાં પણ સતત વરસાદને કારણે સર્વત્ર સ્થિતિ જળબંબાકાર થઈ ગઈ છે. અહીંયા કોઈ લાપતા થયું હોય એવા કોઈ વાવડ નથી. પૂંછ જિલ્લાના લોરન વિસ્તારમાં એક મકાન ઢળી પડતા 2 બાળકો અને 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજૌરી વિસ્તારમાં સતત વરસાદના કારણે જે લોકો લાપતા થયા છે એને શોધવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થવાના કારણે વાહનવ્યહારમાં મોટી બ્રેક લાગી છે. ખાસ કરીને ખાણી-પીણી સામગ્રી લઈને જતા અનેક ટ્રકને સીધી અસર પહોંચી છે.