- આશુ પટેલ
આ કોલમના લેખ માટે વિષય વિચારી રહ્યો હતો એ વખતે આરતી કુમાવત નામની એક યુવતીએ ‘ફેસબુક’ પર મૂકેલી એક રીલ યાદ આવી ગઈ. તે બિનગુજરાતી યુવતીને હું ઓળખતો નથી, પણ તે સોશ્યલ મીડિયા પર હિન્દી ભાષામાં હૃદયસ્પર્શી અને પ્રેરક રીલ્સ-પોસ્ટ્સ મૂકતી રહે છે. એવી જ એક રીલના શબ્દો લખીને વાચકો સાથે શેર કરવાનું મન થયું. આગળના શબ્દો આરતી કુમાવતના છે જેનું ગુજરાતીમાં રૂપાંતર કરીને વાચકો સમક્ષ મૂકું છું....
એક સાંજે પતિ દરવાજેથી જ સહજતાથી બોલ્યો, ‘સાંભળ ને, હું મિત્રો સાથે બહાર જઉં છું.’
કપડાં ગોઠવી રહેલી પત્ની બોલી, ‘ઠીક છે, મજા કરો.’
પતિ થોડો ચોંકી ગયો. પત્ની હંમેશાં કહેતી હતી કે ‘જલદી આવજો. ગાડી ધ્યાનથી ચલાવજો, બહુ મોડું ના કરતા.’ આવું કંઈ ને કંઈ કહેતી હતી, પણ આજે કશું જ નહીં. ન કોઈ સવાલ, તે બસ શાંતિથી બોલી: ‘ઠીક છે.’
થોડા કલાક પછી તે મહિલાનો ટીનેજર દીકરો રસોડામાં આવ્યો. તેના હાથમાં એક કાગળ હતો અને તેનો ચહેરો પીળો પડી ગયેલો હતો.
‘મમ્મી...’ તે ધીમેથી બોલ્યો: ‘મારું રિઝલ્ટ આવ્યું છે અને એ બહુ ખરાબ છે.’ એટલું બોલીને તે ત્યાં જ ઊભો રહી ગયો. તેને વિશ્વાસ હતો કે આજે તો મમ્મી બહુ વઢશે. મમ્મી તેના ભણવાની બહુ ચિંતા કરતી રહેતી હતી તો આજે પાછું એ સાંભળવા મળશે કે ‘સમય બગાડયો’, ‘તું તારી ક્ષમતા વેડફી રહ્યો છે’ આવી લાંબી-લાંબી વાતો કરશે. તે આવું બધું સાંભળવાની તૈયારી કરીને આવ્યો હતો.
જોકે મમ્મીએ શાંતિથી કહ્યું, ‘ઠીક છે.’
એનો છોકરો આંખો પહોળી કરીને બોલ્યો, ‘બસ,ઠીક છે?’
‘હા,’ તે મહિલાએ બહુ પ્રેમથી કહ્યું: ‘વધુ ભણીશ તો સારું રિઝલ્ટ આવશે. નહીં કરે તો સેમેસ્ટર રિપીટ કરવું પડશે. તારી મરજી. હું બંને હાલતમાં તારી સાથે છું.’
ટીનેજર છોકરો દંગ રહી ગયો. તે વિચારમાં પડી ગયો કે મમ્મી આટલી શાંત ક્યારે થઈ ગઈ?
બીજે દિવસે બપોરે પેલી મહિલાની દીકરી ગભરાતી-ગભરાતી ઘરમાં આવી. તે થોડીવાર લિવિંગ રૂમમાં ઊભી રહી અને પછી હિંમત કરીને બોલી:
‘મમ્મી... હું... મેં કારને ટક્કર મારી દીધી. મોટું કંઈ નુકસાન નથી, બસ આપણી કારમાં થોડા સ્ક્રેચ આવી ગયા છે.’
તે મહિલા કશું જ ન બોલી. તેણે હળવું સ્મિત કર્યું અને પછી બસ એટલું જ કહ્યું કે ‘ઠીક છે. કાલે ગાડી વર્કશોપમાં આપી દેજે.’
‘તને ગુસ્સો નથી આવ્યો, મમ્મી?’ દીકરીએ ડરતાં-ડરતાં પૂછયું.
‘ના, ગુસ્સો કરવાથી કાર ઠીક તો નથી થઈ જવાની! હવે ધ્યાન રાખીને ચલાવજે.’
હવે ઘરમાં બધા ચિંતિત થઈ ગયા કે આ એ જ પત્ની- મમ્મી પહેલાં જેવી નહોતી રહી. તે પહેલા જલ્દી ગુસ્સે થઈ જતી હતી, તરત જ ટેન્શનમાં આવી જતી હતી, જલ્દી બોલી નાખતી હતી. હવે તે અચાનક શાંત, સ્થિર અને અંદરથી ખુશ દેખાતી હતી.
બધા અંદરઅંદર વાત કરવા લાગ્યા કે ‘શું કંઈક ગરબડ છે? આની તબિયત તો સારી છે ને? તેને કૈંક થઈ ગયું છે કે શું?’
એક સાંજે બધાએ તેને ડાઈનિંગ ટેબલ પર બેસાડીને તેની સાથે વાત કરી.
‘સાંભળ.’પતિએ તેને કહ્યું, ‘તું ઘણા દિવસોથી બહુ બદલાઈ ગઈ છો. કંઈ પણ હોય તને ગુસ્સો નથી આવતો, તું કશું રિએક્ટ નથી કરતી, બધું ઠીક તો છે ને?’
પતિના ચહેરા સામે જોઈને મહિલાએ સ્મિત કરતાં કહ્યું. ‘કશું નથી થયું. બધું બરાબર ચાલી રહ્યું છે. મને બસ એક વાત સમજાઈ ગઈ છે...’
બધાં ચૂપ થઈ ગયાં.
મહિલાએ કહ્યું: ‘ઘણા વર્ષો પછી અહેસાસ થયો કે દરેક માણસ પોતાના જીવન માટે પોતે જ જવાબદાર હોય છે.’
પતિએ પૂછયું , ‘મતલબ?’
તે મહિલા હાથ જોડીને ટેબલ પાસે ઊભી રહી અને બોલી, ‘હું પહેલા દરેક વાતે ચિંતા કરતી હતી. તમને મોડું થઈ જાય તો હું ગભરાઈ જતી હતી. બાળકોના સારા માર્કસ ન આવે તો મને અપરાધ-બોધ જેવું લાગતું હતું. કશુંક તૂટી જાય તો ગુસ્સો આવતો, ઘરમાં કોઈ સભ્ય નારાજ થઈ જાય તો તેને મનાવવા માટે દોડધામ. હું બધાની સમસ્યાને પોતાની માની બેઠી હતી, પણ એક દિવસ મને સમજાયું કે મારી ચિંતાથી તમારી બધાની સમસ્યાઓ દૂર નથી થતી, બસ મારી શાંતિ જતી રહે છે!’
પતિ -દીકરો અને દીકરી ચૂપચાપ સાંભળી રહ્યાં હતાં.
તેણે આગળ વાત વધારી, ‘મારી ચિંતાથી તમને કોઈ ફાયદો નહીં થાય. મારી દોડધામ તમારું જીવન આસાન નથી કરતી, બસ મારું જીવન મુશ્કેલ કરી દે છે. હું તમને સલાહ આપી શકું છું, પ્રેમ કરી શકું છું, સાથ આપી શકું છું, પણ તમારું જીવન હું તમારા બદલે જીવી નથી શકતી. જે નિર્ણય તમે લોકો લો છો એના પરિણામનો સામનો તમારે જ કરવો પડે છે, એ પછી સારા હોય કે ખરાબ.’
