Sun May 17 2026

Logo

કરિઅર: નાનાં શહેરોમાં સ્ટાર્ટઅપની ક્રાંતિ

2026-05-17 09:42:00
Author: Lokmitra Gautam
Article Image

 

- લોકમિત્ર ગૌતમ

દિલ્હી, મુંબઈ, બેંગ્લૂરુ, હૈદરાબાદ અને પુણે-લાંબા સમય સુધી ભારતના સ્ટાર્ટઅપ નકશા પર આ જ મહાનગરોનાં નામ છવાયેલાં રહ્યાં હતાં, પરંતુ 2026માં જ્યારે હું આ પંક્તિઓ લખી રહ્યો છું ત્યારે ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે નોઈડા, ગુડગાંવ, ઈન્દોર, જયપુર, કોઈમ્બતુર, ભુવનેશ્વર, લખનઉ, નાગપુર અને સુરત, એટલું જ નહીં પરંતુ તેનાથી પણ નાનાં શહેરો અને દક્ષિણ ભારતના તો અનેક કસબાઓ પણ સ્ટાર્ટઅપની પ્રયોગશાળા બનીને ઊભરી રહ્યા છે. આ બદલાવ માત્ર ભૌગોલિક નથી, તે ભારતના આર્થિક અને સામાજિક માળખામાં થઈ રહેલા ઊંડા પરિવર્તનના સંકેતો આપે છે. વાસ્તવમાં સ્ટાર્ટઅપનું ઈકોસિસ્ટમ ઝડપથી બદલાઈ રહ્યું છે. જોકે ચોક્કસ આંકડા તો ઉપલબ્ધ નથી, પરંતુ અનુમાન છે કે એપ્રિલ 2026ના અંતમાં ભારતમાં 1,30,000થી વધુ સ્ટાર્ટઅપ હતા, જેમાંથી 45થી 50 ટકા હવે ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં હતા. એટલું જ નહીં, તાજેતરના એક સરકારી રિપોર્ટ અનુસાર સ્ટાર્ટઅપ્સમાં નાનાં શહેરોની ભાગીદારી સતત વધી રહી છે, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકોની. આ આંકડાઓ દર્શાવે છે કે સ્ટાર્ટઅપ હવે માત્ર ભારતના મેટ્રો સિટીની કહાની બનીને રહી ગયું નથી.

હકીકતમાં, નાનાં શહેરોમાં સ્ટાર્ટઅપ ઘણી રીતે વધી રહ્યા છે. કેટલાક સ્ટાર્ટઅપ પોતાનું રજિસ્ટ્રેશન મહાનગરોમાં કરાવે છે, પરંતુ તેમની કામગીરી નાનાં શહેરોમાં આધારિત હોય છે અને ઘણા સ્ટાર્ટઅપ એકસાથે ‘મલ્ટિ લોકેશન મોડલ’ પર કામ કરી રહ્યા છે. તેથી જો 2015માં જ્યારે ભારતમાં સ્ટાર્ટઅપ્સ તરફનો ઝુકાવ વધવાનું શરૂ થયું હતું, ત્યારની સરખામણીએ જોઈએ તો આ 11 વર્ષોમાં નાનાં શહેરોમાં આ વલણમાં 200થી 300 ટકા સુધીનો વધારો થયો છે. વર્ષ 2015માં ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં સ્ટાર્ટઅપનું પ્રમાણ 15થી 18 ટકાની આસપાસ હતું. આજે, આ સંખ્યા વધીને 50થી 52 ટકા થઈ ગઈ છે.

જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, હવે સ્ટાર્ટઅપની દુનિયા માત્ર મોટાં અથવા મેટ્રો શહેરોમાં જ કમ્ફર્ટેબલ નથી, પરંતુ બીજા અને ત્રીજા સ્તરનાં મધ્યમ અને નાનાં શહેરોમાં પણ તેટલી જ સહજ છે. સ્વાભાવિક રીતે આનો એક અર્થ એ પણ છે કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ ઝડપથી વધ્યું છે, અને તે સ્વાભાવિક પણ છે. કારણ કે જો ખેતી અને નાના વ્યવસાય એટલે કે એગ્રીટેક અને ફિનટેક તથા પ્રાદેશિક શિક્ષણ એટલે કે એજ્યુટેક સંબંધિત સ્ટાર્ટઅપ્સનો વિસ્તાર કરવો હોય, તો તે નાનાં અને મધ્યમ શહેરો વિના કેવી રીતે શક્ય છે? કારણ કે શહેરી વસ્તીના 65થી 70 ટકા લોકો તો નાનાં અને મધ્યમ શહેરોમાં જ રહે છે.

