Wed Jul 22 2026

Logo

અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની લાલ આંખ: 2 વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક, નિયમો થયા કડક

2026-07-22 19:05:04
Author: Mumbai Samachar Team
Article Image

ગેરકાયદે કન્ટેન્ટ 3 કલાકમાં દૂર કરવું અનિવાર્ય, બાળકોની ઓનલાઈન સુરક્ષા અને ડીપફેક સામે સરકારે ઝીરો ટોલરન્સ પોલિસી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અશ્લીલ અથવા બાળકો માટે હાનિકારક ડિજિટલ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ભારતમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. 

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ જણાવ્યું હતું કે વાંધાજનક કન્ટેન્ટ પ્રદર્શિત કરતા પ્લેટફોર્મ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના મતે ઍક કાર્યવાહી પાછળનો  તેમનો ઉદ્દેશ ઇન્ટરનેટને પારદર્શક, સલામત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો છે, જેનાથી બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત  રહે.

સોશિયલ મીડિયા પરના નિયમો બનાવ્યા કડક

આ કાર્યવાહી IT કાયદાની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 અને મહિલાઓનું અશોભનિય પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, 1986 હેઠળ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ફરિયાદો મળ્યા પછી સંબંધિત OTT પ્લેટફોર્મ અને અન્ય મધ્યસ્થી સામે નિયમિતપણે કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં, સોશિયલ મીડિયા કંપનીઓ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. 

સંવેદનશીલ કેસ માટે સમયગાળો ઘટાડો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હવે કોર્ટ અથવા સરકાર તરફથી આદેશ મળ્યાના ત્રણ કલાકની અંદર ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવું પડશે. અગાઉ, તેમને 36 કલાકની મંજૂરી આપવામાં આવતી હતી. સામાન્ય ફરિયાદોના નિરાકરણ માટેની સમયમર્યાદા 72 કલાકથી ઘટાડીને 36 કલાક અને સંવેદનશીલ કેસ માટે 24 કલાકથી ઘટાડીને 2 કલાક કરવામાં આવ્યો છે.

ફરિયાદ પછી બે કલાકમાં સામગ્રી દૂર કરવાની

સરકારે CSAM (બાળ જાતીય શોષણ સામગ્રી), ડીપફેક્સ અને સંમતિ વિના શેર કરવામાં આવતાખાનગી ફોટાઓ અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અપનાવી છે. નગ્નતા, મોર્ફ કરેલા ફોટા અથવા ખાનગી ફોટાઓ અંગે ફરિયાદ મળ્યા પછી પ્લેટફોર્મ્સે બે કલાકની અંદર સામગ્રી દૂર કરવી અથવા બ્લોક કરવી જરૂરી છે. 

બાળકોના ડેટા માટે માતાપિતાની સંમતિ ફરજિયાત

વધુમાં, AI-જનરેટેડ ડીપફેક્સ અને સિન્થેટિક સામગ્રીને સ્પષ્ટ રીતે લેબલ કરવા અને તેમના મેટાડેટાને સાચવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. બાળકોની ઓનલાઈન સલામતીને પ્રાથમિકતા આપતા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળ બાળકોના ડેટાની પ્રક્રિયા કરવા માટે માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. ઓનલાઈન ટ્રેકિંગ, વર્તણૂકીય દેખરેખ અને બાળકો પર નિર્દેશિત લક્ષિત જાહેરાતો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

સાયબર ધમકીઓના કિસ્સાઓમાં વધારો 

યુવાનોમાં વધતા ડિજિટલ વ્યસનને રોકવા માટે, સરકારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન એક્ટ, 2025 રજૂ કર્યો છે. આર્થિક સર્વે 2025-26 અનુસાર 15 થી 29 વર્ષની વયના યુવાનોમાં ડિજિટલ વ્યસન એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર બની ચૂક્યું  છે. તે શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે, જ્યારે અનિદ્રા અને સાયબર ધમકીઓના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. 

ઓનલાઈન જુગાર અને નાણાકીય નુકસાન સાથે સંકળાયેલા જોખમો વધ્યા છે. ISEA પ્રોજેક્ટ હેઠળ, સરકારે 6,650 સાયબર જાગૃતિ વર્કશોપ યોજ્યા હતા, જેમાં 11.37 લાખથી વધુ લોકો જોડાયા હતા. શાળાઓ, કોલેજો, પોલીસ અને સામાન્ય લોકો માટે બાળકો માટે પોસ્ટર, વિડિઓઝ, હેન્ડબુક અને કાર્ટૂન વાર્તાઓ જેવા સંસાધનો વિકસાવવામાં આવ્યા છે.

'સેફ હાર્બર' કાનૂની રક્ષણ ગુમાવશે 

સરકારે ચેતવણી આપી છે કે કોઈપણ સોશિયલ મીડિયા અથવા ડિજિટલ પ્લેટફોર્મ IT નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેઓ આઈટી કાયદાની કલમ 79 હેઠળ આપવામાં આવેલ 'સેફ હાર્બર' કાનૂની રક્ષણ ગુમાવશે અને તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. CERT-In, CBSE અને NCERT પણ સાયબર સુરક્ષા અને બાળકોની ઓનલાઈન સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે. 

નિયમોના પાલનની પણ થશે ચકાસણી

સરકારનું કહેવું છે કે સાયબર ક્રાઈમ, અશ્લીલ સામગ્રી અને ડીપફેક દ્વારા ઉભા થતા વધતા જોખમોને ધ્યાનમાં રાખીને આવા કડક પગલાં આવશ્યક છે. ભવિષ્યમાં દરેક માટે સુરક્ષિત ઇન્ટરનેટ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે.