Sun May 17 2026

Logo

ચોમાસામાં ઘાટકોપરથી મુલુંડવાસીઓને હાલાકી થવાની જ  ‘એસ’ વોર્ડમાં હજી સુધી ફક્ત ૧૨.૬૬ ટકા નાળાસફાઈ

2026-05-17 10:02:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: બે વર્ષ અગાઉ નાળાસફાઈના નામે  કૉન્ટ્રેકટરોએ પાલિકા પ્રશાસને ચૂનો લગાવતા ચોમાસામાં ભાંડુપ સહિતના રેલવે સ્ટેશનો પર પાણી ભરાઈ જતા રેલ સેવા ઠપ્પ થતા મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. છતાં પાલિકાએ એના પરથી કોઈ શીખ લીધી હોવાનું લાગતું નથી. ‘એસ’ વોર્ડમાં નાળાઓની માત્ર ૧૨ ટકા સફાઈ થઈ હોવાથી પૂર્વ પરાના ગુજરાતી વિસ્તારો ઘાટકોપરથી મુલુંડના રહેવાસીઓને આ વર્ષે પણ ત્રાસ સહન કરવા તૈયાર રહેવું પડશે એવું ચિત્ર હાલમાં ઊભું થઈ રહ્યું છે.

સામાન્ય રીતે મુંબઈમાં માર્ચ એન્ડમાં અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં નાળાઓની સફાઈનું કામ શરૂ થઈ જતું હોય છે પણ આ વર્ષે નાળાસફાઈના કામ માટે કોઈ કૉન્ટ્રેક્ટર આગળ નહીં આવતા નાળાની સફાઈનું કામ એપ્રિલમાં મોડેથી શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં પણ કૉન્ટ્રેક્ટર માટે અનેક શરતોમાં છૂટ આપવામાં આવ્યા બાદ કૉન્ટ્રેક્ટર મળ્યા હતા. જોકે કૉન્ટ્રેક્ટરો ૩૧મે, ૨૦૨૬ની ડેડલાઈનને પહોંચી વળવા જે રીતે નાળાસફાઈ કરી રહ્યા છે, તેને જોતા ચોમાસામાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવવાની શકયતા નગરસેવકો અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે. તેમાં પણ પાલિકાના ઓનલાઈન ડેડા મુજબ મુંબઈમાં સરેરાશ ૭૦ ટકા કરતા વધુ નાળાસફાઈ થઈ છે પણ હકીકતમાં હજી પણ અનેક વિસ્તારોમાં સાઈટ પર નાળાસફાઈ અત્યંત ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ નાગરિકો કરી ચૂકયા છે.

પૂર્વ ઉપનગરના ‘એસ’વોર્ડમાં ભાંડુપ, કાંજુરમાર્ગ સહિત વિક્રોલીનો વિસ્તાર આવે છે. પાલિકાના ડેટા મુજબ આ વોર્ડમાં અત્યાર સુધી માત્ર ૧૨.૮૪ ટકા નાળાસફાઈ થઈ છે. તેમાં પણ અનેક વિસ્તારોમાં મોટા નાળાઓની સફાઈ તો હજી શરૂ કરવામાં આવી નથી. મોટાનાળામાં મોટા પ્રમાણમાં ફ્લોટિંગ કચરાથી લઈને મોટા પ્રમાણમાં ગાળ પડયો છે. મે મહિનાનું પહેલું પખવાડિયું વીતી ગયું છે અને ૩૧મી મે સુધીમાં એટલે કે આગામી ૧૫ દિવસમાં નાળાની સફાઈ કેવી રીતે પૂરી થશે એવો સવાલ નાગરિકોને સતાવી રહ્યો છે.

બે વર્ષ પહેલા વિક્રોલી, કાંજુરમાર્ગ સહિત ભાંડુપના અમુક મોટા નાળાઓની બરોબર સફાઈ થઈ ન હોવાથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકયો નહોતો. ભારે  વરસાદ દરમ્યાન વરસાદી પાણી નાળામાં જઈ નહીં શકતા વરસાદી પાણી ભાંડુપમાં રેલવે ટ્રેક પર આવી ગયા હતા અને તેને કારણે મધ્ય રેલવેની સેવા કલાકો સુધી ઠપ્પ થઈ ગઈ હતી. 

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે નાના નાળાની સફાઈ ૧૨ ટકા થઈ હોવાનું જાણવા મળ્યું છે પણ કૉન્ટ્રેક્ટર સાથે આ બાબતે શનિવારે જ બેઠક થઈ છે અને તેણે બહુ જલદી સફાઈ પૂરું કરી નાખવાનું આશ્ર્વવાસ આપ્યું છે. જયાં સુધી સવાલ મોટા નાળાનો છે તો તેમાં ફ્લોટિંગ કચરાનું પ્રમાણ વધારે છે. નાળાની આજુબાજુ રહેતા લોકો તેમાં સતત કચરો ફેંકી રહ્યા છે. તેથી કૉન્ટ્રેક્ટર દ્વારા સફાઈ કર્યા બાદ પણ તેમાં કચરો નજરે ચઢી રહ્યો છે. તેથી ચોમાસા પહેલા છેલ્લા રાઉન્ડમાં ફરી એક વખત મોટા નાળામાંથી ફ્લોટિંગ કચરો બહાર કાઢવામાં આવશે. હાલ દક્ષિણ મુંબઈમાં સરેરાશ મોટા નાળાની સપાઈ ૮૦.૨૩ ટકા, પશ્ર્ચિમ ઉપનગરમાં ૭૬.૪૦ ટકા અને પૂર્વ ઉપનગરમાં ૫૭.૫૧ ટકા થઈ છે પણ હજી ૧૫ દિવસ બાકી છે, તેમાં તમામ નાળાઓની સફાઈ પૂર્ણ થઈ જાય તેના પર ભાર આપવામાં આવશે.

ચિંતાનું કારણ નથી: પાલિકાનો દાવો
એસ વોર્ડમાં માત્ર ૧૨ સફાઈ બાબતે પાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે નાળાસફાઈ આ વર્ષે મોડી ચાલુ થઈ છે પણ ચિંતાનું કારણ નથી. સફાઈ માટે વધારાના કૉન્ટ્રેક્ટર રાખવામાં આવ્યા છે અને તેમની પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે. ભાંડુપ, વિક્રોલી અને કાંજુરમાર્ગ વિસ્તારમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે.

‘એ’ વોર્ડમાં ૧૦૨. ૬૭ ટકા સફાઈ
પાલિકાના ડેટા મુજબ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં ૭૦થી  ટકાથી વધુ નાળાસફાઈ થઈ ગઈ છે, જેમાં ‘એ’ વોર્ડમાં ૧૦૨.૬૭ ટકા નાળાસફાઈ થઈ ગઈ છે. તો બીજા નંબરે બી વોર્ડમાં ૯૮.૩૧ ટકા, સી વોર્ડમાં ૯૬.૨૯ ટકા અને ડી વોર્ડમાં ૯૯.૪૩ ટકા, ઈ વોર્ડમાં ૯૪.૯૫ ટકા  નાળાસફાઈ થઈ છે. તો સૌથી નીચલા નંબરે એસ વોર્ડમાં ાત્ર ૧૨.૮૪ ટકા સફાઈ થઈ  છે.