Tue Oct 06 2026

Logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસમાં બે વખત થશે ટક્કર, જાણો વિગત

London   2026-06-22 14:41:00
Author: Mayur Patel
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસમાં બે વખત થશે ટક્કર, જાણો વિગત

લંડનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે  જંગ પર સમગ્ર વિશ્વની નજર હોય છે. તાજેતરમાં ICC મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થયો હતો. જેમાં ભારતે પાકિસ્તાનને એક તરફી ધૂળ ચટાવી હતી. હવે હૉકી પ્રેમીઓ માટે આવો મોકો આવી રહ્યો છે. FIH પ્રો લીગમાં ભારતીય હોકી ટીમની પાકિસ્તાન સામે ટક્કર થશે.  ટીમ ઈન્ડિયા આ સપ્તાહે ચાર દિવસની અંદર બે વખત પાકિસ્તાન સામે ટકરાશે.

ભારતીય ટીમે રોટરડેમ સ્ટેજનું સમાપન નેધરલેન્ડ્સ પર 3-2ની શાનદાર જીત સાથે કર્યું હતું. હવે ટીમ પોતાના અભિયાનના અંતિમ ચાર મુકાબલા માટે લંડન પહોંચી રહી છે, જ્યાં તેનો સામનો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે થશે. જૂન 2026 ભારત અને પાકિસ્તાનની હોકી હરીફાઈ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ જ મહિને બંને દેશોની પ્રથમ ટક્કરના 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 1956 મેલબોર્ન ઓલિમ્પિકના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1-0થી હરાવીને પ્રથમ વખત આ ઐતિહાસિક મુકાબલામાં જીત મેળવી હતી.

ત્યારબાદ બંને ટીમો વધુ 182 વખત સામસામે આવી ચૂકી છે. આંકડાઓ પર નજર કરીએ તો પાકિસ્તાનનું પલ્લું થોડું ભારે રહ્યું છે. પાકિસ્તાને 84 મુકાબલા જીત્યા છે, જ્યારે ભારતના ખાતામાં 71 જીત નોંધાયેલી છે. 28 મેચ ડ્રો રહી છે. જો કે, નવા યુગની વાર્તા કંઈક અલગ જ કહે છે. વર્ષ 2000 પછી ભારતે પાકિસ્તાન પર સરસાઈ મેળવી લીધી છે. આ સમયગાળા દરમિયાન ભારતે 41 મુકાબલા જીત્યા છે, જ્યારે પાકિસ્તાનને 38 જીત મળી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે અને ક્યાં થશે ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ 23 જૂને રમાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. લંડનના લી વેલી હોકી એન્ડ ટેનિસ સેન્ટર ખાતે બંને ટીમો વચ્ચે ટક્કર થશે.  બંને ટીમો વચ્ચે બીજી મેચ 26 જૂને આ જ સ્થળ પર રમાશે. આ મુકાબલાની શરૂઆત ભારતીય સમય અનુસાર રાત્રે 10 કલાકે થશે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટક્કર સપ્ટેમ્બર 2024માં થઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ બંને ટીમો ફરી સામસામે હશે. ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને નેધરલેન્ડ્સ જેવી મજબૂત ટીમને હરાવીને આત્મવિશ્વાસથી ભરેલી છે. બીજી તરફ, પાકિસ્તાન પણ આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પોતાની છાપ છોડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.