નવસારીઃ ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી હતી. આતંકી સંગઠન સાથે જોડાયેલા ફૈઝાન શેખની નવસારીથી ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝાન જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા હતો.
પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. તે આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ, તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા.
તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા. એટીએસએ આતંકીને ધરપકડ કરીને કોણે તેને હથિયારો પૂરા પાડ્યા, તેની સાથે કોઈ સંકળાયેલું છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.
નવેમ્બર 2025માં અમદાવાદમાંથી પકડાયા હતા આતંકી
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ઝડપાયેલા ત્રણેય શખ્સો ઉત્તર પ્રદેશથી આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું હતું. ગુજરાત એટીએસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ અમદાવાદમાં હુમલો કરવાના ઇરાદે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે, એટીએસની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ દ્વારા અમદાવાદ-મહેસાણા રોડ પરના અડાલજ ટોલ પ્લાઝા પાસે સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારમાંથી ડો. સૈયદને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા બે સ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ મળી આવ્યા હતા.
ડો. અહેમદ મોહ્યુદ્દીનની વધુ પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેણે હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હતા. 'અબુ ખાદીજા' નામનો એક વ્યક્તિ તેનો સહાયક હોવાનું પણ તેણે જણાવ્યું હતું. અબુ ખાદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી હોઈ અને ISKP સાથે સંકળાયેલો હોવાની વિગતો એટીએસને મળી હતી, તે ઘણા પાકિસ્તાની લોકોના સંપર્કમાં પણ હતો. ડો. સૈયદ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે અત્યંત શક્તિશાળી ઝેર બનાવવાની તૈયારીમાં હતો, જેના માટે તેણે જરૂરી સંશોધન, સાધનો, કાચો માલ અને પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
ડો. અહેમદ સૈયદને હથિયારો પહોંચાડનારા શખ્સોની તપાસ કરતા, એટીએસને બનાસકાંઠાનું લોકેશન મળ્યું હતું. કલોલના કબ્રસ્તાન સુધી હથિયારો પહોંચાડનારા ઉત્તર પ્રદેશના બે આતંકીઓ – આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ – ને બનાસકાંઠામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદી માનસિકતા ધરાવતા શખ્સોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો મેળવ્યા હોવાનું અને લખનૌ, દિલ્હી તથા અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હોવાનું પણ સામે આવ્યું હતું.. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેમના નેતા પાકિસ્તાન સરહદથી ડ્રોન દ્વારા તેમને હથિયારો મોકલતા હતા.