(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી અંગ્રેજી વિભાગના વડા કમલ મહેતા અને કોંગ્રેસી અગ્રણી તથા બી.એડ કોલેજના પ્રિન્સિપાલ નિદત બારોટ વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ છેડાયુ છે. એક વર્ષ પહેલા પ્રાધ્યાપકના વોટ્સએપ ગ્રુપમાં નામજોગ સામે આક્ષેપો થયા ત્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે. અંગ્રેજી વિભાગના વડા કમલ મહેતાનો આક્ષેપ છે કે, નિગત બારોટ ની નિમણૂક યુજીસીના નિયમ પ્રમાણે થઈ નથી. સામે નિગત બારોટ કાઉન્સિલના નિયમો જણાવી નિમણૂકને યોગ્ય ઠેરવે છે. જેને લઈને આ વિવાદ શરૂ થયો છે.
શું છે આ વિવાદનું મૂળ કારણ?
કમલ મહેતાના આક્ષેપ પ્રમાણે નિદત બારોટની નિમણૂક સદંતર ખોટી છે. જેથી નિદત બારોટે આ અરજીને પડકારતા પચાસ લાખનો માનહાનિનો દાવો કરવા નોટિસ પાઠવી છે. નિદત બારોટ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોઈ પણ કોલેજમાં નથી છતાં તેમનો દબદબો કાયમ હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વખત પોતાના શિક્ષણ માટે વખણાતી હતી અને એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ તૈયાર થતું. હાલ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ફાફા પડે તેવી પરિસ્થિતિ છે તેને માટે જવાબદાર કોણ?
યુનિવર્સિટીમાં રાજકીય વિવાદ સદાય ઉગ્ર કેમ રહે છે?
પ્રશ્ન એ છે કે, આ સ્થિતિમાં વાઈસ ચાન્સેલરની ભૂમિકા શું હોઈ શકે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાયાના પ્રશ્નો સિવાય રાજકીય અખાડો બની ગઈ હોય તેવો માહોલ સર્જાયેલો રહે છે. મૂળ પ્રશ્રોનું સમાધાન કરવાની જગ્યા યુનિવર્સિટીમાં રાજકીય વિવાદ સદાય ઉગ્ર રહેતો હોય છે. તેમ છતાં પણ વાઈસ ચાન્સેલર દ્વારા કોઈ કાર્યવાહી કે નકર પગલા લેવામાં આવતા નથી.
વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નો, જેનો કોઈ ઉકેલ નથી આવ્યો
1. પરીક્ષાઓમાં અસહ્ય વિલંબ – જે સેમેસ્ટરની પરીક્ષાઓ 5-6 મહિનામાં લેવાવાની હોય છે તે 11-12 મહિના સુધી પણ લેવામાં આવતી નથી.
2. પરિણામો જાહેર કરવામાં ભારે વિલંબ – પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ પરિણામ જાહેર કરવામાં 7થી 8 મહિના જેટલો સમય લાગે છે.
3. પેપરનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન થતું નથી – અનેક વિદ્યાર્થીઓને રી-ચેકિંગ અને રી-અસેસમેન્ટનો સહારો લેવો પડે છે.
4. રેગ્યુલર પરીક્ષાઓના 70થી વધુ પરિણામો અને રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો લાંબા સમયથી બાકી છે.
5. પરીક્ષા આપી હોવા છતાં વિદ્યાર્થીઓને પરિણામમાં ‘Absent’ દર્શાવવાના કિસ્સાઓનો આજદિન સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.
6. પ્રોફેસરો અને શૈક્ષણિક સ્ટાફની પૂરતી ભરતી ન થતાં શિક્ષણ અને સંશોધનની ગુણવત્તા પર અસર થઈ રહી છે.
7. વહીવટી સ્ટાફની અછતને કારણે વિદ્યાર્થીઓના કામો અને ફાઇલોનો સમયસર નિકાલ થતો નથી.
8. વર્ષોથી તૈયાર નવી લાઇબ્રેરીનું મકાન હજુ વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરવામાં આવ્યું નથી.
9. કેમ્પસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ – પરીક્ષા વિભાગ પાસે પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ અપૂરતી છે.
10. યુનિવર્સિટીની હેલ્પલાઇન અને વિદ્યાર્થી સહાય વ્યવસ્થા અસરકારક નથી – વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી અને સમયસર જવાબ મળતા નથી.