અમદાવાદ: ગુજરાત રાજ્ય GST વિભાગે ₹ 128 કરોડથી વધુના બનાવટી વ્યવહારો સાથે સંકળાયેલા એક છેતરપિંડીભર્યા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેમજ આ કૌભાંડ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ અંગે જીએસટી વિભાગને ચોક્કસ માહિતી અને ત્યારબાદના વિશ્લેષણના આધારે વિભાગે 16 જૂન 2026 ના રોજ જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગરમાં મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપની સહિત 22 કંપનીઓ સામે સંકલિત શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન, વિભાગે જામનગરથી મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની 23.08 કરોડથી વધુની કરચોરીમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
આ તપાસમાં બહાર આવ્યું છે કે પેઢીએ પિત્તળ અને તાંબાના ભંગારની બોગસ ખરીદીઓ રેકોર્ડ કરીને અને તે બિન-અસલી વ્યવહારોના આધારે બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને મોટા પાયે કરચોરી કરી હતી. પ્રારંભિક પૂછપરછ સૂચવે છે કે મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપનીએ ₹128 કરોડથી વધુના બનાવટી વ્યવહારો દર્શાવ્યા હતા.
GST કાયદાની કલમ 132 હેઠળ ગુનો
ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો ઉપયોગ GST કાયદાની કલમ 132 (1)(c) અંતર્ગત ગુનો બને છે, જ્યારે ITC પાસ કરવા માટે નકલી ઇન્વોઇસ જારી કરવા એ GST કાયદાની કલમ 132 (1)(b) અંતર્ગત ગુનો બને છે. બંને આરોપીઓની સ્પષ્ટ સંડોવણી સ્થાપિત કર્યા પછી, વિભાગે વધુ તપાસને સરળ બનાવવા માટે તેમની ધરપકડ કરી હતી. જેમ જેમ તપાસ આગળ વધે છે, વિભાગને અપેક્ષા છે કે વધુ કરચોરી અને વધારાની બાકી GST જવાબદારીઓ પ્રકાશમાં આવી શકે છે. રાજ્ય કર વિભાગ આ બાબતમાં સરકારી મહેસૂલનું રક્ષણ અને વસૂલાત કરવા માટે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી રહ્યું છે.
વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતીનું રક્ષણ કરવા વિનંતી
રાજ્ય GST વિભાગ તમામ નાગરિકો અને કરદાતાઓને અપીલ કરે છે કે તેઓ સંવેદનશીલ દસ્તાવેજો - જેમ કે આધાર, PAN,GST નોંધણી વિગતો, બેંક ખાતાની માહિતી અથવા અન્ય ગુપ્ત રેકોર્ડ - અજાણ્યા અથવા અનધિકૃત વ્યક્તિઓ સાથે શેર ન કરે. આવા દસ્તાવેજોનો દુરુપયોગ નાણાકીય છેતરપિંડી અને ઓળખ ચોરી તરફ દોરી શકે છે. જનતાને સતર્ક રહેવા અને તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતીનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવે છે.