Sat Sep 05 2026

Logo

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પરથી વેટ નાબૂદ, વિદેશી દારૂ સસ્તો મળશે

2026-06-24 19:27:00
Author: Chandrakant Kanoja
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પરથી વેટ નાબૂદ, વિદેશી દારૂ સસ્તો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં સરકારના નાણાં વિભાગના પરિપત્ર જાહેર કરીને  ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરથી વેટ નાબૂદ કર્યો છે. આ પરિપત્ર મુજબ  ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઈન' ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ વેચાશે તેના પર હવે વેટ વસૂલવામાં નહિ આવે.જેના પગલે હવે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો મળશે. 

ગુજરાત વેટ એક્ટ 2003માં પણ સુધારો કર્યો

આ અંગે રાજ્ય સરકારના નાણાં વિભાગે ગુજરાત વેટ એક્ટ 2003માં પણ સુધારો કર્યો છે.  આ નવી જોગવાઈ હેઠળ, વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી ધરાવતી હોટેલ્સ, ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે અને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં  આવશે. 

મુક્તિનો લાભ માત્ર અધિકૃત ડીલરોને મળશે 

તેમજ આ મુક્તિનો લાભ માત્ર એવા જ અધિકૃત ડીલરોને મળશે જેમની પાસે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર માન્ય લાયસન્સ ઉપલબ્ધ હોય. રાજ્ય સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં આવતા આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનો અને રોકાણકારોને વધુ સુવિધાઓ મળશે. 

ગિફ્ટ સિટીમાં બિઝનેસ નેટવર્કિંગનું વિસ્તરણ થશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગાંધીનગરની  ગિફ્ટ સિટીમાં અનેક કંપનીઓના આગમાન બાદ  વૈશ્વિક રોકાણકારો  કંપનીના સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે. જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી. હવે ટેક્સના માળખામાં મોટી રાહત અપાતા ગિફ્ટ સિટીમાં બિઝનેસ નેટવર્કિંગનું વિસ્તરણ થશે.