(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં બે ટકા જેટલો તીવ્ર ઘટાડો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 21 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને રૂપિયો 94.55ની સપાટીએ બંધ રહ્યો સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.76ના બંધ સામે નરમાઈના વલણ સાથે 94.88ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.93 અને ઉપરમાં 94.55ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 21 પૈસાના સુધારા સાથે સત્રની ઉપલી 94.55ની સપાટીએ જ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 13 પૈસાનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે આજે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વે તંગ નાણાનીતિ અપનાવવાના સંકેત આપ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેશે તેમ છતાં અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોની પ્રગતિ સાથે ક્રૂડતેલના ભાવ ઘટતાં રૂપિયાને ટેકો મળતો રહેતાં રૂપિયો 94.45થી 95.10 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 2.05 ટકા ઘટીને બેરલદીઠ 75.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 790.54 પૉઈન્ટનો અને 197.55 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં 17.86 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.23 ટકા વધીને 101.63 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું.