ભરત ભારદ્વાજ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની શિખર પરિષદમાં ભાગ લેવા કિર્ગિસ્તાન ગયા છે. કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં ચાલી રહેલી એસસીઓની બેઠકમાં મોદી ઘણા બધા નેતાઓને મળ્યા ને તેમાં એક ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેકિશ્યન પણ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાની શિખર બેઠકોમાં દેશોના વડા એકબીજાને મળે એ બહુ સામાન્ય વાત છે પણ અમેરિકાને મોદીની મસૂદ પેઝેકિશ્યન સાથેની મુલાકાતથી મરચાં લાગી ગયાં છે. અમેરિકાએ ભારતને ખુલ્લી ધમકી આપી છે કે, કોઈ પણ દેશ ઇરાનની સાથે વેપાર કરશે તો તેનું આવી બનશે અને અમેરિકા તેના પર પણ પ્રતિબંધો ઠોકી દેશે. અમેરિકાએ સીધું ભારતનું નામ નથી લીધું પણ મોદીની મસૂદ સાથેની મુલાકાત અંગે સવાલના જવાબમાં અમેરિકાનું રીએક્શન આવ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે, આ ધમકી ભારત માટે જ છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતને આડકતરી રીતે ધમકી આપી છે કે, ઈરાન સાથે આર્થિક સંબંધો મજબૂત કરી દીધો તો અમે ભારતને બરબાદ કરી દઈશું. કોમિક વાત પાછી એ છે કે, રૂબિયોએ સ્વીકાર્યું કે દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે પણ ઈરાન સાથે આર્થિક સંબંધો વધાર્યા તો આવી બનશે.
રૂબિયોના કહેવા પ્રમાણે, ઈરાન સાથે વેપાર કરવાનો અર્થ ઈરાનને આર્થિક મદદ કરવી એવો થાય છે અને ઈરાન પાસે નાણાં આવશે તો તેનો ઉપયોગ આતંકવાદ માટે થશે તેથી કોઈ દેશે ઈરાનને કમાણી થાય એવા કોઈ રસ્તા ન બતાવવા જોઈએ કે એવા કરાર ના કરવા જોઈએ. ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપી શકે અથવા પરમાણુ હથિયારો બનાવી શકે એ માટે આર્થિક સહયોગ કર્યો તો અમેરિકાએ આ દેશ પર પ્રતિબંધો લગાવવા પડશે.
રૂબિયોએ આપેલી ધમકી અમેરિકાની નાગાઈનો વધુ એક નાદાર નમૂનો છે. અમેરિકા પોચું ભાળે ત્યાં આંગળી ઘોંચીને દબાવવામાં માને છે ને અત્યારે ભારત સાથે એ જ કરી રહ્યું છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) દસ સભ્ય દેશોનું રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંગઠન છે.
રાજકીય, આર્થિક, સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર માટે રચાયેલા આ સંગઠનમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ એમ 10 સભ્યો છે. બીજા ઘણા દેશો આ સંગઠનમાં જોડાવા થનગનતા હતા પણ ઈરાન જોડાતાં અમેરિકાના ડરે તેમનો થનગનાટ ઓસરી ગયો. એ અલગ મુદ્દો છે ને આપણે વાત અમેરિકાની નાગાઈની કરતા હતા.
અમેરિકાની નાગાઈ એ છે કે, બીજા 10 દેશો ખુલ્લેઆમ ઈરાનની તરફેણ કરી રહ્યા છે અને ઈરાનના શાસકોને મળી રહ્યા છે પણ અમેરિકાની તેમની સામે બોલવાની કે કશું કરવાની હિંમત નથી. ચીનના પ્રમુખ શી જિનપિંગ તો મોદીની મસૂદ પેઝેકિશ્યન સાથેની મુલાકાત પહેલાં મળ્યા હતા પણ અમેરિકાની તાકાત નથી કે ચીન સામે કશું કરી શકે.
ચીન તો રાક્ષસ છે એટલે તેનાથી અમેરિકાને ડર લાગતો હોય એ સમજી શકાય પણ પાકિસ્તાનને સુધ્ધાં અમેરિકા કંઈ કહેતું નથી. પાકિસ્તાને બે અઠવાડિયાં પહેલાં જ ઈરાન દ્વિપક્ષી ચર્ચા કરી ત્યારે અમેરિકા સાવ ચૂપ હતું પણ જેવા મોદી મસૂદને મળ્યા કે તરત અમેરિકા ઉછળવા માંડ્યું.
