આપણામાંથી અનેક લોકો રોજબરોજના જીવનમાં અનેક એવી વસ્તુઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ કે જેનો ઉપયોગ તો કરીએ છીએ પણ એની પાછળનું કારણ કે લોજિક વિશે આપણને જાણ નથી હોતી. જો તમે શર્ટને કોઈ વખત ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે શર્ટના કોલરમાં નાના નાના બટન જોવા મળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આ બટન કેમ હોય છે, એવું વિચાર્યું છે ખરું? તમને જાણીને નવાઈ લાગશે કે આની શરુઆત પોલો સ્પોર્ટ્સને કારણે થઈ હતી, ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
તમે કોઈ પણ સારી અને બ્રાન્ડેડ શર્ટ અને ટી-શર્ટ ખરીદશો તો એ શર્ટના કોલરમાં કિનારી પર બંને બાજુ નાની સાઈઝના બટન જોવા મળે છે. જો તમને એવું લાગતું હોય કે આ બટન તો શર્ટ અને ટી-શર્ટની ડિઝાઈનનો હિસ્સો છે તો એવું નથી. આ બટનના કામ વિશે જાણીએ પહેલાં જાણીએ કે આખરે આ બટનને શું કહેવાય છે એ જાણી લઈએ. તમારી જાણ માટે કે કોલરની કિનારી પર જોવા મળતાં આ બે નાના બટનને બટન-ડાઉન કોલર (Button-Down Collar) કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ બટન્સ કોલરને નીચે બરાબર સેટ રાખવાનું કરે છે.
કોલરની કિનારી પર જોવા મળતાં આ બે નાના બટનને શું કહેવામાં આવે છે એ તો જાણી લીધું. હવે વાત કરીએ કે આખરે આ બટનનું કામ શું હોય છે એની. આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ બટન શર્ટ અને ટી-શર્ટની સુંદરતા વધારવા માટે હોય છે તો એવું નથી હોતું. આ બટન્, એક ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવ્યા હતા.
પોલો પ્લેયર્સ અને ઘોડેસવારોની સમસ્યા
શર્ટ અને ટી-શર્ટમાં કોલર પર આ બટનો લગાવવાની શરૂઆત ઘોડેસવારી અને પોલો સ્પોર્ટ્સને કારણે થઈ હતી. જૂના જમાનામાં જ્યારે ખેલાડીઓ ઝડપથી ઘોડો દોડાવતા, ત્યારે પવનના જોરદાર વેગને કારણે તેમના શર્ટના કોલર ઉડીને સીધા તેમના ચહેરા પર આવતા હતા. આનાથી ખેલાડીઓનું ધ્યાન ભંગ થતું અને એક્સિડન્ટ થવાનું જોખમ પણ વધી જતું હતું.
સમાધાન રૂપે આવ્યા 'ડાઉન કોલર બટન્સ'
આ સમસ્યાને ઉકેલવા માટે, તે સમયના ખેલાડીઓએ શર્ટના કોલરની બંને બાજુ નાના બટનો લગાડવાનું શરૂ કર્યું જેથી કોલર શર્ટ સાથે ચોંટી રહે અને પવનમાં ઉડે નહીં. આ નાનકડા પ્રયોગે ઘોડેસવારોની સુરક્ષા અને એકાગ્રતામાં મોટો વધારો કર્યો. ત્યારબાદ આઈવી લીગના પોલો ખેલાડીઓએ પણ આ સ્ટાઈલ અપનાવી હતી.
પ્રયોગમાંથી ફેશન સ્ટેટમેન્ટ સુધીની સફર
ધીરે ધીરે સમય જતાં, આ જરૂરિયાત એક ફેશન ટ્રેન્ડમાં ફેરવાઈ ગઈ. આજે મોટાભાગની લક્ઝરી અને ફોર્મલ બ્રાન્ડ્સ આ પ્રકારના શર્ટ બનાવે છે. જોકે હવે આપણે ઘોડા પર દોડવાનું હોતું નથી, છતાં કોલરને વ્યવસ્થિત રાખવા અને શર્ટને પ્રીમિયમ લુક આપવા માટે આ બટનોનો ઉપયોગ ચાલુ રહ્યો છે. આધુનિક ફેશનમાં તેને 'કેઝ્યુઅલ' અને 'સ્માર્ટ ફોર્મલ' લુકની નિશાની માનવામાં આવે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...