Thu Aug 27 2026

Logo

ભારતે ઈંધણના સ્રોત વિકેન્દ્રિત કરવાની જરૂરઃ નીતી ઉપાધ્યક્ષ

2026-06-24 20:00:48
Author: Ramesh Gohil
ભારતે ઈંધણના સ્રોત વિકેન્દ્રિત કરવાની જરૂરઃ નીતી ઉપાધ્યક્ષ

મુંબઈઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય વિવાદને કારણે સ્થાનિકમાં ક્રૂડતેલ જેવા ઈંધણના પુરવઠાની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ આ સમસ્યાએ આપણને એક બોધપાઠ આપ્યો કે ભારતે તેનાં ઈંધણની આવશ્યકતા માટેના સ્રોતને વિકેન્દ્રિત કરવા જોઈએ, એમ નીતી આયોગના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહીરીએ જણાવ્યું હતું. 

તાજેતરમાં નીતી આયોગે તેનાં `ટ્રેડ વૉચ ક્વાર્ટરલી'ની આઠમી આવૃત્તિ પ્રકાશિત કરતાં લાહીરીએ વધુમાં જણાવ્યું હતું મને આશા છે કે ભારત અને અમેરિકા વહેલી તકે દ્વિપક્ષીય વેપાર કરાર પર સહીસિક્કા કરશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નીતી આયોગે એવી પણ ભલામણ કરી છે કે જ્યારે ભારત કોઈપણ દેશ કે જૂથ સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટ કરે ત્યારે તેમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું પ્રકરણ પણ તેમા ઉમેરે. 

વધુમાં તેમણે પશ્ચિમ એશિયાની કટોકટીને તાવ સાથે સરખાવતા કહ્યું હતું કે તમને તાવ છે, પરંતુ તે ઈન્ફ્લ્યુએન્જા હોય તો ચિંતા નથી થતી કેમ કે ત્રણ દિવસમાં તમે સાજા થઈ જશો. પછી તમને ખબર પડે કે આ તો ટાયફોઈડ અથવા તો  કમળો છે તો તમને ચિંતા થશે. આમ પશ્ચિમ એશિયાની કટોકટી ઈન્ફ્લ્યુએન્જા છે. 

ગત 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યા હતા અને ત્યાર બાદ ઈરાને પણ વળતા હુમલા કરવાની સાથે જ્યાંથી વૈશ્વિક સ્તરે ક્રૂડતેલ અને કુદરતી ગૅસના એક પંચમાશ જેટલા પુરવઠાની હેરફેર થતી હતી તે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી નાખ્યો હોવાથી સ્થાનિક સ્તરે ટૂંકા સમયગાળાની પુરવઠાની સ્થિતિ ખોરવાઈ જતા સમસ્યા સર્જાઈ હતી... પરંતુ આ સમસ્યા આપણને થોડા પદાર્થપાઠ શીખવી ગઈ કે એક જ શીકામાં બધા ઈંડાં ના રાખવા જોઈએ. તે જ પ્રમાણે આપણે આયાતની સાથે સાથે નિકાસના સ્રોત પણ વિકેન્દ્રિત કરવા જોઈએ.

નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી નાકાબંધી દૂર કરી હતી અને કામચલાઉ કરાર અંતર્ગત ટેન્કરોની હેરફેરને મંજૂરી આપી હતી.