તે એક ક્ષણેક અટકી પછી સ્મિત કરીને ઉમેર્યું, ‘એટલે મેં નક્કી કર્યું છે કે જે મારા કંટ્રોલમાં નથી તેને કંટ્રોલ કરવાની કોશિશ નહીં કરું.’
દીકરો બોલી ઊઠ્યો: ‘મતલબ, તને અમારી કોઈ ચિંતા નથી?’
તેણે માથું હલાવીને કહ્યું, ‘મને તમારા બધાની બહુ ચિંતા છે, પણ ચિંતા કરવી અને બધા પર નિયંત્રણ રાખવું એ બંને અલગ વાત છે. હું તમારા બધા પર બધુ લૂંટાવી શકું છું, પણ એ માટે મારી માનસિક શાંતિ ગુમાવી દેવી યોગ્ય નથી.’
ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પછી પતિ -દીકરા -દીકરી સામે જોતાં પ્રેમથી બોલી,
‘મારું કામ છે તમને પ્રેમ આપવાનું, માર્ગદર્શન આપવાનું અને જરૂર પડે તો તમારી સાથે ઊભા રહેવાનું, પણ તમારું કામ છે પોતાની જિંદગીને જાતે જ સંભાળવાનું, તમારા નિર્ણય જાતે જ લેવાનું અને એના પરિણામ ભોગવવાનું. એમ જ દરેક માણસનો ઉછેર થાય છે વિકાસ પામે છે એટલે હવે કંઈ પણ ખોટું થાય તો એ ઠીક કરવાનું મારા હાથમાં નથી. હું શાંત રહીશ તો એનાથી તમે જ શીખશો. કારણ કે જીવન એવું જ હોય છે. બધાને શીખવાડે.’
ફરી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પતિએ તેનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, ‘આજે તેં અમને બધાને કશુંક શીખવી દીધું.’
તે હસી, ‘કદાચ. પણ આ વાત મારે જાતે શીખવી પડી.’
એ રાતે બધાએ તેના શબ્દો પર વિચાર કર્યો. દીકરો ભણવા લાગ્યો. એટલે નહીં કે મમ્મી ખીજાશે, પણ એટલે કે તે સમજી ગયો કે એ તેની જવાબદારી છે. દીકરીએ જાતે જ કાર રીપેર કરાવવાનું કામ હાથ ધર્યું. તે ઈન્શ્યોરન્સની પ્રક્રિયા સમજી ગઈ. પતિ હવે બહાર જતી વખતે જાતે જ ફોન કરીને કહેવા લાગ્યો. એટલે નહીં કે તેને કહેવામાં આવ્યું હતું, પણ તેને એવું કરવું બરાબર લાગ્યું.’
થોડા દિવસોમાં ઘરમાં બધું ધીરે-ધીરે હળવું લાગવા લાગ્યું. બધાં કોઈ ડરથી નહીં, સમજદારીથી વર્તવા લાગ્યા. કોઈ એવા વિચારથી દબાયેલું નહોતું કે ‘જો કોઈ ભૂલ થશે તો સાંભળવું પડશે.’ કારણ જો કોઈ એક માણસ પણ ઘરમાં શાંતિ રાખશે, તો એ શાંતિ બધામાં ફેલાશે. શાંતિ પણ એક સંક્રમણની જેમ જ ફેલાય છે. કોઈ એક માણસ નિયંત્રણ કરવાનું છોડી દેશે તો બાકી બધાં પોતાનાં પર નિયંત્રણ રાખવાનું શીખી જશે.
000
આરતી કુમાવતની વાત અહીં પૂરી થાય છે, પણ દરેક વ્યક્તિએ આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. મોટાં ભાગની તકલીફોનું મૂળ એ જ હોય છે કે કોઈ એક વ્યક્તિ ઘરમાં કે ઓફિસમાં કે કોઈ પણ પ્રોજેક્ટમાં બધાં પર નિયંત્રણ કરવાની કોશિશ કરતી હોય છે.