Wed Jun 24 2026

Logo

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન 27 લાખનું ફૂડ બિલ, અધિકારીઓ પાસે ખુલાસો મંગાયો

2026-06-24 19:17:50
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરેલા જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં કોર્પોરેશન અધિકારીઓ દ્વારા કોર્પોરેશન સમક્ષ રૂપિયા 27. 20 લાખનું અધધધ ફૂડ બિલ રજૂ કરતાં  ખળભળાટ મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ આ ફૂડ બિલમાં અધિકારીઓએ રૂપિયા 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ખાધી હતી. જો રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ બિલને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. 

ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂ. 6,30,946 

આ બિલની વધુ  વિગતો મુજબ અધિકારીઓએ  સમોસા, ખજૂર રોલ અને ખમણની માત્ર 150 નંગ પ્લેટનું બિલ જ રૂ. 34,650 રજૂ કર્યું છે. જ્યારે  ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂ. 6,30,946 આવ્યું છે. જેમાં અધિકારીઓ અને સ્ટાફ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત પીધો છે. આ ઉપરાંત આ બિલમાં પ્રેમવતી  રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા જમવાનું બિલ રૂ. 20 લાખ 68 હજાર રૂપિયાનું મૂકવામાં આવ્યું છે. જોકે, રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બિલની દરખાસ્તને મંજૂરી આપવાના બદલે હાલ પૂરતી પેન્ડિંગ રાખી દીધી છે. તેમજ અધિકારીઓ પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. 

27. 20 લાખ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતાં વિવાદ સર્જાયો

ઉલ્લેખનીય છે કે, રાજકોટના વોર્ડ નંબર-16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ અને ટીપી રોડ પર કોર્પોરેશને  ફેબ્રુઆરી-2026માં  મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહી અંતર્ગત અંદાજે 1,400 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોર્પોરેશન ને સુરક્ષા માટે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ ત્રણ દિવસ દરમિયાનનું  ફૂડ બિલ રૂપિયા 27. 20 લાખ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતાં વિવાદ સર્જાયો છે.