નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલા NEET UG 2026 પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ગરિમા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એજન્સીમાં ચાર વરિષ્ઠ અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિયુક્તિ DoPT (કાર્મિક અને તાલીમ વિભાગ) દ્વારા કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ કરવામાં આવી છે. જેમાં 2 સંયુક્ત સચિવ (Joint Secretary) અને 2 સંયુક્ત નિયામક (Joint Director) નો સમાવેશ થાય છે.
NTA માં કોની-કોની થઈ નવી નિમણૂક?
એજન્સીની કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે સિવિલ સર્વિસિસ બોર્ડની ભલામણ પર નીચેના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે:
સંયુક્ત સચિવ (Joint Secretary) પદ પર અનુજા બાપટ (1998 બેચના ISS (ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ) ના વરિષ્ઠ અધિકારી) અને રૂચિતા વિજ ( 2004 બેચના IRS (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ - C&IT) ના અધિકારી ની નિયુક્તિ કરવમં આવી છે. સંયુક્ત નિયામક (Joint Director) પદ પર 2013 બેચના IRS (ઇનકમ ટેક્સ) અધિકારી આકાશ જૈનને 'લેટરલ શિફ્ટ' દ્વારા NTA માં મોકલવામાં આવ્યા છે અને તેમનો કાર્યકાળ 4 ડિસેમ્બર 2029 સુધી રહેશે. આ સાથે 2013 બેચના IA&AS (ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસ) ના અધિકારી આદિત્ય રાજેન્દ્ર ભોજગઢિયાને પણ લેટરલ શિફ્ટ હેઠળ લાવવામાં આવ્યા છે અને તેમનો કાર્યકાળ 16 મે 2028 સુધીનો રહેશે.
CBI તપાસમાં ઓર્ગેનાઈઝ્ડ સિન્ડિકેટનો પર્દાફાશ
બીજી તરફ, કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા NEET પેપર લીક મામલે દેશવ્યાપી કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે નામના મુખ્ય સૂત્રધારો સાથે મળીને એક મોટું સંગઠિત નેટવર્ક (સિન્ડિકેટ) ચલાવી રહ્યા હતા.
કેવી રીતે કામ કરતું હતું આ નેટવર્ક?
આ સિન્ડિકેટ વિદ્યાર્થીઓની આર્થિક અને શૈક્ષણિક સ્થિતિના આધારે તેમને ટાર્ગેટ કરતું હતું. પેપર લીક કરવા માટે અલગ-અલગ જગ્યાએ સેમિનાર યોજવામાં આવતા હતા અને ખાસ કરીને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા જૂના વિદ્યાર્થીઓને એજન્ટ બનાવવામાં આવતા હતા.
CBI ના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી મળી આવેલી વિદ્યાર્થીઓની નોટબુકમાં લખેલા પ્રશ્નો, 3 મે ના રોજ લેવાયેલી NEET UG 2026 ની પરીક્ષાના અસલી પ્રશ્નપત્ર સાથે સંપૂર્ણપણે મેચ થાય છે. મૂળ મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી પી.વી. કુલકર્ણીને હાલમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પુણેથી દિલ્હી લાવવામાં આવ્યો છે.
આ કેસમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી
CBI એ આ કેસમાં અત્યાર સુધીમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલ્યાનગર સહિતના વિસ્તારોમાંથી કુલ 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં મનીષા ગુરુનાથ માંધરે, પ્રો. પી.વી. કુલકર્ણી, માંગીલાલ બીવાલ, વિકાસ બીવાલ, દિનેશ બીવાલ, યશ યાદવ, શુભમ ખેરનાર, મનીષા વાઘમારે અને ધનંજય લોખંડેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો, મોબાઈલ ફોન અને ડિજિટલ ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હાલ ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ ચાલી રહી છે.