મુંબઈઃ નવી મુંબઈમાં દર શિયાળામાં ખરેખર એક અનોખો નજારો જોવા મળે છે. શહેરના દરિયાકિનારા અને વેટલેન્ડ્સમાં હજારો, નહીં લાખો ફ્લેમિંગો ઉમટે છે. તાજેતરમાં, નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં NRI કોમ્પ્લેક્સની પાછળ સ્થિત તાલાવે વેટલેન્ડ્સમાં ફ્લેમિંગો મોટી સંખ્યામાં જોવા મળે છે અને આ દૃશ્યના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. કાદવવાળા ગ્રે માર્શલેન્ડ્સનો અચાનક ગુલાબી રંગ કોઈ કુદરતની દસ્તાવેજી ઘટના જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં ફક્ત સુંદરતા જ નથી, તેની પાછળ એક રસપ્રદ વૈજ્ઞાનિક કારણ પણ છે.
ફ્લેમિંગો માટે નવી મુંબઈ "ફાઇવ સ્ટાર બફે" કેવી રીતે બન્યું?
વૈજ્ઞાનિકોના મતે મુંબઈ અજાણતાં જ ફ્લેમિંગો માટે એક પરફેક્ટ ફૂડઝોન બન્યું છે. અહીં બે પ્રકારના ફ્લેમિંગો આવે છે: લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો. લેસર ફ્લેમિંગો નાના અને ગુલાબી હોય છે, જ્યારે ગ્રેટર ફ્લેમિંગો લાંબા અને હળવા ગુલાબી રંગના હોય છે. બંને પક્ષીઓની ચાંચ એ રીતે બનેલી હોય છે જે પાણી અને કાદવમાંથી સૂક્ષ્મ ખોરાકના કણોને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેમની ચાંચની અંદર કાંસકા જેવી રચના ખોરાકને ફિલ્ટર કરીને અલગ તારવે છે.
મુંબઈની ગંદકી ફ્લેમિંગોનો ખોરાક કેવી રીતે બની?
મુંબઈની થાણે ક્રીક અને નવી મુંબઈની વેટલેન્ડ્સ ફ્લેમિંગો માટે આદર્શ રહેઠાણ બની ગઈ છે. છીછરૂ પાણી, કાદવના મોટા મેદાનો અને મેન્ગ્રોવ જંગલો તેમને રહેવા અને ખાવા માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. પરંતુ વધુ રસપ્રદ વાત એ છે કે શહેરનું પ્રદૂષણ પણ આમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષોથી મોટા પ્રમાણમાં શુદ્ધિકરણ વિનાનું ગટરનું પાણી થાણે ક્રીકમાં વહી રહ્યું છે. પર્યાવરણને નુકસાન થયું છે, પરંતુ તેના કારણે પાણીમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું સ્તર પણ વધ્યું છે. આનાથી વાદળી-લીલી શેવાળનો ઝડપીથી વિકાસ થાય છે, જેને ફ્લેમિંગો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને નાના ફ્લેમિંગો લગભગ સંપૂર્ણપણે આ શેવાળ પર આધાર રાખે છે. આનો અર્થ એ છે કે મુંબઈની ગંદકીએ અજાણતાં જ તેને ફ્લેમિંગો માટે વિશ્વના સૌથી મોટા ફૂડકોર્ટ માંથી એક બનાવ્યું છે.
છેલ્લા અનેક વર્ષોમાં ઝડપથી વધી સંખ્યા
1990ના દાયકા પહેલા મુંબઈમાં ફ્લેમિંગો ભાગ્યે જ જોવા મળતા હતા. જોકે, હવે તેમની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. 2007માં 10,000 ફ્લેમિંગો નોંધાયા હતા, તાજેતરના વર્ષોમાં આ સંખ્યા વધીને 1.3 લાખથી વધુ થઈ ગઈ છે. આ વધારો શહેરના વિસ્તરણ અને બદલાતી વેટલેન્ડ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ સુંદર ફ્લેમિંગોનો નજારો કાયમ માટે રહેશે તેની કોઈ ગેરંટી નથી. વૈજ્ઞાનિકો કહે છે કે જો વેટલેન્ડ્સને નુકસાન થાય, પાણીનો પ્રવાહ અવરોધાય અથવા પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થાય, તો ફ્લેમિંગો આવવાનું બંધ કરી શકે છે.
ફ્લેમિંગો ગુલાબી કેમ હોય છે?
ફ્લેમિંગોનો ગુલાબી રંગ તેમના ખોરાકને આભારી છે. તેઓ વાદળી-લીલી શેવાળ અને નાના દરિયાઈ જીવો ખાય છે જેમાં કેરોટીનોઇડ્સ નામના રંગદ્રવ્યો હોય છે. આ જ રંગદ્રવ્યો ગાજરને નારંગી રંગ અને ટામેટાંને લાલ રંગ આપે છે. જ્યારે ફ્લેમિંગો લાંબા સમય સુધી આ પ્રકારનો ખોરાક ખાય છે, ત્યારે તેમનો રંગ આછા સફેદથી ઘેરા ગુલાબી રંગમાં બદલાય છે. ખોરાક જેટલો સારો, તેટલો ઘેરો ગુલાબી રંગ.
ફક્ત પક્ષીઓ નથી, તેઓ પર્યાવરણના સૂચક છે.
નિષ્ણાતો માને છે કે ફ્લેમિંગો ફક્ત સુંદર પક્ષીઓ નથી, પરંતુ શહેરના પર્યાવરણની સ્થિતિના સૂચક પણ છે, જ્યારે વેટલેન્ડ્સ બરાબર-સ્વસ્થ હોય છે, ત્યારે હજારો ફ્લેમિંગો ત્યાં ઉમટી પડે છે. પરંતુ જેમ જેમ પર્યાવરણનું સંતુલન બગડતું જાય છે, તેમ તેમ આ પક્ષીઓ અન્યત્ર સ્થળાંતર કરે છે. આનો અર્થ એ થયો કે નવી મુંબઈનું ગુલાબી આકાશ ફક્ત એક દૃશ્ય નથી, પરંતુ કુદરતનો સંદેશ પણ છે કે શહેરે તેના વેટલેન્ડ્સ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ.