Tue Sep 15 2026

Logo

મુંબઈની SNDT મહિલા યુનિવર્સિટી થશે સોલાર પાવરથી સજ્જ: ચર્ચગેટ કેમ્પસમાં હવે સૂર્યપ્રકાશમાંથી બનશે વીજળી

2026-05-19 19:49:45
Author: Mumbai Samachar Team
મુંબઈની SNDT મહિલા યુનિવર્સિટી થશે સોલાર પાવરથી સજ્જ: ચર્ચગેટ કેમ્પસમાં હવે સૂર્યપ્રકાશમાંથી બનશે વીજળી

મુંબઈઃ બે વર્ષ પહેલા એસએનડીટી મહિલા યુનિવર્સિટીના જુહુ કેમ્પસની વીજળીની જરૂરિયાતોને સૌર ઊર્જા દ્વારા પૂર્ણ કર્યા પછી યુનિવર્સિટીએ હવે ચર્ચગેટ ખાતેના તેના મુખ્ય મથક માટે સૌર ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ પર કામ અંતિમ તબક્કામાં છે અને આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર ઊર્જા વિકાસ સત્તામંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

એસએનડીટી મહિલા યુનિવર્સિટી ચર્ચગેટ સંકુલમાં ત્રણ ઇમારતો છે. મુખ્ય વહીવટી ભવન, લેડી પાટકર ઓડિટોરિયમ બિલ્ડિંગ અને એનેક્સ બિલ્ડિંગ. આ ત્રણ ઇમારતના વીજ પુરવઠાના ખર્ચને નિયંત્રિત કરવા અને ભવિષ્યમાં ગ્રીન એનર્જી તરફ આગળ વધવા માટે એસએનડીટી મહિલા યુનિવર્સિટીએ પોતાની જરૂરિયાતો માટે વીજળી ઉત્પન્ન કરવા માટે પગલાં લીધાં છે. તે મુજબ હવે ચર્ચગેટ કેમ્પસમાં પણ સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ સેવન ગ્રીલ સોલાર સિસ્ટમ કંપની દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને તેનો ખર્ચ મહારાષ્ટ્ર ઉર્જા વિકાસ સત્તામંડળ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સાઇટ એન્જિનિયર કેશવ મસ્કેએ યુનિવર્સિટીના એન્જિનિયર આશિષ કાંબલેએ આમાં મૂલ્યવાન યોગદાન આપ્યાનું જણાવ્યું હતું.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉજ્જવલા ચક્રદેવના નેતૃત્વમાં જુહુ સંકુલમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ થયા બાદ હવે ચર્ચગેટ ખાતે ત્રણેય ઇમારતોની છત પર સૌર પેનલ લગાવવાનું કામ પણ પૂર્ણ થઈ રહ્યું છે. યુનિવર્સિટી 7 જુલાઈએ તેની 111મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તે પહેલાં, ગ્રીન એનર્જી દ્વારા વીજળીની જરૂરિયાત પૂરી કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. મસ્કેએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચર્ચગેટ સંકુલમાં તમામ ઉપકરણો જૂનથી જ સૌર ઉર્જા પર ચલાવવાનું શરૂ થશે.