આખરે આટલી મોટી વસ્તી અને તેની સ્થાનિક સમસ્યાઓથી આ સ્ટાર્ટઅપ ક્રાંતિ અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે? જોકે ફંડિંગમાં હજુ પણ મોટો તફાવત છે. આજે પણ નાનાં શહેરોમાં રહેલા સ્ટાર્ટઅપ્સને મોટાં શહેરો એટલે કે મેટ્રો શહેરોમાં રહેલા સ્ટાર્ટઅપ્સની સરખામણીએ માત્ર 10 ટકા જેટલું જ ફંડિંગ મળે છે. આ એક મોટું અસંતુલન છે, પરંતુ ધીરે ધીરે આ અસંતુલન પણ આજે નહીં તો કાલે ચોક્કસપણે દૂર થઈ જશે. હાલમાં આ અસંતુલન એટલા માટે પણ છે કારણ કે હજુ પણ લગભગ તમામ યુનિકોર્ન (એક અબજ ડૉલરથી વધુનું મૂલ્યાંકન ધરાવતી કંપનીઓ) મહાનગરોમાં જ છે અને નાનાં તથા મધ્યમ શહેરોના સ્ટાર્ટઅપ્સ હજુ શરૂઆતી તબક્કામાં છે. પરંતુ ટૂંક સમયમાં જ મોટા સ્ટાર્ટઅપ્સ પણ નાનાં અને મધ્યમ શહેરોમાં પહોંચશે, કારણ કે દેશનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી ટીયર-2 અને ટીયર-3 શહેરોને અનુકૂળ થઈ રહ્યું છે. સવાલ એ છે કે આખરે નાનાં અને મધ્યમ શહેરોમાં આ સ્ટાર્ટઅપ ક્રાંતિ કેમ આવી? જેમ આપણે ઉપર પણ કહી ચુક્યા છીએ કે, ભારતની શહેરી વસ્તીના આશરે 65થી 70 ટકા લોકો નાનાં અને મધ્યમ શહેરોમાં જ રહે છે, તેથી પહેલી વાત તો એ છે કે આટલી મોટી વસ્તીનું સંચાલન થોડાં મહાનગરો દ્વારા થઈ શકતું નથી. 

આખરે પ્રાદેશિક જરૂરિયાતો, રહેણી-કરણી અને સંસ્કૃતિ પણ મહત્ત્વ રાખે છે. 

બીજી વાત એ છે કે મહાનગરોમાં સ્ટાર્ટઅપનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે કમાણીની તકો ઘટી રહી છે. જ્યારે નાનાં અને મધ્યમ શહેરોમાં જવાનો ફાયદો મોટા સ્ટાર્ટઅપ્સને એ છે કે, તેઓ સ્થાનિક સ્તરે મહાનગરોની સરખામણીએ લગભગ અડધા પગારમાં કર્મચારીઓ મેળવી લે છે. કર્મચારીઓને પણ આમાં વધુ સુવિધા છે, કારણ કે મોટા શહેરોમાં આવીને તેમને પગાર તો ચોક્કસ વધુ મળી જાય છે, પરંતુ ત્યાં રહેવાનો ખર્ચ આ ઊંચા પગાર કરતાં વધુ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, યુવાનો નાનાં શહેરોમાં ઓછા પગારથી ખુશ છે કારણ કે, પ્રથમ, તેઓ પોતાના ઘરમાં હોય છે, અને બીજું, નાનાં શહેરોમાં 50,000 રૂપિયા મોટાં શહેરોમાં 1,00,000 રૂપિયાની સમકક્ષ હોય છે. કારણ કે મોટાં શહેરોમાં રહેવાનો ખર્ચ વધારે છે, વ્યક્તિગત જાળવણી ખર્ચ નાનાં શહેરો કરતાં બેથી ત્રણ ગણો વધારે છે. તેથી નાનાં શહેરમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનો ફાયદો ઓછો ખર્ચ છે, પરંતુ સ્થાનિક કર્મચારીઓ માટે તે મોટાં શહેરોમાં એકલા રહેવા અને દરેક વસ્તુ માટે બીજા કોઈ પર આધાર રાખવા કરતાં તે વધુ સારું છે.

