Sun May 17 2026

Logo

ટુ ધ પોઈન્ટ: અધિક માસ શા માટે આવે છે?

2026-05-17 10:03:00
Author: Mukesh pandya
Article Image

 

- મુકેશ ગ. પંડયા

સૂર્ય મંડળ

આજથી શરૂ થતો અધિક મહિનો સહુના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અપાવે એવી શુભેચ્છા ...

આજની યુવા પેઢીના મનમાં કદાચ એવા પ્રશ્ન ઉપસ્થિત થતા હશે કે દર ત્રણ વર્ષે આ અધિક મહિનો કેમ આવે છે? આ સમયે લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉછાળો કેમ આવે છે? સાંસારિક - પ્રાસંગિક કાર્ય કેમ નથી  યોજવામાં આવતાં?

આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે આકાશમાં બનતી ખગોળીય ઘટનાઓને સમજવી જરૂરી છે.

આપણા ઋષિમુનિઓએ આ બધી ઘટનાઓનું બારીકીથી નિરીક્ષણ કરી વર્ષો પૂર્વે એવા તારતમ્ય કાઢ્યાં તેને જોઈને આધુનિક વિજ્ઞાન પણ ચકિત છે.

પશ્ર્ચિમી જગતે વર્ષની ગણતરી માટે સૂર્ય પર આધાર રાખ્યો છે. પૃથ્વી સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી કરે એટલે 365 દિવસ પૂરા થાય. આ 365 દિવસ મળી એક સૌર વર્ષ (સોલર યર) પૂરું થાય. બીજી બાજુ ઇસ્લામે વર્ષની ગણતરી માટે ચંદ્ર પર આધાર રાખ્યો છે. ચંદ્રને પૃથ્વી ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતા 29.પ દિવસ લાગે છે જેને મહિનો કહેવાય છે. આવા બાર મહિના અર્થાત્ 354 દિવસ પૂરા કરે ત્યારે એક ચંદ્ર વર્ષ ( લ્યૂનર યર) પૂરુ થયું કહેવાય.

હવે સનાતન ધર્મમાં સૂર્ય અને ચંદ્રને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સૂર્ય કદમાં ચંદ્ર કરતા મોટો ખરો, પરંતુ એટલો જ દૂર છે. એટલે પૃથ્વી પરથી જોતા આ બન્ને કદમાં સરખા જ લાગે છે અને બન્નેની સનાતન ધર્મમાં એક સરખી મહત્તા છે.

આથી હિન્દુ ધર્મમાં સૂર્ય વર્ષ (36પ દિવસ ) અને ચંદ્ર વર્ષ (354 દિવસ) વચ્ચેના 11 દિવસના તફાવતને દૂર કરવા લગભગ ત્રણ વર્ષને અંતે એક આખો વધારાનો મહિનો મૂકી દીધો છે અને આ જ છે આપણો અધિક મહિનો.

જો અધિક મહિનો ન હોત તો?

જો અધિક મહિનો ન હોત તો દર વર્ષે તહેવારો (જેમ કે દિવાળી, હોળી) સૂર્ય વર્ષ કરતાં લગભગ 11 દિવસ વહેલા આવતા ઋતુચક્ર બદલાઈ જાત.

આપણે ત્યાં વર્ષ દરમિયાન સમય સમય પર ઋતુ આધારિત તહેવારો કે પ્રસંગો ઉજવાય છે તેમાં સાતત્ય ન રહેત. થોડાં વર્ષોમાં જ એવું બનત કે ચોમાસાનો તહેવાર ઉનાળામાં કે ઉનાળાનો તહેવાર શિયાળામાં આવત. હોળી ઉનાળાને બદલે ચોમાસામાં આવે એમ પણ બને. અધિક મહિનો ન હોત તો તહેવારો અને ઋતુઓ વચ્ચેનો સુમેળ તૂટી જાત. આપણે ત્યાં ચંદ્રની કળા પર આધારિત તારીખ (તિથિ) અને તહેવારો છે એ માટે ચંદ્રવર્ષને ધ્યાનમાં લઈને સૌરવર્ષ સાથે સમતુલા જાળવવી અનિવાર્ય બની ગઈ.

ઉદાહરણ તરીકે - દિવાળી આસો સુદ અમાસે હોય તો અંગ્રેજી તારીખ બાબતે કોઈ ઝાઝો ફરક પડતો નથી. દ2 વર્ષે લગભગ 20 ઓક્ટોબરથી લઈ 10 નવેમ્બર સુધી દિવાળી ઉજવાય જ જાય પણ ક્યારેય એવું ન બને કે દિવાળી જૂન કે માર્ચ મહિનામાં આવે. અધિક મહિનાને કારણે જ આપણે ઋતુ આધારિત તહેવારો સમયસર માણી શકીએ છીએ અને તનમનથી તરબતર રહી શકીએ છીએ.

અધિક મહિનાને મળમાસ (અશુદ્ધ) તરીકે પણ ઓળખાવામાં આવે છે. તેને શુદ્ધ કરવાની જવાબદારી આપણી છે.

અધિક મહિનાને ‘મળમાસ’ કેમ કહ્યો હશે એવું આશ્ર્ચર્ય ઘણા વાચકોને થાય પરંતુ જે સમયે અધિક માસ આવે છે એ સમયનું નિરીક્ષણ કરશો તો અચરજ નહીં લાગે. ચાલો,  થોડા ઊંડા ઊતરીએ.