અમેરિકાની નાગાઈની ચરમસીમા એ છે કે, એસસીઓ સમિટે ઈરાનની ખુલ્લી તરફેણ કરીને અમેરિકા દ્વારા ઈરાન પર થઈ રહેલા હુમલાની ઝાટકણી કાઢતો ઠરાવ પસાર કર્યો છે. ઈરાનને પોતાની સીમાનું રક્ષણ કરવાનો અધિકાર છે એવું એસસીઓના દેશોએ સાફ શબ્દોમાં કહ્યું છે ને ઈરાનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપતો ઠરાવ કર્યો છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાઈ રહેલા ઈરાન પરના લશ્કરી હુમલા અને અમેરિકા દ્વારા લદાયેલા એકતરફી આર્થિક પ્રતિબંધોની ઝાટકણી કાઢતો ઠરાવ પણ પસાર કર્યો છે.
આ ઠરાવ અમેરિકાની સર્વોપરિતાને પડકારે છે ને ખુલ્લી ચેલેન્જ જ આપે છે કે, તમારી દાદાગીરી હવે કોઈ સહન નહીં કરે અને બીજું કોઈ હોય કે ના હોય પણ એસસીએના દેશો તો ઈરાનની પડખે જ છે. અમેરિકામાં તાકાત હોય તો સૌથી પહેલાં તેણે ચીન, પાકિસ્તાન સહિતના દેશો પર આર્થિક પ્રતિબંધ લાદી દેવા જોઈએ પણ અમેરિકામાં એ તાકાત નથી. પાકિસ્તાન તેનું પીઠ્ઠ છે જ્યારે ચીન સાથેના આર્થિક વ્યવહારો બંધ કરે તો તેનું પોતાનું જ અર્થતંત્ર તૂટી પડે તેથી તેમની સામે ચૂપ છે જ્યારે ભારતને દબડાવે છે.
અમેરિકા ભારતને દબડાવી જાય છે કેમ કે આપણે અમેરિકાથી ડરીને ચાલી રહ્યા છીએ. અમેરિકાના કહ્યાગરા બનીને આપણે રશિયા અને ઈરાન સહિતના દેશો સાથેના આર્થિક વ્યવહારો કાપી રહ્યા છીએ. આ દેશો સાથેના વ્યવહારો ભારત માટે ફાયદાકારક હોવા છતાં આપણે અમેરિકાને ખુશ કરવા માટે સંબંધોમાં કાપ મૂકી દીધો છે. તેના કારણે અમેરિકા એવું જ માનતું થઈ ગયું છે કે, ભારત તો આપણું આંગળિયાત છે ને આપણે કહીશું એમ જ કરશે.
મોદી સરકારે અમેરિકાનો આ ભ્રમ ભાંગવાની જરૂર છે ને અમેરિકાને અહેસાસ કરાવવાની જરૂર છે કે, ભારત પાકિસ્તાન કે સઉદી અરેબિયા નથી કે અમેરિકા તેને પોતાની આંગળી પર નચાવી શકે, આ દેશના વડા પ્રધાન કોઈને મળે તેની સામે ધમકી આપી શકે. મોદી 150 કરોડની વસતી ધરાવતા દેશના વડા પ્રધાન છે ને તેમણે કોણે મળવાનું ને કોને નહીં મળવાનું એ અમેરિકા નક્કી ના કરી શકે, મોદી નક્કી કરશે કે મારે કોને મળવું છે.
ભારતે કોની સાથે આર્થિક સંબંધો રાખવા ને કોની સાથે નહીં રાખવા એ પણ અમેરિકા નક્કી ના કરી શકે પણ ભારતની પ્રજાએ ચૂંટેલી મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્કી કરશે. ભારતે આ વાત સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને સમજાવવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણને ધમકી આપતાં પહેલાં સો વાર વિચાર કરે.
અમેરિકા પોતાનાં હિતોની વાત કરે ત્યારે કોઈનો વિચાર કરતું નથી. અમેરિકાના પ્રમુખ ઈરાન કે વેનેઝુએલા પર હુમલા પણ કરી નાખે છે ને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ ઉન જોંગને પણ મળે છે. ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને પણ એ થાબડભાણાં કરે છે ને તૂર્કી જેવા હળાહળ ભારત વિરોધી દેશને પણ પંપાળે છે. ભારત તેની સામે બોલે તો અમેરિકા ભારતને ગણકારતું નથી. ભારતે પણ એ જ મિજાજ બતાવવાની જરૂર છે, અમેરિકાને તેનો પરચો આપવાની પણ જરૂર છે. ખાલી આપણે વિશ્વગુરૂ છીએ એવું કહ્યા કરવાથી ના ચાલે, એવો મર્દાના મિજાજ પણ બતાવવો પડે.