વિવિધ અહેવાલોના સંયુક્ત અંદાજ મુજબ, નાનાં શહેરોમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનો ખર્ચ મોટાં શહેરોની તુલનામાં 40 ટકા સુધી બદલાઈ શકે છે. આનો અર્થ એ છે કે નાનાં શહેરોમાં સ્ટાર્ટઅપનો ખર્ચ 40 ટકા ઓછો હોય છે, જેનો અર્થ એ છે કે નવા ઉદ્યોગસાહસિકોને મોટાં શહેરો કરતાં ઓછા જોખમ સાથે પ્રયોગ કરવાની તક મળે છે.
બીજી મોટી વાત એ છે કે આ ડિજિટલ ક્રાંતિનો યુગ છે. છેલ્લા બે દાયકામાં ઇન્ટરનેટ બેથી ત્રણ ગણું સસ્તું થઈ ગયું છે અને સ્માર્ટફોન, જે પહેલાં મધ્યમ વર્ગ માટે પણ એક સપનું હતું, તે આજે સામાન્ય માણસના હાથમાં આવી ગયા છે. આ ઉપરાંત યુપીઆઈ, ઑનલાઈન પેમેન્ટની સુવિધા તથા ઈ-કૉમર્સના વધતા ચલણે પણ આ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું છે; અને આ માટેનો પાયો સોશ્યલ મીડિયા માર્કેટિંગ તેમ જ રિમોટ વર્ક અને ક્લાઉડ ટેક્નૉલૉજીએ તૈયાર કર્યો છે. તેથી હવે કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મેટ્રો શહેરોમાં રહેવું જરૂરી નથી રહ્યું. જોકે, એવું પણ નથી કે આમાં કોઈ સમસ્યાઓ જ નથી. સ્વાભાવિક છે કે નાનાં શહેરોમાં સ્ટાર્ટઅપનું ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં હજુ પણ કેટલીક સમસ્યાઓ છે. નાનાં શહેરોમાં હજુ ‘મિક્સ વર્કફોર્સ’ જોવા મળતા નથી, સામાન્ય રીતે ત્યાં સ્થાનિક લોકોની જ ભરમાર હોય છે, જેના કારણે કામકાજનું જે ‘સમાવેશી કલ્ચર’ મહાનગરોમાં શક્ય છે, તે નાનાં શહેરોમાં નથી. પરંતુ મોટો ફાયદો એ છે કે સ્થાનિક કર્મચારીઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ બહારના લોકો કરતાં વધુ સારી રીતે લાવી શકે છે.

તેથી ખાસ કરીને ભલે તે ખેડૂતો માટે નવી ટેક્નૉલૉજીની વાત હોય, લોકલ લોજિસ્ટિક અને ડિલિવરી સિસ્ટમની વાત હોય કે પ્રાદેશિક ભાષામાં એડ્યુટેક પ્લૅટફૉર્મ વિકસાવવાની વાત હોય, આ બધું નાનાં અને મધ્યમ શહેરોમાં તેમની સ્થાનિક જરૂરિયાતો મુજબ વધુ સારી રીતે આગળ વધી રહ્યું છે. સાથે જ ભારત સરકારની નીતિઓ પણ એવી છે કે જેમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવી યોજનાઓએ નાનાં અને મધ્યમ શહેરોને પોતાના મહત્ત્વપૂર્ણ લક્ષ્ય તરીકે નિર્ધારિત કર્યા છે. આ સાથે હવે મોટાભાગનાં રાજ્યો જાગૃત છે અને તેઓ પોતે આ સ્પર્ધાત્મક વાતાવરણમાં સ્થાનિક સ્ટાર્ટઅપ પૉલિસી લાગુ કરી રહ્યાં છે, જેને અન્ય કરતાં વધુ ફ્લેક્સિબલ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આનાથી પણ ભારતનાં નાનાં અને મધ્યમ શહેરોમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિએ ઝડપની સાથે સાથે મજબૂતીથી ડગ માંડ્યા છે.

જોકે જ્યારે પડકારોની વાત આવે છે ત્યારે માત્ર સમાવેશી કાર્યસંસ્કૃતિનું જ સંકટ નથી હોતું. માર્ગદર્શન અને નેટવર્કની અછતનો પણ સામનો કરવો પડે છે. સાથે જ અહીં કૌશલ્યનો અભાવ પણ છે. મોટાભાગનાં નાનાં અને મધ્યમ શહેરોમાં ખાસ કરીને ટેક્નિકલ અને મૅનેજમેન્ટનું સ્તર તેવું નથી જેવું મોટાં શહેરોમાં છે. આ સાથે ટ્રેઇનિંગ અને એક્સપોઝરનો પણ અભાવ છે.

પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ બધું હોવા છતાં ભારતનાં નાનાં અને મધ્યમ શહેરોમાં સ્ટાર્ટઅપનો જે નવો ટ્રેન્ડ ઊભર્યો છે તે લાંબા સમય સુધી ટકી રહેશે. ભૂતકાળના અન્ય ઘણા ઉછાળાઓની જેમ, આ ઉછાળાનો પરપોટો હાલમાં તો ફૂટે તેમ નથી. તેથી આજે ભારતના સ્ટાર્ટઅપ નકશામાં નાનાં અને મધ્યમ શહેરોની જે તસવીર ઊભરી રહી છે, આવનારાં વર્ષોમાં તે ઝાંખી પડવાનું કે કરમાઈ જવાનું કોઈ કારણ નથી.