હકીકતમાં વર્ષના 12 મહિના અને 12 રાશિ પ્રમાણે દરેક મહિનાને સૂર્ય સંક્રાંતિનો લાભ મળે છે, પરંતુ અધિક મહિના અર્થાત્ વર્ષ દરમ્યાન આવતા આ તેરમા મહિનાને સૂર્ય સંક્રાંતિનો લાભ મળતો નથી.

વાસ્તવમાં સૂર્ય તો એની જગ્યા પર જ સ્થિર હોય છે, પરંતુ પૃથ્વી તેની આગળ પાછળ ફરે છે. વર્ષની પોતાની 365 દિવસની પ્રદક્ષિણા દરમ્યાન દર 30.5 દિવસે સૂર્યની સામે એવી સ્થિતિમાં ગોઠવાય છે કે દર મહિને સૂર્યની પાછળ એક રાશિ (અર્થાત તારા નક્ષત્રોનો સમૂહ) ઢંકાઈ જાય. પૃથ્વી પરથી એમ લાગે કે સૂર્યનો એ રાશિમાં પ્રવેશ થયો. દા.ત. પોષ મહિનામાં મકર રાશિ અને તેનો નક્ષત્ર સમૂહ સૂર્યની પાછળ ઢંકાઈ જાય તેને પૃથ્વીવાસીઓ મકર સંક્રાંતિ કહે. વળી પૃથ્વી ફરતા ફરતા 30.5 દિવસ બાદ મહા મહિનામાં એ કક્ષાએ પહોંચે જ્યાં કુંભ રાશિ ઢંકાઈ જાય. બોલચાલની ભાષામાં એમ કહેવાય છે. સૂર્ય નારાયણ કુંભ રાશિમાં પ્રવેશ્યા. આમ બાર મહિનામાં સૂર્ય બાર રાશિમાં પ્રવેશે. હવે તેરમા અર્થાત્ અધિક મહિનામાં શું થાય? સ્વાભાવિક છે કે આ મહિનાને સૂર્ય સંક્રાંતિનો લાભ મળે નહીં. 29.પ મહિનાના આ તેરમા મહિનાની શરૂઆત પહેલા અને અંત પછી સૂર્ય સક્રાંતિ થાય પણ આ મહિના દરમિયાન તો નહીં જ. જેમકે આ વર્ષે આજથી એટલે કે 17મેથી અધિક મહિનો શરૂ થયો પણ તેની અગાઉ 15 મે ના રોજ સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ્યો હતો. અધિક મહિનો 15 જૂને સમાપ્ત થશે ત્યાર બાદ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશશે. હવે ક્રાંતિ એટલે પરિવર્તન અને સંક્રાંતિ એટલે શુભ પરિવર્તન. અધિક મહિનાને સૂર્યના આ શુભ અને શુદ્ધ પરિવર્તનનો યોગ્ય લાભ મળતો નથી એટલે જ એ અશુદ્ધ અર્થાત મળમાસ કહેવાય છે.

ધાર્મિક પ્રવૃત્તિઓ વધારો ....આ સમયને શુદ્ધ કરો !

આપણે જોયું કે અધિક મહિનાને બ્રહ્માંડની સૌથી મોટી ઊર્જા એટલે કે સૂર્યશક્તિનો પૂરતો લાભ નથી મળતો. આવા સંજોગોમાં શુદ્ધિકરણ માટે માણસ જાતે વધુ પ્રયત્નો કરવા જોઈએ. જેમ કોઈ શહેરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પાડે તો સોસાયટીના સભ્યો ખુદ સાફસફાઈ માટે પ્રયાસ કરે તેમ સૂર્ય ઊર્જાની શુદ્ધ દૃષ્ટિની ગેરહાજરીમાં માણસોએ સ્નાન, પૂજા, ધ્યાન, ઉપવાસ, યજ્ઞ, દાન જેવી પ્રવૃત્તિઓ વધારી શુદ્ધિકરણના પ્રયાસ કરવા જોઈએ. સ્નાન અને ઉપવાસથી તનની તો પૂજા અને ધ્યાનની પ્રવૃત્તિથી મનની શુદ્ધિ થાય છે. યજ્ઞ - હવનથી વાતાવરણની તો દાનધર્મથી ધનની શુદ્ધિ થાય છે. સૂર્ય જેવા શક્તિશાળી દેવતાની ગેરહાજરીમાં આપણે લગ્ન જનોઈ જેવા સાંસરિક કાર્યો ભૂલી જઈ ધાર્મિક - આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વધારીએ તો ફાયદાઓ અખૂટ છે અને નુકસાન તો જાણે કશું છે જ નહીં.

આ મહિનો સૂર્યકૃપા વિનાનો હોવાથી જગતના પાલનકર્તા વિષ્ણુ ખુદ પુરુષોત્તમ રૂપે તેના પર કૃપા વરસાવી સમગ્ર પુરુષ જાતને ઉત્તમ કાર્યો કરવા પ્રેરે છે એટલે એ પુરુષોત્તમ મહિનાને નામે પણ ઓળખાય છે. આમ ઉત્તમ ધાર્મિક કાર્યો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.